એક સમયે જગત જમાદાર થઈને ફરતાં અને જેના ડોલર થકી આખા વિશ્વમાં લે-વેચ થાય છે તેવું અમેરિકા ગમે ત્યારે ડિફોલ્ટર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકામાં દેવાની ટોચમર્યાદાનું સંકટ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું છે. જો આ સંકટનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી 1લી જૂને જ અમેરિકા ડિફોલ્ટર થઈ જશે. હાલમાં અમેરિકા પાસે માત્ર 57 ડોલરની જ નેટવર્થ બચી છે. અમેરિકાએ હાલમાં દરરોજ 1.3 બિલિયન ડોલર વ્યાજ તરીકે ચૂકવવા પડી રહ્યા છે. વ્યાજનો ભાર વધી જતાં અમેરિકામાં આર્થિક સંકટ ઘેરૂં બની રહ્યું છે.
આ સંકટને કારણે જ ગત મંગળવારે અમેરિકન શેરબજારમાં મોટો કડાકો થયો હતો અને ચાર જ કલાકમાં અમેરિકન શેરબજારે 400 બિલિયન ગુમાવ્યા હતા. અમેરિકાની નબળી થઈ રહેલી આર્થિક સ્થિતિ જોતાં ખુદ અમરિકાના નાણાંમંત્રી જેનેટ યેલેન જ એવું કહી રહ્યા છે કે અમેરિકા ડિફોલ્ટર થવાને આરે છે. અમેરિકામાં આગામી તા.1લી જુનની સમયમર્યાદા નજીક આવી રહી છે અને શેરબજાર તૂટી રહ્યું છે. જ્યારે ઉધારનો ખર્ચ વધી રહ્યો છે.
આમ તો અમેરિકાની ઉધાર લેવાની ક્ષમતા ખૂબ મોટી છે. અમેરિકામાં રોકાણ કરવાને હંમેશા સેફ માનવામાં આવે છે. આ કારણે જ અમેરિકા પાસેથી લોન લેવા માટે રાફડો ફાટે છે. જેને કારણે અમેરિકામાં વ્યાજનો દર નીચો રહે છે અને સાથે સાથે અમેરિકન ડોલર આખા વિશ્વમાં મજબુત બની શર્યો છે. અમેરિકાના સરકારી બોન્ડ પણ ભરોસાપાત્ર ગણવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જો અમેરિકા પોતાના આ દેવાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેશે તો તેની ગંભીર અસર તેની અર્થવ્યવસ્થા પર પડશે. અમેરિકન બોન્ડ પરનો લોકોનો ભરોસો તૂટશે. દેશમાં 8.3 મિલિયન નોકરી ઘટશે, શેરબજાર અડધે આવી જશે અને જીડીપી પણ 6.1 ટકા ઘટી જશે. બેરોજગારીનો દર પણ 5 ટકા વધી જશે. અમેરિકાની આ આર્થિક સ્થિતિને કારણે જ અમેરિકામાં 2006 પછી હાલના વ્યાજદરો સૌથી ઉંચા છે.
અમેરિકાની આવી હાલતને કારણે તેનો ડોલર પણ નબળો પડી રહ્યો છે. આમ તો અમેરિકાની ફેડરલ સરકાર દ્વારા 1960થી ઉધાર લેવામાં આવી રહ્યું છે. તે સમયે દેવું લેવાની મર્યાદા નક્કી કરાઈ હતી પણ અત્યાર સુધીમાં 78 વખત આ મર્યાદા વધારવામાં આવી છે. છેલ્લે 2021માં તેની દેવાની મર્યાદા વધારીને 31.4 ટ્રિલિયન ડોલર કરવામાં આવી હતી પરંતુ અમેરિકા હવે આ મર્યાદાને પણ પાર કરી ગયું છે.
આ કારણે જ અમેરિકા ગમે ત્યારે તેની દેવા મર્યાદા વધારશે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો આ દેવાની મર્યાદા નહીં વધે તો અમેરિકા વધુ દેવું કરી શકશે નહી. જેને કારણે અમેરિકાના અર્થ તંત્રને મોટું નુકસાન થશે. ભારતે અમેરિકાની આ સ્થિતિ પર ચાંપતી નજર રાખવાની જરૂરીયાત છે. ભારતમાં માંડ માંડ અર્થવ્યવસ્થા સુધરી છે. આ સંજોગોમાં જો અમેરિકાની અસર ભારતમાં દેખાશે તો ભારતમાં ફરી મોંઘવારી અને ફુગાવો વધી જશે. આમ તો ડોલર નબળો પડે તે ભારતને આયાતમાં ફાયદો અને નિકાસમાં નુકસાન થઈ શકે તેમ છે.
અમેરિકાનું દેવું 2009ની સરખામણીમાં ત્રણ ગણું થઈ ગયું છે. 2001થી અમેરિકા દર વર્ષે 1 ટ્રિલિયન ડોલરની ખાધ ભોગવે છે. એટલે કે અમેરિકામાં જે ટેક્સથી માંડીને અન્ય આવક સરકારને થાય છે તેના કરતાં સરકાર 1 ટ્રિલિયન ડોલરનો વધુ ખર્ચ કરે છે. આ સ્થિતિ અમેરિકા લાંબો સમય ચલાવી શકે તેમ નથી. જો અમેરિકામાં મંદી ઘેરી બનશે તો તેની અસર આખા વિશ્વમાં દેખાશે અને તેમાંથી ભારત પણ બાકાત રહી શકશે નહીં. અમેરિકા સાથે આખા વિશ્વનો વેપાર છે. અમેરિકન ડોલર નબળો પડશે તો તેની અસરમાં અનેક દેશો લપેટામાં આવી જશે તે નક્કી છે.