ગાંધીનગર: (Gandhinagar) પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં (Ambaji Temple) મોહનથાળ બનાવવામાં વપરાયેલા ઘીમાં (Ghee) ભેળસેળ હોવાના મામલો બહાર આવતા ભારે હોબાળો થયો છે. આ મામલે અંબાજી પોલીસે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
- અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ માટે હલકી ગુણવત્તાનું ઘી પહોંચાડનાર નીલકંઠ ટ્રેડર્સના માલિકની ધરપકડ
- અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સએ મોહિની કેટરર્સને 300 ડબ્બા ચોખ્ખું ઘી હોવાનું કહીને આપ્યા હતા, આ ઘીના સેમ્પલ ફેલ ગયા હતા
- મોહિની કેટરર્સે માન્ય ડેરીમાંથી ઘી ખરીદવાના બદલે અન્ય જગ્યાએ ઘી ખરીદી કરારનો પણ ભંગ કર્યો છે
અંબાજી મંદિરના પ્રસાદમાં ઘીના નમુના ફેલ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો છે. પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો નથી, અને મોહિની કેટરર્સના મેનેજર સહિત સાત લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ મોહિની કેટરર્સને ઘીના ડબ્બા અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સમાંથી પુરાં પાડવામાં આવ્યા હોવાનું બહાર આવતા અંબાજી પોલીસે ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાંથી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછ બાદ અનેક નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ છે.
મળતી માહિતી મુજબ મોહિની કેટરર્સ દ્વારા અમદાવાદની નીલકંઠ ટ્રેડિંગ પેઢી પાસેથી 300 ઘીના ડબ્બા ખરીદવામાં આવ્યા હતા. આ ઘીના નમુના ચકાસણી બાદ ફેલ થયા હતા. જોકે મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદ બનાવવાના કોન્ટ્રાક્ટ વખતે કરાયેલી કેટલીક શરતો અને કરારોનોનું ઉલ્લંઘન કર્યું છે. પ્રસાદ માટે વાપરવામાં આવતું ઘી માન્ય ડેરીના બદલે અન્ય જગ્યાએથી ખરીદ્યું છે. જેથી કરાર અને શરતોનું ઉલ્લંઘન થયું છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.