Gujarat

ચોટીલા હાઈવે પર દર્દીઓને લઈને દોડતી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ભટકાઈ, ત્રણના મોત

રાજકોટ(Rajkot): ધૂળેટીની (Dhuleti) રાત્રે ચોટીલા (Chotila) રાજકોટ (Rajkot) હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident) થયો છે. દર્દીઓને લઈને પૂરપાટ ઝડપે હોસ્પિટલ તરફ જતી એક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ભટકાઈ છે. આ દુર્ઘટનામાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.

અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સ ગઈ રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સ્ટ્રેચર પર સુવડાવેલા દર્દી, તેમનાં બહેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં.

આ દુર્ઘટના સોમવારે રાત્રે 10.30 કલાકના અરસામાં ચોટીલા હાઈવે પર બની હતી. અહીંના રાજપરા ગામે રહેતાં કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉં. વ. 35) ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હતાં. ત્યારે તેમનાં રાજકોટમાં રહેતાં બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યાં હતાં. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા સૂચના આપી હતી.

તેથી સરકારી એમ્બ્યુલન્સમાં તેઓને રાજકોટ લઈ જવામાં આવી રહ્યાં હતાં. ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા(ઉં. વ. 35, રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉં. વ. 18) અને તેમનાં મોટાબેન અને બનેવી તથા પુત્ર હતા. દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે એમ્બ્યુલન્સનો એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકોએ 108ને જાણ કરતાં 108ની મદદથી ઈજાગ્રસ્તોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ગીતાબેન જયેશભાઈ મિયાત્રાને મૃત જાહેર કર્યાં હતાં. તેમજ પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયા (ઉં. વ. આશરે 40 રહે. ચોટીલા)ને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.

મૃતકોનાં નામ

  • વિજય બાવળિયા (એમ્બ્યુલન્સ ચાલક)
  • પાયલબેન મકવાણા
  • ગીતાબેન મિયાત્રા

Most Popular

To Top