Gujarat

અમિત શાહે આપ્યા ગુજરાતમાં ચૂંટણીના સંકેત, કહ્યું- આ વર્ષના અંતમાં ફરી ભાજપની સરકાર બનશે

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતની (Gujarat) ભૂપેન્દ્ર પટેલ સરકારને (Government) 1 વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે મહાત્મા મંદિર ખાતે મંગલવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં ભાજપ (BJP) ફરી સરકાર બનાવશે. તેમણે આ વાતનો પણ સંકેત આપ્યો હતો કે ગુજરાતમાં ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં ચૂંટણી પણ જાહેર થઈ જશે.

  • અમિત શાહે કહ્યું- આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં ભાજપ ફરી સરકાર બનાવશે
  • તેમણે સંકેત આપ્યો હતો કે ગુજરાતમાં ભાજપનો મુખ્યમંત્રીપદનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ જ રહેશે
  • અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલના કાર્યની પ્રશંસા

આજ રોજ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાજ્યમાં ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની થીમ પર ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી હાજર રહ્યાં. આ દરમ્યાન કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમિત શાહે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કેજરીવાલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં સપનાંના વેપાર કરનારાને ક્યારેય સફળતા નહીં મળે. પોતાના સંબોધનના અંતિમ તબક્કામાં અમિત શાહે ચૂંટણીલક્ષી સંકેત આપતાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે.

કાર્યક્રમમાં અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરતા કહ્યું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આજે ગુજરાતની જનતાના વિશ્વાસના 20 વર્ષ થયાં છે. ગુજરાતમાં આદર્શ વ્યવસ્થા બનાવવાનું કામ 20 વર્ષમાં થયું છે. આજે ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. ભૂપેન્દ્ર પટેલ અગાઉ ક્યારેય મંત્રી પણ બન્યા નથી. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરાયા ત્યારે ટીકાઓ થઇ હતી પણ આજે ભૂપેન્દ્ર પટેલ જે રીતે કાર્ય કરી રહ્યાં છે તેને સૌ જોઈ રહ્યાં છે. એક વર્ષમાં ગુજરાત પ્રગતિના દરેક ક્ષેત્રે આગળ વધ્યું છે.

અમિત શાહે કહ્યું કે આજે ભૂપેન્દ્રભાઇએ કરોડો રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. આજે ભૂપેન્દ્રભાઈએ MOU પણ કર્યા છે જે ખૂબ મોટી સિદ્ધિ છે. ગુજરાત એક્સપોર્ટમાં પણ સતત આગળ વધી રહ્યું છે. 790 કરોડના ખર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશન ફાઈવ સ્ટાર બનવાનું છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગુજરાત રમખાણોથી પીડાતું હતું. જ્યારે હવે ગુજરાત સુરક્ષિત છે.

અમિત શાહે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે એક વર્ષમાં નશાનો સૌથી વધુ કારોબાર ગુજરાતે પકડ્યો છે. હું હર્ષ સંઘવીને પણ અભિનંદન આપું છું. દરમ્યાન ચૂંટણીલક્ષી નિવેદન આપતા અમિત શાહે જણાવ્યું કે આ વર્ષના અંતમાં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. ભાજપનો વિજય નક્કી છે. ભાજપના વિજય રથને કોઇ નહીં રોકી શકે.

Most Popular

To Top