Entertainment

‘અલવિદા, બહેનો ઓર ભાઈઓ…’, રેડિયોની દુનિયાના અવાજના જાદુગર અમીન સાયાનીનું નિધન

મુંબઈ: મનોરંજનની દુનિયામાંથી સતત બીજા દિવસે માઠાં સમાચાર આવ્યા છે. ગઈકાલે મંગળવારે રુતુરાજ સિંહના નિધન બાદ આજે રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રેઝન્ટર અમીન સાયાનીનું નિધન (AminSayaniDeath) થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સાયાનીએ કરી છે.

સાયાનીના નિધનથી તેમના પુત્ર રઝીલ સાયાનીને ઘેરો શોક લાગ્યો છે. તેમણે જણાવ્યું કે અમીન સાયાનીને ગઈકાલે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું મોત થયું હતું

અમીન સાયાનીના અંતિમ સંસ્કાર આવતીકાલે 22મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. કારણ કે આજે તેમના કેટલાંક સંબંધીઓ તેમના અંતિમ દર્શન કરવા મુંબઈ આવવાના છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદૂગર તરીકે ઓળખાતા હતા
અમીન સાયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં થયો હતો. અમીન સાયાનીએ રેડિયોની દુનિયામાં મોટું નામ કર્યું હતું. તેમને રેડિયોની દુનિયામાં અવાજના જાદૂગર તરીકે ઓળખવામાં આવતા હતા. બહેનો ઓર ભાઈઓ… બોલવાની તેમની છટા લોકપ્રિય હતી. તેમનો અવાજનો જાદુ લોકોના દિલમાં ઘર કરી ગયો હતો. અમીન સાયાનીએ ઓલ ઈન્ડિયા રેડિયો, મુંબઈથી રેડિયો પ્રેઝન્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના ભાઈ હામિદ સાયાનીએ તેમને ઓલ ઈન્ડિયા રેડિયોમાં ઈન્ટ્રોડ્યુસ કર્યા હતા. તેમણે 10 વર્ષ સુધી અંગ્રેજી પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. પછી તેમણે ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયોને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top