ગુજરા હુઆ જમાનાના આવાઝની દુનિયાના બેતાજ બાદશાહ 91 વર્ષના અમીન સયાનીએ તાજેતરમાં આ જગતમાંથી અંતિમ વિદાય લીધી. બિના કા ગીતમાળા કાર્યક્રમને ઘરેઘર જનજનના મન સુધી પહોંચાડનાર અમિન સયાનીનો ટકોરાબંધ રણકાર હવે સૂનો પડી ગયો છે. ‘નમસ્તે બહેનો ઔર ભાઈઓ મે આપકા દોસ્ત અમીન સયાની બોલ રહા હૂં. ‘આપણી આસપાસ ફિઝાયા ગુંજતો અવાજ હજુ આજે પણ 77 વર્ષની ઉંમરે અમારા કાનમાં ગૂંજે છે. દર બુધવારે પ્રસારિત થતા આ મનોરંજન કાર્યક્રમની બચપણની યાદ ફૂટી તાજી થઈ. માંડ 16-17 વર્ષની ઉંમરના અમે મિત્રો 8 વાગ્યા પહેલાં જલ્દી જલ્દી જમી પરવારીને અમારી ગલીમાં રહેતા પંજાબી પરિવારના મિત્ર કૈલાસ છાબરા ઘરે પહોંચી જતા. રેડિયોની સામે બેસી જતા. યાદ આવે છે.
1963ની રાજેન્દ્રકુમારની ‘મેરે મહેબૂબ’ ફિલ્મનું મોહંમદ રફીનું ટાઇટલ ગીત 1964ની રાજકપુરની ‘સંગમ’ ફિલ્મનું મુકેશનું ‘બોલ રાધા બોલ’ ગીત અને 1965ની દેવ આનંદની ‘ગાઇડ’ ફિલ્મનું કિશોરકુમાર અને લતા મંગેશકરનું ગાતા રહે મેરા દિલ અવ્વલ નંબર પર વાગતું હતું. ક્યારેક કયું ગીત અવ્વલ નંબર પર વાગશે એની અંદરોઅંદર મિત્રો વચ્ચે શરત લાગતી હતી. કેવા એ નિર્દોષ બચપનના યાદગાર દિવસો હતા. જાદુઇભર્યા અવાજથી અમીન સયાનીએ દેશભરના સંગીત પ્રેમીઓને પાગલ કરી મૂક્યા હતા. લોકો એના અવાજના દિવાના બની ગયા હતા. હજુ આજે પણ એ બધી મીઠી મધુરી યાદો જીવન જીવવા માટે મજબૂર કરે છે. ખેર જવાનું બધાએ છે. એ રીતે અમીન સયાની પણ ગયા. પણ ઘણી બધી યાદો મૂકી ગયા. અમીન સયાનીજીને નમસ્કાર.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.