ગાંધીનગર: ગુજરાત પોલીસે (Gujarat police) રવિવારે જૂનાગઢમાં (Junagadh) ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની (Maulana Salman Azhari) અટકાયત કરી હતી. તેમજ મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (સી), 505 (2), 188 અને 114 હેઠળ કેસ નોંધ્યો છે. તેમજ તેઓની અટકાયત (Arrest) કરી ગત રાત્રે ગુજરાત પોલીસને સોંપી દીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મુફ્તી અઝહરીએ ગયા બુધવારે જૂનાગઢના સેક્શન B વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન વાંધાજનક ભાષણ આપ્યું હતું. દરમિયાન આ કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તેમજ ગતરાત્રે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત પોલીસ દ્વારા ઘાટકોપરથી અટકાયત કરવામાં આવી હતી.
સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૌલાનાના સેંકડો સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેમની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી. પરિણામે આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે સુરક્ષા કડક કરી હતી.
દરમિયાન મૌલાના સલમાન અઝહરીએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી. મૌલાનાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલી ભીડને માઈક દ્વારા સંબોધિત કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી.
મૌલાનાએ કહ્યું, ‘ન તો હું ગુનેગાર છું, ન તો મને અહીં ગુનો કરવા લાવવામાં આવ્યો છે. તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે અને હું પણ તેમને સમર્થન આપી રહ્યો છું. જો મારા નસીબમાં હોય તો હું ધરપકડ કરાવવા તૈયાર છું.’’ ત્યાર બાદ રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસે મૌલાના અઝહરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધા હતા. તેમજ તેઓને મુંબઈથી જૂનાગઢ લઇ આવ્યા હતા.
મૌલાના સલમાન અઝહરીના કેસમાં ગુજરાત પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 153B (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) (જનમતને ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધ્યો છે. મૌલાના સાથે બે સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે તેમના ભાષણનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે જૂનાગઢમાં કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને મૌલાનાને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આયોજકોએ કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે. પરંતુ તેમણે પોતાના સંબોધનમાં ભડકાઉ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.