એક પત્રકારે અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યો કે, તમારામાં અને રાજેશ ખન્ના વચ્ચે શું ફરક છે? ડિપ્લોમેટિક જવાબ આપવા માટે જાણીતા અમિતાભ બચ્ચનને જવાબ આપ્યો કે, શાયદ..! હરિવંશરાય બચ્ચન કા ફર્ક હો સકતા હૈ.! એ ફરક તો આજે ય 82 વર્ષની ઉંમરે પણ એમનાં શુદ્ધ ઉચ્ચારણોમાં જોઈ શકાય છે. સંસ્કારમય અને સાહિત્યિક વાતાવરણ માણસમાં અમિટ છાપ છોડી જતું હોય છે. કલ્પના કરી જુઓ કે અમિતાભ બચ્ચન ફિલ્મ લાઈનમાં નહીં હોતે તો શું હોતે? સો માણસોના ટોળામાં અમિતાભ બચ્ચન ઊભા હોય તો પણ ઊડીને આંખે વળગે એવી અલગ પર્સનાલિટીના સ્વામી અમિતાભ બચ્ચન જ્યાં પણ હોતે કંઈક અલગ કરતે અને પોતાની છાપ છોડી જતે.
પ્રતિભા તો એટલી ઠાંસી ઠાંસીને ભરેલી કે પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાનીમાં એમને બેસ્ટ ન્યુ કમરનો એવોર્ડ મળેલો અને મહેનતાણું પાંચ હજાર રૂપિયા. આનંદ ફિલ્મમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો, એ ખુશી કરતાં એ અમિતાભ બચ્ચન માટે એ વખતના સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે કામ કરવા મળ્યું એનો આનંદ વધુ હતો. પ્રચંડ પ્રતિભા હોવા છતાં સમય સાથ નહોતો આપતો, એટલે શરૂઆતની ડઝનેક ફિલ્મો એવરેજ રહી. જંજીર ફિલ્મમાં “પ્રતિભા અને સમય” સાથે જોડાયા પછી અમિતાભ બચ્ચને કદી પાછું વળીને જોયું નથી. અડધો ડઝન જેટલા રોગ સાથે અને કેટલી એ શારીરિક મર્યાદાઓ સાથે 82 વર્ષે સક્રિય રહેવું એ જેવી તેવી વાત નથી. હિન્દી સિનેમાજગતના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના ગણાય, પરંતુ હિન્દી સિનેમાજગતમાં સૌથી લાંબી ઇનિંગ્સ રમવા માટે અમિતાભ બચ્ચનનું નામ મૂકવું પડે. નમ્રતા, નિયમિતતા, કામ પ્રત્યેની સમર્પિતતા અને પ્રચંડ પ્રતિભાનો સુભગ સમન્વય થાય ત્યારે અમિતાભ બચ્ચન નામનું વ્યક્તિત્વ સર્જાતું હોય છે.
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.