અમેરિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઈરાનના ચાબહાર બંદર પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જોકે હવે આ પ્રતિબંધોમાંથી ભારતને છ મહિનાની મુક્તિ મળી છે. આ નિર્ણય ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે ચાબહાર બંદર ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધી પહોંચ પૂરી પાડે છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ છૂટથી ભારતને તેના વિકાસલક્ષી અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ આગળ વધારવામાં મદદ મળશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી હતી કે અમેરિકાના આ નિર્ણયથી ભારતને ચાબહાર બંદર મારફતે વેપાર અને સહયોગ વધારવાનો મોકો મળશે. તેમણે જણાવ્યું કે ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી વેપારના નવા રસ્તા ખોલે છે.
ચાબહાર બંદર પ્રોજેક્ટની શરૂઆત ભારત અને ઈરાન વચ્ચે 2016માં થયેલા કરાર હેઠળ થઈ હતી. આ કરારનો ઉદ્દેશ્ય ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય વેપાર માર્ગ વિકસાવવાનો હતો. આ માર્ગ મધ્ય એશિયા અને રશિયા સુધી વિસ્તરવાની ક્ષમતા ધરાવે છે. જે ભારતને તેના પ્રાદેશિક વેપાર અને ઊર્જા સુરક્ષા માટે મદદરૂપ બને છે.
અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ચાબહાર પ્રોજેક્ટની ગતિ ધીમી પડી હતી. પરંતુ હવે આ છ મહિનાની મુક્તિ ભારતને બંદર વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને માલ પરિવહન માટે નવી ઉર્જા આપશે.
વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે અદ્યતન સ્તરે ચર્ચા ચાલુ છે. બંને દેશો પ્રાદેશિક સ્થિરતા અને આર્થિક સહકાર માટે એકબીજાની દૃષ્ટિ શેર કરે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ મુક્તિ ભારતને માત્ર ચાબહાર પ્રોજેક્ટ પૂરતી જ નહીં પણ મધ્ય એશિયામાં તેની હાજરી મજબૂત કરવા માટે પણ મદદરૂપ થશે. આ પગલું ભારતની વ્યૂહાત્મક નીતિને બળ આપનારું સાબિત થઈ શકે છે.
વિદેશ મંત્રાલયે અંતે કહ્યું કે ભારત ચાબહાર પ્રોજેક્ટને એક “માનવતાવાદી અને વિકાસલક્ષી પહેલ” તરીકે જોઈ છે. તેમજ આગામી મહિનાઓમાં તે પ્રોજેક્ટને વધુ ગતિ આપશે.