અમેરિકન બેન્કિંગ સેક્ટરમાં જે સુનામી આવી છે તે અટકવાનું નામ નથી લઈ રહી. પહેલાં સિલિકોન વેલી બેંક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ સિગ્નેચર બેંક બંધ કરી દેવામાં આવી હતી. હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પર પણ તાળાં લટકાવવાનો સમય આવી ગયો છે. આ બેંકમાં હિન્ડનબર્ગનું ખાતું છે, જેણે અદાણી જૂથ બાબતમાં રિપોર્ટ બહાર પાડ્યો હતો. અદાણી જૂથના શેરો માથે મારવા દ્વારા હિન્ડનબર્ગે જે કમાણી કરી, તેના મોટા ભાગનાં નાણાં ફર્સ્ટ રિપબ્લિક બેંકમાં મૂકવામાં આવ્યા હતા. હવે તે ડૂબી જવાનો ડર પેદા થયો છે. અદાણી જૂથની ફિકર કરનારા હિન્ડનબર્ગને અમેરિકાની કટોકટીનો ખ્યાલ કેમ નહોતો આવ્યો? તેવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે.
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે રિવ્યુ હેઠળ રાખવામાં આવેલી છ અમેરિકન બેન્કોમાં પ્રથમ ક્રમે ફર્સ્ટ રિપબ્લિક બેન્કનું નામ પણ સામેલ કર્યું છે. આ સિવાય રેટિંગ એજન્સીએ ઝિયોન્સ બાન કોર્પોરેશન, વેસ્ટર્ન એલિયન્સ બેન્કોર્પ, કોમેરિકા ઇન્કોર્પોરેશન, યુએમબી ફાયનાન્સિયલ કોર્પોરેશન અને ઈન્ટ્રસ્ટ ફાઈનાન્સિયલ કોર્પોરેશનના રેટિંગને પણ ડાઉનગ્રેડ કર્યું છે અને તેને સમીક્ષા હેઠળ મૂક્યું છે. મૂડીઝે સિગ્નેચર બેંકને અગાઉ ‘સી’રેટિંગ સોંપ્યું હતું. પરંતુ સોમવારે ન્યૂયોર્ક સ્થિત સિગ્નેચર બેંકનું રેટિંગ પણ નિમ્નતમ ગણાતા ‘જંક’ની કક્ષામાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું.
એજન્સીનું આ પગલું અમેરિકાના બેન્કિંગ સેક્ટર માટે મોટો ફટકો છે. અમેરિકામાં એક પછી એક બેંક ઉઠમણાંને કારણે ૨૦૦૮ જેવી મંદીનો ખતરો દૃષ્ટિગોચર થવા લાગ્યો છે. ૨૦૦૮માં બેંકિંગ કંપની લેહમેન બ્રધર્સે નાદારી જાહેર કરી હતી. તે પછી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી આવી હતી અને અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી. જો તમે અમેરિકાના બેંકિંગ ઈતિહાસ પર નજર નાખો તો ૨૦૦૮ પછી બેંકિંગ સેક્ટરમાં બીજું મોટું દેવાળું સિલિકોન વેલી બેંકનું હતું. આ પછી તરત જ ત્રીજી સિગ્નેચર બેંક અને હવે ફર્સ્ટ રિપબ્લિકના રૂપમાં ચોથી બેંક બંધ થવાના આરે છે.
સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકનું પતન ઈતિહાસમાં ઉદાહરણરૂપ બની જશે. આ બે બેંકો એટલી પ્રચંડ ઝડપે નિષ્ફળ ગઈ હતી કે તે બેંકનાં ઉઠમણાંનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેનું મુખ્ય કારણ એ હતું કે એક જ સમયે ઘણા બધા થાપણદારોએ બેંકમાંથી તેમની થાપણો ઉપાડી લીધી હતી. આવી ઘટના દુનિયાની કે ભારતની કોઈ પણ બેંક સાથે ઘટી શકે છે, કારણ કે થાપણદારો દ્વારા જેટલી મૂડી બેંકને સોંપવામાં આવી હોય તેના ૧૦ ટકા કરતાં વધુ તરલતા કોઈ બેંક પાસે હોતી નથી. જો ૧૦ ટકા કે તેથી વધુ ગ્રાહકો એક સાથે પોતાની થાપણો ઉપાડવા આવે તો સદ્ધરમાં સદ્ધર ગણાતી બેંકે પણ નાદારી નોંધાવવી પડે. બેન્કિંગનો વ્યવસાય લોકોના વિશ્વાસ પર ટકેલો છે કે બેંક જ્યારે જરૂર પડે ત્યારે આપણા રૂપિયા પાછા આપશે. જો ગ્રાહકોનો તેવો વિશ્વાસ ઊઠી જાય તો ગમે તેટલો નફો કરતી બેંક પાસે પણ દેવાળું જાહેર કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.
અમેરિકાના બેંકિંગ ક્ષેત્રની વર્તમાન કટોકટીનું કારણ એક ઊંડી સમસ્યા હોઈ શકે છે, જે રેકોર્ડ ફુગાવા, સંદિગ્ધ બેલેન્સ શીટ અને વધતા જતા વ્યાજ દરો પર ધ્યાન કેન્દ્રિત કરતી અમેરિકન બેંકિંગ પદ્ધતિની ખામીઓ દર્શાવે છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પ (FDIC) ના અધ્યક્ષ માર્ટિન ગ્રુએનબર્ગે ગયા અઠવાડિયે ચેતવણી આપી હતી કે અમેરિકાની નાણાંકીય વ્યવસ્થામાં ૬૨૦ અબજ ડોલરનું જોખમ છૂપાયેલું છે અને રવિવાર સુધીમાં ત્રણ બેંકોનો મોટો ધબડકો થયો હતો, જેમાં સિલ્વરગેટ કેપિટલ કોર્પ ત્રીજા ક્રમે છે. જ્યારે ટૂંકા ગાળામાં વ્યાજના દરો ઝડપથી વધે છે ત્યારે બેંકો વ્યાજના દરોના વધારાના જોખમનો સામનો કરે છે.
અમેરિકામાં આવું જ થઈ રહ્યું છે. અમેરિકાનું ફેડરલ રિઝર્વ માર્ચ ૨૦૨૨ થી આક્રમક રીતે વ્યાજના દરોમાં વધારો કરી રહ્યું છે. ફુગાવાને નિયંત્રિત કરવા માટે ફેડરલ રિઝર્વે અત્યાર સુધીમાં દરોમાં ૪.૫ ટકાનો વધારો કર્યો છે. એક વર્ષની યુએસ ટ્રેઝરી બોન્ડ પરની ઉપજ માર્ચ ૨૦૨૩ માં ૫.૨૫ %ની ૧૭ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી, જે ૨૦૨૨ની શરૂઆતમાં ૦.૫ %થી ઓછી હતી. ૩૦ વર્ષના ટ્રેઝરી બોન્ડ પર ઉપજ લગભગ ૨ ટકા વધી ગઈ છે. આ એક ચેઇન રિએક્શનનું કારણ બને છે, કારણ કે જેમ સિક્યોરિટી પર ઉપજ વધે છે, તેમ તેની કિંમત નીચે આવવાનું શરૂ થાય છે. ટૂંકા ગાળામાં વ્યાજના દરોમાં આટલો ઝડપી વધારો અગાઉ જારી કરાયેલા બોન્ડની બજાર કિંમતમાં ઘટાડાનું કારણ બને છે; પછી ભલે તે કોર્પોરેટ બોન્ડ હોય કે સરકારના લાંબા ગાળાના ટ્રેઝરી બોન્ડ હોય. ઉદાહરણ તરીકે ૩૦ વર્ષના બોન્ડની ઉપજમાં ૨ ટકાનો વધારો તેના મૂલ્યમાં લગભગ ૩૨ ટકા જેટલો ઘટાડો કરી શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો જો બોન્ડનો માલિક પાકતી મુદત સુધી બોન્ડને પકડી રાખી શકે તો બોન્ડના બજાર મૂલ્યમાં ઘટાડા તરફ દોરી જતા વ્યાજના દરમાં વધારાનું જોખમ કોઈ મોટી સમસ્યા નથી. તે સમયે તે કોઈ પણ નુકસાનનો સામનો કર્યા વિના તેની મૂળ રકમ સલામત રાખી શકે છે. તેવા સંયોગોમાં ખોટ માત્ર બેંકની બેલેન્સ શીટ પર છૂપાયેલી રહેશે અને સમય જતાં અદૃશ્ય થઈ જશે. પરંતુ જો જ્યારે બોન્ડનું બજાર મૂલ્ય મૂળ ફેસ વેલ્યુ કરતાં ઓછું હોય ત્યારે માલિકને તેની પાકતી મુદત પહેલાં બોન્ડ વેચવાની ફરજ પડે તો અવાસ્તવિક નુકસાન વાસ્તવિક નુકસાન બની જાય છે. સિલિકોન વેલી બેંકમાં આવું જ નુકસાન થયું હતું. જ્યારે વ્યાજના દરો ઊંચા હતા ત્યારે તેઓ રોકડની અછતનો સામનો કરી રહ્યા હતા. ગ્રાહકોની માગને પહોંચી વળવા તેઓએ તેમના જૂના બોન્ડ ખોટ ખાઈને વેચવાનું શરૂ કર્યું હતું, પરિણામે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
સિલિકોન વેલી બેંકનું ઉઠમણું ત્યારે થયું હતું જ્યારે ગ્રાહકોએ તેમની રોકડ અનામતનો ઉપયોગ કરીને બેંક ચૂકવી શકે તેટલી થાપણો ઉપાડવાનું શરૂ કર્યું હતું અને તેથી ગ્રાહકોની માગને પહોંચી વળવા માટે સિલિકોન વેલી બેંકે ૧.૮ અબજ ડોલરના નુકસાન સાથે ૨૧ અબજ ડોલરના બોન્ડ વેચવાનું નક્કી કર્યું હતું. ઇક્વિટી પરના આ ઘટાડાને કારણે સિલિકોન વેલી બેંકના સંચાલકોએ બે અબજ ડોલરથી વધુ મૂડી શેરો વેચીને એકત્ર કરવાનો પ્રયાસ કર્યો હતો. શેરોની મૂડી વધારવાની જાહેરાતને કાર સિલિકોન વેલી બેંકના ગ્રાહકોમાં ગભરાટ પેદા થયો, જેઓ પહેલેથી જ બેંકમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા હતા અને રોકડ ઉપાડવા દોડી ગયા હતા. આ ડિજીટલ યુગમાં જો બધા ગ્રાહકો થાપણો ઉપાડવા દોડી જાય તો એક સ્વસ્થ બેંક પણ ગણતરીના દિવસોમાં નાદાર થઈ શકે છે.
ફેડરલ રિઝર્વની વ્યાજના દરોમાં સતત વધારાની ઝુંબેશને કારણે અમેરિકાની તમામ બેંકો આજે તેમનાં કેટલાંક રોકાણો પર વ્યાજના દરના વધારાના જોખમનો સામનો કરી રહી છે. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકની તમામ થાપણો તેમના કદને ધ્યાનમાં લીધા વગર થીજાવી દેવાના અમેરિકન સરકારના નિર્ણયથી એવી શક્યતા ઓછી હોવી જોઈએ કે તેમના ચોપડા પર ઓછી રોકડ અને વધુ રોકાણો ધરાવતી બેંકો ગ્રાહકોના અચાનક ગભરાટને કારણે થનારા મોટા પાયે ઉપાડને કારણે તરલતાની અછતનો સામનો કરશે. અમેરિકાની ૧,૦૦૦ અબજ ડોલરની બેંક થાપણો હાલમાં વીમાના સંરક્ષણ વિનાની છે, જે એવી શંકા ઊભી કરે છે કે અમેરિકાની બેંકિંગ કટોકટી હજી સમાપ્ત થઈ નથી. અમેરિકાની આ કટોકટી ગમે ત્યારે ભારતમાં પણ ફેલાઈ શકે છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.