અમેરિકામાં હમણાં જ ટેકસાસ રાજયનાં સોલ્વાડોરનો રોલાન્ડો નામનો ૧૮ વર્ષી યુવાને શાળાના પ્રાંગણમાં આડેધડ ગોળીબાર કરીને એકવીસ નિર્દોષ (ધો. ૪, ૫ ના ૧૯ બાળકો અને વચ્ચે પડનાર બે શિક્ષિકા સાહેબ)ની હત્યા કરી. કારણ હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કરી શકયો ન હોવાથી સ્કૂલનાં વિદ્યાર્થીઓ પ્રત્યે નફરત પેદા થઇ ગઇ હતી. વાસ્તવમાં અમેરિકન સમાજ સમૃધ્ધિમાં આળોટે છે તેથી જ તેઓ માનવીય મૂલ્યો, સામાજીક અને કૌટુંબિક જીવનની હુફથી વિમુખ થતો જાય છે અને એકાંકી જીવન જીવવા સાથે માનસિક રોગનો ભોગ બને છે.
અમેરિકામાં બંદૂકના પરવાનાં સહેલાઇથી મળે છે. જેના કારણે આવા બનાવો સહજ બની જાય છે. અમેરિકામાં આ ‘ગન કલ્ચર’ પર અંકુશ મુકવાની વાત કરનાર કરતાં તેની તરફેણ કરનારની સંખ્યા વધુ છે. તેમની દલીલ છે કે દરેકને પોતાનાં આત્મરક્ષણ માટે બંદૂક રાખવી જરૂરી છે. આજના આતંકવાદ અને અત્યાચારનાં મુકાબલા માટે તે જરૂરી છે. અને એટલે જ અમેરિકામાં આ ગન કલ્ચરનો અંત આવતો નથી. આમ પણ વિશ્વમાં હથિયારો સપ્લાય કરનાર દેશ તરીકે અમેરિકા પ્રથમ છે.
એજ રીતે ગન કલ્ચરને પ્રોત્સાહન પુરુ પાડનાર તેના ઉત્પાદકો તરફથી ગ્રાહકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમેરિકાની અસર ધીમે ધીમે ભારતમાં દેખાઇ રહી છે. મુંબઇ, દિલ્હી જેવા શહેરોમાં વગદાર રાજકારણીઓ, બિલ્ડરો વગેરેને બંદૂકનાં પરવાના સહેલાઇથી મળી જાય છે. અને પોતાની પાસે હથિયાર હોવાનાં કારણે જ ક્ષુલ્લક બાબતોમાં ખુન ખરાબા જેવા બનાવોમાં વધારો થતો જાય છે. અમેરિકાની જેમ આપણે ત્યાં ‘ગન કલ્ચર’નો વિકાસ ન થાય તે માટે આવા હથિયારોનાં પરવાનાં માટે વધુ ચોકસાઇ રાખવી જરૂરી છે.
ગાંધીનગર – ભગવાન ગોહેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.