ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તોફાની તત્વો દ્વારા તોડવાની આંચકાજનક ઘટના સામે આવી છે. તોફાનીઓએ ગાંધીજીની પ્રતિમાને તોડ્યા બાદ તેની બાજુમાં ડોગ લખતા અમેરિકામાં વસતા ભારતીયોની લાગણીને ઠેસ પહોંચી છે. ભારતીયોમાં રોષ વ્યાપી ગયો છે.
ન્યૂયોર્કના ક્વીન્સ કાઉન્ટીમાં એક હિન્દુ મંદિરની બહાર ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી હતી. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર ૬ જેટલાં લોકોએ ગાંધીજીની પ્રતિમાને તોડી છે. જણાવી દઈએ કે વીતેલા બે સપ્તાહમાં આ બીજીવાર છે કે ગાંધીજીની પ્રતિમાને તોડવામાં આવી હોય. આ અગાઉ ૩ ઓગસ્ટના રોજ કેટલાંક તોફાનીઓએ પ્રતિમાને નીચે પાડી દીધી હતી.
ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું કે, આ ઘટના દક્ષિણ રિચમંડ હિલ ખાતે શ્રી તુલસી મંદિર પાસે બની હતી. બપોરે ૧.૩૦ કલાકે ૬ અજાણ્યા તોફાનીઓ આવ્યા હતા. અહીં મુકવામાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તોડી નાંખી હતી. મંદિર બહારના રસ્તા પર તોફાનીઓ ગ્રાન્ડ પી અને ડોગ પણ લખ્યું હતું. પછી બધા કારમાં બેસીને ભાગી ગયા હતા.
ન્યૂયોર્કમાં ભારતીય એસેમ્બલીના સભ્ય જેનિફર રાજકુમારે આ ઘટનાની નિંદા કરી છે. જેનિફરે કહ્યું કે, એ જાણીને દુઃખ થાય છે કે શાંતિ અને અહિંસાનું પ્રતિક તરીકે વિશ્વભરમાં ઓળખાતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે દુર્વયવહાર કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે હિન્દુઓ પ્રત્યે અમેરિકામાં નફરત વધી રહી છે.
જણાવી દઈએ કે આ અગાઉ ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ખાલિસ્તાનના સમર્થકોએ વોશિંગ્ટન ડીસીમાં ગાંધી પ્રતિમાને અભડાવવાનો પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાનીઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૧માં કેલિફોર્નિયાના સેન્ટ્રલ પાર્કમાં બાપુની ૬ ફૂટની પ્રતિમાને નુકસન કરાયું હતું. અગાઉ ડિસેમ્બર ૨૦૨માં વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની સામે બાપુની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી. જૂન ૨૦૨૦માં પણ ગાંધી પ્રતિમાને કલર કરી નુકસાન કરવામાં આવ્યું હતું.