ગુજરાતમિત્ર’ની દર બુધવારે પ્રગટ થતી ‘દર્પણ’ પૂર્તિમાં છેલ્લાં 15 વર્ષથી હું અમેરિકાના જુદા જુદા પ્રકારના વિઝા અને ઈમિગ્રેશનના કાયદાઓ વિષે જાણકારી આપું છું. અમેરિકાના ઈમિગ્રેશન અને એના વિવિધ પ્રકારના વિઝા માટેની લગભગ બધી જ જાણકારી મેં આપી દીધી છે. આમ છતાં મને 2 – 4 વાચક મિત્રોના રોજ ફોન આવે છે. તેઓ અમેરિકાના વિઝા વિષે એમને મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ માગે છે. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના ખૂબ જ અટપટા છે. એમાં રોજેરોજ કંઈ ને કંઈ ફેરફારો થતા રહે છે. લગ્ન કરીને અમેરિકા ગયેલ આપણી યુવતીઓમાંની અનેકને એમના અમેરિકન પતિદેવો તેમ જ સાસરિયાઓ ત્રાસ આપતા હોય છે.
વર્ષો સુધી ગ્રીનકાર્ડ મેળવવાની વાટ જોઈને બેસી રહેલ માતાપિતા જ્યારે એમના લાભ માટે દાખલ કરવામાં આવેલ પિટિશન કરન્ટ થાય છે, ત્યારે એમનાં સંતાનો 21 વર્ષની વય વટાવી જતાં ‘એજ આઉટ’ થઈ જાય છે અને ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ગેરલાયક ઠરે છે. B – 1 / B – 2 વિઝા ઉપર થોડા સમય માટે અમેરિકામાં પ્રવેશ્યા બાદ અનેકો ત્યાં કાયમ માટે રહી જાય છે. ત્યાં ગેરકાયદેસર કામ કરે છે. આવા લોકો જ્યારે પકડાય છે ત્યારે મુશ્કેલીમાં મુકાય છે. એમને માફી માંગવાની જરૂરિયાત ઊભી થાય છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જતાં ભારતીય વિદ્યાર્થીઓ કંઈ ને કંઈ કામ ગેરકાયદેસર કરતા જ હોય છે. અનેકો માદક દ્રવ્યનું સેવન કરતા થઈ જાય છે. અનેકો બીભત્સ એટલે કે પોર્નોગ્રાફી ફિલ્મો જોવા લાગે છે. ઘણા વિદ્યાર્થીઓની ફી એમના માબાપ હવાલા મારફતે મોકલાવતા હોય છે. આ બધા જ વિદ્યાર્થીઓ પકડાતા મોટી મુશ્કેલીમાં મુકાય છે.
ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ થતાં પિટિશનો પ્રોસેસ થઈને અપ્રુવ તો 6 – 12 મહિનામાં થઈ જાય છે પણ પછી એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે વર્ષોની વાટ જોવી પડે છે. આ દરમિયાન અનેક પિટિશનરો મૃત્યુ પામે છે અને એમણે દાખલ કરેલ પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય છે. આવા પિટિશનો જેમના લાભાર્થે દાખલ કરવામાં આવ્યા હોય છે, એમને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં ‘સબસ્ટિટ્યુશન’ની જોગવાઈ છે એની જાણ જ નથી હોતી. ‘એજ આઉટ’ થયેલાં સંતાનો માટે એમનાં માતાપિતા અમેરિકામાં પ્રવેશી ગ્રીનકાર્ડ મેળવીને ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરે છે.
એમને એ વાતની જાણ નથી હોતી કે તેઓ એમના પિટિશનની જે ‘પ્રાયોરીટી ડેટ’ હતી એ જ ડેટ, એ જ તારીખ એમના સંતાન માટે તેઓ જે પિટિશન દાખલ કરે છે એ માટે માગી શકે છે. ‘રીટેન્શન ઓફ પ્રાયોરીટી ડેટ’ની એમને જાણ જ નથી હોતી. અમેરિકામાં તમારો ઈલીગલ વસવાટ 180 દિવસથી વધુનો હોય તો તમારી ઉપર 3 વર્ષનો પ્રતિબંધ લાગી જાય છે. તમે અમેરિકા છોડો પછી 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશી નથી શકતા. ઈલીગલ વસવાટ 365 દિવસથી વધુનો હોય તો એ પાબંદી 10 વર્ષની હોય છે. 3 – 10 વર્ષના આ નિયમની મોટાભાગના B – 1 / B – 2 વિઝાધારકોને ખબર નથી હોતી. સ્ટેટસ ચેન્જ, સ્ટેટસ એડજસ્ટ, એક્સટેન્શન ઓફ ટાઈમ ટુ સ્ટે, ડ્યુઅલ ઈન્ટેન્શન આ બધાની અનેક વિઝા ઈચ્છુકોને ખબર નથી હોતી.
આ સઘળી બાબતો મેં ‘ગુજરાતમિત્ર’ની ‘દર્પણ’ પૂર્તિમાં છેલ્લાં 15 વર્ષમાં લખેલા લેખોમાં જણાવી છે. એ વિષે સવિસ્તાર માહિતી તેમ જ સમજણ આપી છે. આમ છતાં અનેકોએ કદાચ એ સઘળું વાંચ્યું ન હોય, અનેકોને આ સર્વેની જાણ ન હોય એ સ્વાભાવિક છે. આ બધું ધ્યાનમાં લેતા મેં ‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે અમેરિકાના વિઝા અને ઈમિગ્રેશનના કાયદા વિષે ફરીથી સંપૂર્ણ સમજણ આપવાનું વિચાર્યું છે. ‘અમેરિકા જવું છે?’ આ શીર્ષક હેઠળ ‘ગુજરાતમિત્ર’ની દર બુધવારે પ્રગટ થતી ‘દર્પણપૂર્તિ’માં આવતા બુધવારથી શરૂ થતી લેખમાળામાં હું સૌ પ્રથમ અમેરિકા દેશ વિષે જાણકારી આપીશ પછી ઈમિગ્રેશનના કાયદાઓનો ઈતિહાસ જણાવીશ. ત્યાર બાદ નોન – ઈમિગ્રન્ટ વિઝા વિષે, એ મેળવવાની લાયકાતો વિષે, એ વિઝાની અરજી કરતા ઈન્ટરવ્યૂમાં પૂછાતા સવાલો વિષે જણાવીશ.
પછી ઈમિગ્રન્ટ વિઝા કેમ મેળવી શકાય? એ જે જુદી જુદી 10 રીતે મળી શકે છે એના વિષે સમજણ આપીશ. અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં જે સવલતો આપવામાં આવી છે એના વિશે જણાવીશ. જો તમારે અમેરિકન સિટિઝન બનવું હોય તો ગ્રીનકાર્ડ મેળવ્યા પછી શું શું કરવાની જરૂરિયાત રહે છે એ જણાવીશ. દરેક પ્રકારના વિઝા માટે, દરેક પ્રકારની અરજી માટે કયા કયા ફોર્મ ભરવાના રહે છે એ જણાવીશ. ટૂંકામાં, જો તમારે અમેરિકા જવું હોય, ટૂંક સમય માટે યા કાયમ રહેવા માટે તો તમને જે વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે એ કેમ મેળવી શકાય અને જો તમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય, તમે ઈમિગ્રેશનના કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય તો એમાંથી માફી માંગીને છૂટકારો કેવી રીતે મેળવી શકાય આ સઘળું જણાવીશ. આ સર્વે માહિતી અલભ્ય હશે. ‘ગુજરાતમિત્ર’ની ‘દર્પણ’ પૂર્તિના વાચકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ આવતા બુધવારથી ‘ગુજરાતમિત્ર’ની ‘દર્પણ’ પૂર્તિ નિયમિત વાંચે અને એ સાચવીને રાખે. એમાં હું જે માહિતી આપીશ એ ખૂબ ખૂબ અગત્યની હશે. તો ચાલો, તૈયાર થઈ જાવ, અમેરિકાના વિઝા તેમ જ ઈમિગ્રેશનના કાયદા વિષે જાણકારી મેળવવા. તમારે અમેરિકા જવું છે ને?