લાસ વેગાસમાં બુધવારે સવારે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ટેકઓફ કર્યા પછી તરત જ વિમાનના એન્જિનમાં આગ લાગી. હેરી રીડ ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન સવારે 8:11 વાગ્યે શેર્લેટ માટે રવાના થયું હતું પરંતુ એરબસ A321ના ડાબા એન્જિનમાં આગ લાગવાથી અને ધુમાડો નીકળતા તેને પરત ફરવું પડ્યું. વિમાનમાં 153 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો હતા. સારી વાત એ છે કે કોઈને ઈજા થઈ નથી. હાલમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ઘટનાની તપાસ કરી રહ્યું છે.
અમેરિકન એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટના પછી વિમાન ગેટ પર પહોંચ્યું હતું. મુસાફરોને સામાન્ય રીતે ઉતારવામાં આવ્યા હતા. તપાસ અને સમારકામ માટે વિમાનને સેવામાંથી બહાર કાઢવામાં આવ્યું છે. એરલાઇન્સે ક્રૂના કાર્યની પ્રશંસા કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવશે.
જમીન પરના લોકો અને વિમાનમાં સવાર મુસાફરોએ આગ જોઈ હતી પરંતુ અમેરિકન એરલાઇન્સનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એન્જિનમાં આગના કોઈ પુરાવા મળ્યા નથી. મુસાફર પેટ્રિક ચેપિને કહ્યું કે તેમણે ધડાકો સાંભળ્યો. ત્યારબાદ એક ગડગડાટનો અવાજ સંભળાયો જે અટકવાનું નામ જ લેતો ન હતો.
તાજેતરના સમયમાં વિમાન દુર્ઘટનાના ઘણા બનાવો બન્યા છે. થોડા દિવસો પહેલા જ ભારતમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. તેમાં 270 લોકો મૃત્યુ પામ્યા હતા. ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. આ ઉપરાંત જાન્યુઆરીમાં આર્મી હેલિકોપ્ટર અને અમેરિકન એરલાઇન્સના પેસેન્જર વિમાન વચ્ચે થયેલી ટક્કરમાં 67 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં આગ લાગવાની ઘટનાથી મુસાફરોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. જોકે એરલાઇન કંપનીએ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની ખાતરી આપી છે. FAA આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. વિમાનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ બાદ જ સાચી માહિતી મળી શકશે.
પ્લાન ટર્બ્યુલન્સમાં ફસાયું
આ પહેલા રવિવારે અમેરિકન એરલાઇન્સની બીજી ફ્લાઇટમાં “અણધારી ઉથલપાથલ”નો અનુભવ થયો અને તેમાં સવાર પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ફોક્સ ન્યૂઝ ડિજિટલે પ્રવક્તાને ટાંકીને અહેવાલ આપ્યો કે અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 1286 મિયામીથી ઉત્તર કેરોલિનાના રેલે-ડરહામ જઈ રહ્યું હતું ત્યારે વિમાન ટર્બ્યુલન્સમાં ફસાયું હતું. WRAL ન્યૂઝને પોતાનો અનુભવ વર્ણવતા એક મુસાફરે કહ્યું, “એવું લાગતું હતું કે અમે રોલર કોસ્ટરની ટોચ પર છીએ અને નીચે પડી ગયા છીએ.” “એવું લાગ્યું કે અમે અથડાઈ ગયા અને પછી અમે હવામાં પડી ગયા. FAA એ એક નિવેદનમાં નોંધ્યું છે કે ક્રૂએ ટર્બ્યુલન્સને કારણે કેબિન ક્રૂ અને મુસાફરોને સંભવિત ઇજાઓ થયાની જાણ કર્યા પછી રાત્રે 10:50 વાગ્યે (સ્થાનિક સમય) પ્લેન રેલે-ડરહામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.