નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 20 દિવસથી યુદ્ધ (IsraelHamasWar) ચાલી રહ્યું છે. ઇઝરાયેલ સૈન્ય ગાઝા (Gaza) પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. સામા છેડે ગાઝાથી હમાસ અને લેબનોનથી (Labnon) હિઝબુલ્લા ઇઝરાયેલ પર રોકેટ ફાયર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ઈરાને (Iran) ખુલ્લેઆમ ઈઝરાયેલને ધમકી (Threaten) આપી છે.
ઈરાને કહ્યું કે જો ઈઝરાયેલની સેના ગાઝામાં પગ મૂકશે તો તેઓને ત્યાં જ દફનાવી દેવામાં આવશે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર-ઈન-ચીફ જનરલ હોસેન સલામીએ કહ્યું કે ઈઝરાયેલ બોમ્બમારા સિવાય કંઈ કરી શકે તેમ નથી. જો તેઓ જમીન પર આવશે, તો તેઓને દફનાવી દઈશું ગાઝાનો અજગર તેમને ખાઈ જશે. જો તે ગાઝામાં પગ મૂકશે તો તેમને ત્યાં જ દફનાવવામાં આવશે. તેથી તેમની પાસે કોઈ વિકલ્પ નથી. તેઓ વિચારે છે કે તેઓ ગુના કરીને નુકસાનની ભરપાઈ કરી શકે છે.
ગઈ તા. 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન સંગઠન હમાસ અને ઈસ્લામિક જેહાદે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1400 લોકોના મોત થયા હતા એટલું જ નહીં, હમાસે 220 નાગરિકોને બંધક પણ બનાવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 7000 થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આમાંથી 3000 બાળકો છે. યુદ્ધના કારણે લાખો લોકોએ ગાઝા છોડી દીધું છે.
, ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીને ચારે બાજુથી ઘેરી લીધી છે. 3થી 4 લાખ સૈનિકો અને ઇઝરાયેલ આર્મીના હજારો ટેન્ક સરહદ પર તૈનાત છે. જોકે, ઈઝરાયેલ સરકારે હજુ સુધી સેનાને ગ્રાઉન્ડ ઓપરેશન માટે પરવાનગી આપી નથી.
24 કલાકમાં 5 હમાસ કમાન્ડર માર્યા ગયા
ઈઝરાયેલે છેલ્લા 24 કલાકમાં હમાસના 5 કમાન્ડરોને મારી નાંખ્યા છે. ઈઝરાયેલે હમાસ ઈન્ટેલિજન્સના ડેપ્યુટી હેડ શાદી બારૌદને હવાઈ હુમલામાં મારી નાંખ્યો છે. બરાઉદે હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે મળીને 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. બરૌદ પહેલા ખાન યુનિસ વિસ્તારમાં બટાલિયન કમાન્ડર હતો.
આ સિવાય હમાસના નોર્થ ખાન યુનિસ રોકેટ્સ એરેના કમાન્ડર હસન અલ-અબ્દુલ્લા પણ ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા. ઈઝરાયેલી સેનાએ આ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે, IDFએ હમાસના ત્રણ વરિષ્ઠ ઓપરેટિવના ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં દરાજ તુફાહ બટાલિયનના ત્રણ વરિષ્ઠ કાર્યકર્તાઓ માર્યા ગયા હતા. આ બટાલિયન જ 7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં ઘૂસી ગઈ હતી અને નરસંહાર કર્યો હતો