તાજેતરમાં ઉત્તર કોરિયા (North Korea) દ્વારા છોડવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલો (Ballistic Missiles) જાપાનની ઉપરથી પસાર થઈ હતી. અમેરિકા, બ્રિટન, ભારત અને ફ્રાન્સ જેવા દેશોએ આવી કાર્યવાહી માટે કોરિયન દેશની નિંદા કરી છે. ઉત્તર કોરિયાની મિસાઈલોના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. દક્ષિણ કોરિયાના (South Korea) સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ નેવી એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક જૂથ (Aircraft Carrier Strike Group) હવે કોરિયન દ્વીપકલ્પના પાણીમાં આગળ વધી રહ્યું છે. દેશના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની બે બેલિસ્ટિક મિસાઇલો લોન્ચ કરાયા બાદ તણાવ વધી ગયો છે. જેને પગલે દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) એ ગુરુવારે એક કટોકટી બેઠક બોલાવી હતી. ઉત્તર કોરિયા દ્વારા 12 દિવસમાં આ પ્રકારનું છઠ્ઠું પ્રક્ષેપણ હતું.
એનએસસીએ ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયાની ઉશ્કેરણીનો સખત પ્રત્યાઘાત પડશે. એરક્રાફ્ટ કેરિયર યુએસએસ રોનાલ્ડ રીગન અને તેના સ્ટ્રાઈક ગ્રૂપને ઈસ્ટ સી (જાપાન સી) પર ફરીથી ગોઠવવાને ઉત્તર કોરિયા માટે ચેતવણી તરીકે જોવામાં આવે છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે બુધવારે જણાવ્યું હતું કે યુએસ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને જળમાર્ગ પર ફરીથી તૈનાત કરવામાં આવશે. તેમણે તેને “અસામાન્ય પગલા” તરીકે વર્ણવ્યું હતું જે ઉત્તર કોરિયાની કોઈપણ ઉશ્કેરણી અથવા ધમકીનો યોગ્ય જવાબ આપવા માટે દક્ષિણ કોરિયા-યુએસ જોડાણના નિશ્ચયને દર્શાવે છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રક્ષેપણ પર ચર્ચા થઈ હતી.
નિવેદન દ્વારા ઉત્તર કોરિયા ઉશ્કેરાયું
જ્યારે રીગનની પ્રવૃત્તિઓ પર દક્ષિણ કોરિયાના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે યુએસ 7મી ફ્લીટના પ્રવક્તાએ સીએનએનને કહ્યું કે રોનાલ્ડ રીગન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ હાલમાં જાપાનના સમુદ્રમાં કાર્યરત છે. નેવીએ તેના ભાવિ મિશન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. યુએસ નેવી સ્ટ્રાઈક ગ્રુપની ગતિવિધિઓ પર દક્ષિણ કોરિયાના નિવેદનથી ઉત્તર કોરિયા ભડક્યું છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલય દ્વારા પોસ્ટ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયા જોઈ રહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ કોરિયન દ્વીપકલ્પના પાણીમાં કેરિયર ટાસ્ક ફોર્સને ફરીથી તૈનાત કરીને કોરિયન દ્વીપકલ્પમાં અને તેની આસપાસ વિસ્તારમાં સ્થિરતા સામે ગંભીર ખતરો ઉત્પન્ન કરી રહ્યો છે.
90 એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની તાકાત
અગાઉ ઓગસ્ટમાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને રોનાલ્ડ રીગન એરક્રાફ્ટ કેરિયર ગ્રુપને જાપાનથી તાઈવાન મોકલવામાં આવ્યું હતું. રોનાલ્ડ રીગન એરક્રાફ્ટ કેરિયર પરમાણુ હથિયારોથી સજ્જ છે. અમેરિકાના સૌથી આધુનિક F-35B ફાઈટર જેટ તેના પર તૈનાત છે. અમેરિકાનું આ શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર ન્યુક્લિયર પાવર પર ચાલે છે અને ઘણી ઘાતક મિસાઇલોથી સજ્જ છે. કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ ફાઈવના વડા રોનાલ્ડ રીગન પાસે 90 ફિક્સ-વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની તાકાત છે.
દક્ષિણ કોરિયાની સેનાએ સતર્કતા વધારી છે
જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ઉત્તર કોરિયાના મિસાઇલ પ્રક્ષેપણને બિલકુલ સહન ન કરી શકાય તેવું ગણાવ્યું હતું. જાપાનના સંરક્ષણ મંત્રી યાસુકાઝુ હમાદાએ કહ્યું કે મિસાઈલ જાપાનના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન સુધી પહોંચી નથી. દક્ષિણ કોરિયાની સૈન્યનું કહેવું છે કે તેણે તકેદારી વધારી છે અને અમેરિકા સાથે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડે જણાવ્યું હતું કે આ પ્રક્ષેપણો યુએસ અથવા તેના સહયોગીઓ માટે તાત્કાલિક ખતરો નથી પરંતુ ઉત્તર કોરિયાના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોની સંભવિત અસરો પર ભાર મૂકે છે.