ખેરગામ : છેલ્લા એક વર્ષથી કોરોના ( corona ( જવાનું નામ લેતો નથી. તેમાં એપ્રિલમાં તો પિક પકડી હોય એવી સ્થિતિ સર્જાતાં કોરોના સામે હવે માનવ શક્તિ પણ ખૂટી રહી છે. રોજિંદા વધતા કેસો સામે તંત્રનાં સાધનો પણ ટૂંકાં પડી રહ્યાં છે. દવાખાનામાં બેડ ખૂંટી રહ્યા છે, તો ક્યાંક ડોક્ટર કે સ્ટાફ નથી. આ સ્થિતિમાં માનવ જિંદગી દાવ પર લાગી છે. રોજિંદા એમ્બ્યુલન્સની ગૂંજતી ચીસોથી માણસ ફફડી ઊઠ્યો છે. મોતના આ મંજર વચ્ચે તબીબો અને સરકારી તંત્ર રાત-દિવસ કામે લાગી ગયું છે. ભાગ્યે જ વાગતી એમ્બ્યુલન્સ ( ambulance) ની સાઇરનો હવે ગામડે પણ સંભળાઈ રહી છે. આ ભયાવહ સ્થિતિ માટે દોષારોપણ વચ્ચે પણ આરોગ્ય વિભાગની ધીરજની ખરી કસોટી થઈ રહી છે.
નવસારી જિલ્લાની સ્થિતિ પણ કોરોનાને કારણે સારી નથી, નવસારીની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના આંટાફેરા વધી ગયા છે. હાલ જિલ્લામાં 13 એમ્બ્યુલન્સ છે. જેમાં નવસારી સિવિલ, જલાલપોર, મરોલી CHC, RTO ગ્રીડ, ગણદેવી, બીલીમોરા, ખેરગામ, ચીખલી, ટંકાલ, રૂમલા, વાંસદા, લીમઝર અને મહુવાસનો સમાવેશ થાય છે. જેમાં હાલ 31 પાયલોટ, 35 ઇએમટી અને ખિલખિલાટ સાથે 75 કર્મચારીનો સમાવેશ થાય છે. પરંતુ કોરોનાની સ્થિતિમાં કર્મચારીઓને 12થી 15 કલાકની ફરજ બજાવવાની નોબત આવે છે. પહેલાં 24 કલાકમાં 4થી 5 કેસ આવતા હતા. હવે 24 કલાકમાં 8થી 10 કેસ આવે છે. જેમાં ઓવરઓલ 90 થી 95 ટકા કેસ કોરોનાના હોય છે. આમ કર્મચારીઓ ઉપર 50 ટકાથી વધુ કામનું ભારણ વધી ગયું છે.
ત્યારે વાંસદા અને ખેરગામના દર્દીઓને નવસારી સિવિલ સુધી લાવતાં ઘણા કલાકો પણ વેડફાય જાય છે. સાથે ઓક્સિજનની ખપત પણ વધી જાય છે. કોરોનાના કેસમાં મોટા ભાગના દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં હોય છે. જેથી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો ઘણી જગ્યાએ તો એમ્બ્યુલન્સ પહોંચે એવા રસ્તા પણ હોતા નથી. આ સ્થિતિમાં એમ્બ્યુલન્સ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ઘણીવાર દર્દીઓ સમયસર સારવાર લેતા નહી હોવાથી મોત થવાના કિસ્સા પણ બને છે.
- કોરોનાના કેસ વધતાં ઓક્સિજનની માંગ વધી
મોટા ભાગના કિસ્સામાં ક્રિટિકલ કન્ડિશન હોય છે. ખાસ કરીને ઓક્સિજન 85થી નીચે જાય તો પરિસ્થિતિ ગંભીર બની જાય છે. ઘણીવાર દર્દીનું ઓક્સિજન લેવલ મોટેભાગે 25થી પણ નીચે જતું રહે છે. આવી સ્થિતિમાં 15 લિટર સુધીનો ઓક્સિજન દર્દીને આપવામાં આવતો હોય છે. જો કે,એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનો 15 લીટરનો બાટલા હોય છે, જેમાં ૧૨ કલાકમાં એક બાટલો પૂરો થઈ જાય છે. એક બાટલો સ્પેરમાં રાખવો પડે છે. હાલ 13 એમ્બ્યુલન્સ હોવાથી 26 ઓક્સિજન બોટલ છે. જો કે,કોરોનાના કેસ વધતાં ઓક્સિજનની માંગ પણ વધી રહી છે. પલસાણામાં પણ ઓક્સિજન મળતો નહી હોવાથી ઓક્સિજન લેવા માટે દમણ જવું પડે છે. - ઘણીવાર દર્દી સારવાર માટે તૈયાર થતા નથી
ઘણીવાર દર્દીને સારવાર માટે સમજાવવો પડે છે અને એ દરમિયાન પણ બેથી ત્રણ કલાક નીકળી જાય છે. એ બાદ દર્દી અને તેના પરિવારે કઈ હોસ્પિટલમાં જવું છે એ નક્કી થાય છે. ખાનગી હોસ્પિટલમાં જવું હોય તો ત્યાં ફોન કરવામાં આવે છે અને ત્યાં કોઈ બેડ ખાલી છે કે નહીં. એ તપાસ કરવામાં આવે છે. અને આ સ્થિતિમાં સમય પણ વેડફાય છે. સિવિલમાં પણ તેમણે બેથી ત્રણ કલાક વેઈટિંગમાં રહેવું પડે છે અને આ વેઈટિંગ દરમિયાન પણ દર્દી ઓક્સિજન ઉપર રહે છે. - જિલ્લા વહીવટીતંત્રએ વધુ 25 એમ્બ્યુલ્સ સેવા વધારવી જોઈએ : ધારાસભ્ય અનંત પટેલ
આ બાબતે વાંસદા ચીખલી અને ખેરગામના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં માત્ર 13 એમ્બ્યુલ્સ અને 23 ધનવંતરી રથ આવેલા છે. જેના કારણે નવસારી જિલ્લાના 6 તાલુકાના દર્દીઓએ હાલાકી ભોગવવાનો સમય આવે છે. કેટલાક દર્દીઓ વધી જતા એમ્બ્યુલ્સ સમયસર આવતી નથી. જેથી જિલ્લા વહીવટીતંત્રએ વધુ 25 એમ્બ્યુલન્સ સેવા વધારવી જોઈએ