ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદ માટેની ચૂંટણી લડતા હતા ત્યારથી પોપટની માફક રટ્યા કરતા હતા કે, ‘જો તેઓ ચૂંટાઈને આવશે તો એક અઠવાડિયાની અંદર યુક્રેન અને રશિયાનું યુદ્ધ બંધ કરાવી દેશે.’ એમણે પોતાનો હોદ્દો સંભાળ્યો તે સમયે એવી આશા ઊભી થઈ હતી કે, તેમની પુતિન સાથેની નિકટતા અને અમેરિકન પ્રમુખ તરીકે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ઉપરનું વર્ચસ્વ ચોક્કસ આ બંનેને મંત્રણાના ટેબલ પર બેસવા માટે બાધ્ય કરશે અને અંતે એમાંથી સમાધાનનો કોઈક રસ્તો નીકળશે. પણ એવું કાંઈ થયું નહીં. તાજેતરમાં જ અલાસ્કાનાં અમેરિકન આર્મીબેઝ ખાતે પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા અને યુક્રેન યુદ્ધવિરામ તરફ જશે એવો આશાવાદ ટ્રમ્પે વ્યક્ત કર્યો. જોકે એ પછીના ટૂંકાગાળામાં જ યુક્રેને રશિયા પર હુમલો કર્યો અને એની જવાબી કાર્યવાહીમાં રશિયાએ અત્યાર સુધીના ઇતિહાસમાં યુક્રેન પર સૌથી મોટો હુમલો ડ્રોન તેમજ મિસાઇલની મદદથી કર્યો. આમ ફરી એકવાર રશિયા અને યુક્રેનનું યુદ્ધવિરામ તરફ જશે એવી આશા ઠગારી નીવડી.
સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાં ખર્ચ પેટે અમેરિકા જે જંગી સહાય આપતું હતું તેમાંથી પોતાનો હાથ ખેંચી લેવાની વાત કરી. ટ્રમ્પની વાત એમ પણ હતી કે, નાટોના અન્ય સભ્ય દેશોએ પોતાનું સંરક્ષણ બજેટ જે તે દેશના કુલ જીડીપીના પાંચ ટકા જેટલું રાખીને નાટોમાં પોતાની ફાળો વધા૨વો. આમ, નાટોનાં ખર્ચ પેટે બહુ મોટો હિસ્સો અમેરિકા પાસેથી આવતો હતો એ યુગનો અંત આવ્યો. આ પરિસ્થિતિના પ્રત્યાઘાત રૂપે નાટોમાં સંમિલિત યુરોપના દેશોએ પોતાનું સંરક્ષણ બજેટ વધારી અમેરિકાનો ફાળો નહીં આવવાને કારણે ઝેલેન્સ્કીને યુદ્ધમાં શસ્ત્રોની તંગી ના પડે તે જવાબદારી ઉપાડી લીધી. આમ, રશિયા-યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામ થવાને બદલે વધુ મોટી પ્રતિબદ્ધતાથી યુદ્ધ લડવાની વાત ઊભી થઈ.
અમેરિકા આવનાર ભવિષ્યમાં યુક્રેન-રશિયા યુદ્ધમાં યુક્રેનની મદદરૂપે અગાઉની જેમ મોટો ફાળો નહીં આપે તે વાતનું પુનરુચ્ચારણ તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વાન્સ દ્વારા કરવામાં આવેલ ઉદ્બોધનમાં વ્યક્ત થતું જોવા મળે છે. તેઓ કહે છે કે, યુક્રેનને સલામતી પૂરી પાડવાની જવાબદારી પણ મહદ્અંશે યુરોપના દેશોએ લેવી પડશે, અમેરિકા એ બોજો ઉઠાવશે નહીં. જો જરૂર પડશે તો જ અમેરિકા યુક્રેનની સિક્યોરિટીને લગતી બાબતોમાં ચંચૂપાત કરશે. આમ, ટ્રમ્પને યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો જશ તો પોતાની ગાંઠે બાંધવો છે પણ એના માટે એક ફદીયુંય ખરચવાની એની તૈયારી નથી. વાન્સ કહે છે કે, સલામતી સાથેનું જોખમ ગમે તે રીતનું હોય, એના ખર્ચ પેટે જરૂરી રકમમાં યુરોપિયન દેશોનો સિંહફાળો હોવો જ જોઈએ.
છેવટે તો આ બધા દેશો મળીને જે ભૂ-ભાગ બને છે તે એમનો ખંડ છે અને એની સલામતી માટે તેઓ ચિંતિત હોવા જ જોઈએ. અમેરિકા આ બોજ નહીં ઉપાડે એમ કહેતાં જે. ડી. વાન્સે ઉમેર્યું હતું કે,‘અમારે તો શક્યતઃ આ યુદ્ધ આટોપાઈ જાય અને નિર્દોષ માણસો મરે છે તે બંધ થાય તે જોવાનું છે અને એ જ અમારી પ્રાથમિકતા છે.’ આમ છતાંય વાન્સે કહ્યું હતું કે જરૂરિયાત પડે ત્યાં મદદનો હાથ લાંબો કરવા અમેરિકા તૈયાર છે પણ આ બધામાં અમેરિકાની સંડોવણી લઘુતમ રહેશે.
ટૂંકમાં, યુક્રેન મોરચે અમેરિકા નથી સીધું સંડોવાવા માગતું કે પછી યુક્રેન અને યુરોપની સલામતી માટે મર્યાદિત ખર્ચથી આગળ વધીને કોઈ ખર્ચ કરવા માગતું. સાચા અર્થમાં કહીએ તો અમેરિકન લશ્કર તો બિલકુલ નહીં અને અમેરિકન ડૉલર ઘણો મર્યાદિત રીતે યુક્રેન યુદ્ધ માટે વપરાશે એમ સમજીને યુરોપિયન દેશોએ ચાલવું રહ્યું. લાગે છે કે કદાચ પહેલી વાર નાટોના સભ્ય દેશોમાં તેમજ યુરોપ અમેરિકા વચ્ચેના સંબંધોમાં શીતયુગનો પ્રારંભ થયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.