કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. આવતીકાલે રવિવારે ગાંધીનગર પાસે ભાઠ ગામ ખાતે અમૂલના પ્લાન્ટમાં નવા મિલ્ક પાઉડર પ્લાન્ટનું તથા પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે.
દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાઉડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે. આ નવો પ્લાન્ટ 24×7 કાર્યરત રહે તે રીતે રૂ. 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે. શાહ દ્વારા અમૂલ બટરના એક નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે, જે અમૂલફેડ ડેરીની બટર ઉત્પાદન ક્ષમતાને દૈનિક 40 ટનથી ત્રણ ગણી વધારીને 120 ટન કરશે. આ પ્લાન્ટ રૂ. 85 કરોડના રોકાણ સાથે બનાવવામાં આવ્યો છે.
અમૂલફેડ ડેરીમાં નવી રોબોટિક હાઇટેક વેર હાઉસિંગ સુવિધાનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવશે જેને રૂ. 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે ડેરીને લાંબાગાળા સુધી બગડે નહીં તેવા 50 લાખ લિટર દૂધને કાર્ટુન પેકેજિંગમાં ખૂબ મોટા જથ્થામાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે. અમૂલફેડ ડેરીના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. આ વિસ્તરણને પગલે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 ટન થઈ છે, જે ભારતનો સૌથી મોટો પોલિ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બન્યો. આ નવા વિસ્તરણ માટે રૂ.50 કરોડનું રોકાણ કરાયું છે.