અમેરિકામાં પોલીસની અશ્વેત પ્રત્યેની ક્રૂરતાની એક ઘટના સામે આવી છે. પોલીસે વર્ષ 2020માં જ્યોર્જ ફ્લોયડની કરેલી હત્યાની જેમ વધુ એક અશ્વેતની હત્યા કરી છે. લોસ એન્જલસ પોલીસ અકસ્માત બાદ અશ્વેત કીનન એન્ડરસનની ધરપકડ કરવા પહોંચી હતી. પોલીસે પહેલા કીનનને ઘેરી લીધો અને તેને જમીન પર પછાડી દીધો હતો. પછી કોણી વડે તેની ગરદન 30 સેકન્ડ સુધી દબાવી રાખી. આ પછી ટેઝર ગનથી તેને કરંટ આપ્યો હતો. તે બેભાન થઈ ગયો બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીં તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટના 3 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. કીનન એન્ડરસન પેટ્રિસ કલર્સના પિતરાઈ ભાઈ હતા, જેમણે ‘બ્લેક લાઈવ્સ મેટર’ અભિયાન ચલાવ્યું હતું. પેટ્રિસે કહ્યું પોલીસે મારા ભાઈને મારી નાખ્યો છે. કીનનના વિરોધ કરતા એક પોલીસકર્મીએ 30 સેકન્ડ સુધી તેની ગરદન દબાવી રાખી હતી. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અન્ય એક પોલીસકર્મીએ ટેઝર ગનથી તેને વીજકરંટ આપ્યો હતો. આ દરમિયાન કીનન સતત મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. આ ઘટના બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં 4.5 કલાક પછી હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું. જણાવી દઇએ કે યુએસ પોલીસે કીનન સાથે બરાબર એ રીતે જ કર્યું જે જ્યોર્જ ફ્લોયડ સાથે 25 મે, 2020ના રોજ કરવામાં આવ્યું હતું. આજ પેટર્નથી કીનની પણ હત્યા કરવામાં આવી હોવાનું કહેવાય છે.