સુરત(Surat): હજીરા (Hazira) ખાતે આવેલી તત્કાલીન ESSAR કંપની તેમજ હાલની AMNS સ્ટીલ ઇન્ડિયા કંપની દ્વારા જંગલની આશરે 8 હેક્ટર જમીનમાં (Land) દબાણ કર્યાનો આક્ષેપ થયો છે. આઇનોક્ષ કંપનીએ 2005 થી દબાણ કર્યું છે. આ દબાણ હજીરાની સર્વે નંબર 179 જમીનમાં છે. જંગલની જમીનમાં આ કંપની દ્વારા 27.2 હેક્ટર રો-મટીરીયલ હેન્ડલિંગ તેમજ 38.71 હેક્ટરમાં પાવર પ્લાન માટે માંગણી કરવામાં આવેલ હતી,પરંતુ આ વિશે આ બંને દરખાસ્તોમાં આશરે 8 હેક્ટર જમીનમાં આઈનોક્સ કંપનીનું 2005 થી દબાણ છે ,જેનો ક્યાંય દરખાસ્તમાં ઉલ્લેખ નથી કે કોઈ જ માહિતી વન વિભાગ કે સરકારને AMNS કંપનીના જવાબદાર અધિકારીઓએ રેકર્ડ પર આપી નથી કે વન વિભાગ એ પણ જરૂરી તપાસ પણ કરી નથી તથા આ બંને દરખાસ્તની માંગણી મુજબનો કબજો ગેરકાયદેસર આપી દીધો છે, જેની તપાસ કરવા સહકારી આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રીને (CMGujarat) પત્ર લખ્યો છે.
નાયકે આક્ષેપ કર્યો છે કે સદર જમીન 27.2 હેક્ટર રો-મટીરીયલ હેન્ડલિંગ અને 38.71 હેક્ટર પાવર પ્લાનના હેતુથી માંગવા આવી હતી. તે હેતુથી જમીનનો ઉપયોગ થઈ રહ્યો નથી. આ બંને દરખાસ્તોનો હેતુઓ પાર પાડવામાં આવ્યા નથી. હકીકત જાણતા હોવા છતાં વન વિભાગ દ્વારા ગેરકાયદેસર કબજો કંપનીને આપી દેવાયો છે. દરમિયાન AMNS કંપની દ્વારા 20.76 હેક્ટર જમીનની માંગણી કરાઈ હતી જેની દરખાસ્તને ભારત સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી કેટલીક શરતોને આધીન આપવામાં આવી હતી. જે તમામ શરતોની પૂર્તતા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા ના પાંચ વર્ષના સમયગાળામાં એજન્સી/કંપની દ્વારા પૂર્ણ કરવાની થતી હોય અને જો એમાં નિષ્ફળ જાય તો ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ એજન્સીની દરખાસ્ત રદ કરવાની જોગવાઈ છે, છતાં પણ આજદિન સુધી આ દરખાસ્ત ને રદ કરવામાં આવી નથી અને મંજૂરીની મુખ્ય શરત મુજબ 110 હેક્ટર બિન જંગલ જમીન વન વિભાગ ના નામે કરવાની હતી, જે આજ દિન સુધી કરવામાં આવી નથી,તેમ છતાં પણ આ કંપનીને ત્યાર પછી બે દરખાસ્તોને મંજૂર કરીને ગેરકાયદેસર કબજો આપી દીધો છે એ ઘણી ગંભીર બાબત છે.
આર્સેલર મિત્તલ કંપનીને વધુ 158 હેક્ટર જંગલની જમીન ફાળવવા મંજૂરી કેમ અપાઈ?
હાલમાં AMNS કંપની દ્વારા બીજી નવી જંગલ જમીનની 158 હેક્ટરની માંગણી કરવામાં આવી છે. એ કયા સંજોગોમાં સ્વીકારવામાં આવી એની ગંભીરતાપૂર્વક તપાસ કરીને આગળની કાર્યવાહી કરવી જરૂરી છે કારણકે આટલી મોટી માત્રામાં જમીનનો ગેરકાયદેસર કબજો કરવા છતાં પણ આ કંપનીને ખુલ્લેઆમ સપોર્ટ કયા સંજોગોમાં કરવામાં આવે છે, એ તમામ બાબતની તપાસ થવી જોઈએ. સદર 158 હેક્ટર જમીનની માંગણીમાં અન્ય એજન્સી દ્વારા પણ આ પહેલા માંગણી કરવામાં આવી હોય અને આ દરખાસ્તમાં ઓવરલેપિંગ થતું હોય તો આ માંગણી ની દરખાસ્ત કયા સંજોગોમાં સ્વીકારવામાં આવી?
હાલમાં બે ત્રણ મહિના પહેલા રેવન્યુ અને જંગલ ખાતા દ્વારા સંયુક્ત માપણી કરી તેમાં કેટલું દબાણ આવ્યું છે મળતી માહિતી મુજબ લગભગ 60 હેક્ટરનું દબાણ જંગલ ખાતા નું આમાં પણ માલુમ પડ્યું છે તો એની સામે શું કાર્યવાહી કરી ? એની સામે કોઈ વન વિભાગ દ્વારા FOR (FIRST OFFENCE REPORT) નોધવામાં આવેલ કે કેમ? તેની ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ.
ઝીંગા તળાવની જમીનમાં પણ કંપનીએ ખેલ કર્યો
હાલમાં જૂનાગામ શિવરામપૂરા ગામ વિસ્તારમાં ગેરકાયદેસર ઝીગાના તળાવો લગભગ 72 હેક્ટરમાં આવેલા છે.આ જમીનની માંગણી પણ આ AMNS કંપની દ્વારા કરવામાં આવી છે. જેમાં આ કંપની દ્વારા 2010 ના વર્ષની જંત્રી મુજબ નાણાં ભરવા માટે સૂચના અપાઈ છે. પરંતુ 2019-20 ના વર્ષમાં કલેક્ટ સુરત દ્વારા આશરે 8000 ચો.મી.ના મૂલ્યાંકન થી ભાવ નક્કી કરવામાં આવ્યો હતા પરંતુ આ કંપની દ્વારા સરકારને યોગ્ય ધારાધોરણ અને નીતિનિયમોનું માર્ગદર્શન આપ્યા વિના 2010 ના વર્ષની જંત્રીના ભાવે ખરીદવાની તૈયારી બતાવી સરકારની તિજોરીને અરબો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે.
કંપનીનું આ સરવે નંબરની જમીનો પર ગેરકાયદે દબાણ
જિલ્લા નિરીક્ષક દફતરમાં તા.13/04/2022 ના રોજ કરવામાં આવેલ માહિતી અધિકારના કાયદા હેઠળ કરેલ અરજીમાં મળેલી માહિતી મુજબ સરકારી રેવન્યુ સર્વે નંબર 180,181,182,183,184,185,187/બ,235/અ,235/બ,237,238,239/અ,241,242,243/અ જે નવસાધ્ય વાળી હોવાનું ધ્યાને આવ્યું છે, જે તમામ જમીનમાં પણ મોટા પાયે ગેરકાયદેસર દબાણ આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે તથા મોજે હજીરા,તાલુકો ચોર્યાસીના જેટલા પણ સરકારી ગામતળ તળાવો હતા તે પણ આ કંપની દ્વારા પુરાણ કરી કંપનીના પ્રોજેકટ નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી લોક હિતમાં માગણી છે.
આર્સેલર મિત્તલ કંપનીએ ગેરકાયદે ઈલેક્ટ્રીકલ ટ્રાન્સમિશન ટાવરો ઉભા કર્યા
આ કંપની દ્વારા જંગલ વિભાગની જમીનમાં ગેરકાયદેસર ઈલેક્ટ્રિકલ ટ્રાન્સમિશનના ટાવરો મોટા પ્રમાણમા ઊભા કરેલ છે,જેની સામે પણ તત્કાળ તપાસ કરી કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લેતા તત્કાલીન ESSAR અને હાલની AMNS કંપની દ્વારા સરકારને અંધારામાં રાખી કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હોય એવા સંજોગોમાં આવનાર તા.18/07/2022 ના રોજ યોજાનાર પર્યાવરણ બાબતની લોકસુનાવળી લોક હિતમાં રદ કરવામાં આવે એવી મારી લોક હિતમાં માગણી છે.