SURAT

અમેરિકન હોટલ એસોસિએશનની ચૂંટણીમાં ગુજરાતીનો ડંકો, સુરતના નિશાંત પટેલ જીત્યા

સુરત(Surat) : હોટલ ઓનર્સની વિશ્વની સૌથી મોટી સંસ્થા અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના (American Hotel Owners Association) ચેરમેન (Chairman) પદે ઈતિહાસમાં સૌપ્રથમવાર યુવા ચેરમેન તરીકે સુરતના કામરેજના શામપુરા ગામના વતની અને હાલમાં યુ.એસ.એ.ના (USA) ટેક્સાસ સ્ટેટના ઓસ્ટિન શહેરમાં વસતા નિશાંત પટેલની ભવ્ય જીત થઈ છે. જેને અમેરિકાના કોંગ્રેસમેન, મેયર સહિત દેશ-વિદેશના શુભેચ્છકોએ આવકાર્યો છે.

લેઉઆ પાટીદાર સમાજના યુવા ડાયરેક્ટર નિશાંત પટેલ હાઈટેક કાઉન્સિલના સભ્ય, રેડરૂફ ફ્રેન્ચાઈઝની એડ્વાઈઝરી કાઉન્સિલના સભ્ય તથા આહોવાના યુવા પ્રોફેશનલના ડાયરેક્ટરથી શરૂઆત કરી સેક્રેટરી સુધીની ચૂંટણી પણ જંગી બહુમતીથી જીતી ચૂક્યા છે. તેઓ બાઈલોઝ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનમાં શ્વેતવર્ણ સહિત દરેક વર્ણના મેમ્બર્સ તેમજ એશિયન મેમ્બર્સ મળી કુલ 20,000 જેટલા સભ્ય નોંધાયેલા છે. જે પૈકી ચૂંટણીમાં કુલ 4 ઉમેદવારે ઉમેદવારી કરી હતી. ગૌરવની વાત એ હતી કે, નિશાંત પટેલને કુલ મતદાનના 54 ટકા મત મળ્યા હતા. જ્યારે બાકીના ત્રણ ઉમેદવારને કુલ 46 ટકા મત મળ્યા હતા.
સંસ્થાના મેમ્બર્સ જે હોટલ, મોટેલ ધરાવે છે તેમના મૂંઝવતા પ્રશ્નો, વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળવા, નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવા તેમજ સરકાર સમક્ષ પણ સમયાંતરે રજૂઆતો કરી હોટલ મોટેલના માલિકોને ન્યાય અપાવવાનું કાર્ય કરવાનું હોય છે. નિશાંત (નીલ) નવીન પટેલને આટલી નાની વયે આવી અનેરી સિદ્ધિ મેળવી છે. જેને શામપુરા ગામ સહિત સમગ્ર લેઉઆ પાટીદાર સમાજે આવકારી છે.

Most Popular

To Top