રસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસની નેતાગીરીએ કર્યો છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ બે લાખ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે.
સરકાર મોટા ઉપાડે ૧૮ વર્ષથી ઉપરના તમામ વયના લોકોને વેક્સિનેશન અંતર્ગત આવરી લેવામાં આવશે. કોઈપણ જાતનું આયોજન નહીં, કોઈપણ જાતનો અભ્યાસ નહીં, ફક્ત જાહેરાત કરવાની, પબ્લિસિટી કરવાની અને વાહવાહી મેળવવાનો પ્રયત્ન કરવાનો પરંતુ ગુજરાતના મોટા ભાગના સેન્ટરો ઉપર લોકોએ ધક્કા ખાધા, હેરાન, પરેશાન થયા, હાડમારીઓ ભોગવી છે પણ વેક્સિન ના મળી.
મહાઅભિયાનની જાહેરાત પછી પણ કોઈ જાતનું આયોજન નહી, ફક્ત ફોટોસેશન, ફક્ત હોર્ડિંગ્સ લગાવવાના, બેનરો લગાવવા, ભાષણો કરવા સિવાય કંઇ જ થયું નથી, ત્રીજી લહેરથી બચવા માટે શું કરવું જોઈએ, એના બદલે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીના ભાષણો બતાવવામાં આવે. ત્યાર પછી હકિકત શું? છેલ્લા એક અઠવાડિયાથી દરેક સેન્ટરો ઉપર જે કોરોના સામેની વેક્સિનેશનના જે ડોઝ મળવા જોઈએ તે ડોઝ નહી મળવાને કારણે લોકોને ખુબ હાલાકી ભોગવવી પડી રહી છે.
દિવસો સુધી લાઈનમાં ઉભા રહે, ધક્કા ખાત તેમ છતાં વેક્સિન નથી મળતી. એવા સંજોગોમાં આજે ગુજરાતમાં સેન્ટરો ઉપર વેક્સિનેશન કાર્યક્રમ ખૂબ ઓછા પ્રમાણમાં ચાલે છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો એક લાખ ડોઝની માંગણી સામે ફક્ત દસ હજાર જેટલા ડોઝ આવે અને એના જ કારણે છેલ્લા એક અઠવાડિયે હિસાબ કરીએ તો આખા દેશમાં જે વેક્સિનેશન કાર્યક્રમ ચાલે છે એમાં આજે ગુજરાતનો સાતમો ક્રમ આવી ગયો. જ્યારે કોરોનાની ત્રીજી લહેર આપણા માથે આવી ગઈ છે, નજીકના સમયમાં ત્રીજી લહેર આવશે તેવી નિષ્ણાંતોની ચેતવણી હોય, આ કોરોના સામે બચવા માટે વેક્સિનેશન એક માત્ર હથિયાર હોય ત્યારે સરકાર આ બાબતે બિલકુલ ચિંતીત પણ નથી.