શોલે ફિલ્મમાં જયના રોલ માટે અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહામાંથી કોને પસંદ કરવા એ ફિલ્મ નિર્દેશક રમેશ સિપ્પી માટે મૂંઝવણનો વિષય બન્યો હતો, છેવટે અમિતાભની પસંદગી થઈ, કારણ કે અમિતાભ કામ પ્રત્યે શિસ્તબદ્ધ અને પ્રતિબદ્ધ હતાં. અમિતાભ આજે 83 વર્ષની ઉંમરે પણ ચાલે છે એની પાછળ એમની પ્રતિભા ઉપરાંત શિસ્તબદ્ધતા અને પ્રતિબદ્ધતા જેવા ગુણો પણ કારણભૂત રહ્યા છે. અમિતાભમાં પ્રતિભા તો કુટી કુટીને ભરી હતી તેથી જ પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાનીમાં બેસ્ટ ન્યૂકમરનો એવોર્ડ મેળવ્યો હતો. 60 વર્ષની ઉંમરે માણસ બે પાંદડે ઠરીઠામ થતો હોય છે. અમિતાભને એ ઉંમરે કમાયેલું તો બધું ગુમાવ્યું જ પણ ઉપરથી 90 કરોડના દેવાના ખાડામાં પડ્યાં.
બીજું કોઈ હોય તો છાતીના પાટિયા બેસી જાય. દેવાના ખાડામાંથી તો બહાર આવ્યા જ, ઉપરથી એ ખાડા પર 3,500 કરોડની ઇમારત પણ ચણી બતાવી. અમિતાભ અત્યારે જે રીતે સ્વાસ્થ્યના ભોગે આડેધડ કામ હાથ પર લઈ રહ્યાં છે એની પાછળ ભૂતકાળનું દેવાદારપણું પણ જવાબદાર હોઈ શકે પરંતુ હવે આ ઉંમરે (કોન્ટીટી નહીં પણ ક્વોલિટી) સિલેક્ટિવ કામ જ હાથ પર લેવાનો સમય આવી ગયો છે. કદાચ આટલી લાંબી ફિલ્મી કારકિર્દી ભૂતકાળમાં કોઈ કલાકારની રહી નહીં હોય. આ પણ એક ઇતિહાસ બનીને રહી જશે.
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.