Business

એમેઝોન ભારતમાં $15 બિલિયનનું રોકાણ કરશે, કંપનીના CEOએ PM મોદીને મળ્યા બાદ કરી જાહેરાત

ઈ-કોમર્સ કંપની એમેઝોનના (Amazon) ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે કંપની ભારતમાં (India) વધારાના $15 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે જેનાથી ભારતમાં કંપનીનું કુલ રોકાણ (Investment) $26 બિલિયન થઈ જશે. આ મામલે પીએમઓ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે વડાપ્રધાને એમેઝોનના ચેરમેન અને સીઈઓ સાથે ફળદાયી બેઠક કરી. આ ચર્ચા ભારતમાં લોજિસ્ટિક્સ સેક્ટર અને ઈ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન સાથે સહયોગ વધારવાની સંભાવના પર કેન્દ્રિત હતી.

યુએસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) મળ્યા પછી એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એન્ડી જેસીએ કહ્યું કે કંપની ભારતમાં 11 અબજ ડોલરનું રોકાણ કરી ચૂકી છે. વડાપ્રધાન મોદી સાથે ખૂબ જ સારી અને અર્થપૂર્ણ વાતચીત રહી. મને લાગે છે કે આપણામાં ઘણા ધ્યેયો સમાન છે. એમેઝોન ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે. અમે અત્યાર સુધીમાં $11 બિલિયનનું રોકાણ કર્યું છે અને અમે અન્ય $15 બિલિયનનું રોકાણ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. જેને કારણે આ રોકાણ કુલ $26 બિલિયન થશે. તેથી અમે ભાગીદારીના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ.

આ તરફ પીએમઓ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે વડાપ્રધાને એમેઝોનના ચેરમેન અને સીઈઓ સાથે ફળદાયી બેઠક કરી છે. ભારતમાં લોજિસ્ટિક્સ સેક્ટર અને ઈ-કોમર્સ ક્ષેત્રે એમેઝોન સાથે સહયોગ વધારવાની સંભાવનાઓ પર આ ચર્ચા કેન્દ્રિત હતી. મોદીએ ભારતમાં એમએસએમઈના ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે એમેઝોનની પહેલને આવકારી હતી.

ઈ-કોમર્સ કંપની એમેઝોને ગયા વર્ષે વૈશ્વિક સ્તરે તેની સપ્લાય ચેઈનમાંથી છ મિલિયન નકલી સામાન દૂર કર્યા છે. કંપનીએ મંગળવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે તેણે પાછલા વર્ષ 2022માં નવા સેલ્સ એકાઉન્ટ બનાવવાના 8,00,000 થી વધુ પ્રયાસોને અવરોધિત કર્યા છે. આનાથી ખોટા લોકોને આ પ્લેટફોર્મ પર વેચાણ માટે પ્રોડક્ટ અટકાવાયા હતા. વર્ષ 2021માં આવા 25 લાખ પ્રયાસો થયા હતા જ્યારે 2020માં આ સંખ્યા 60 લાખ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નોલોજી અને નિષ્ણાતોના સંયોજનથી ખોટા કામ કરનારાઓને અટકાવવામાં આવ્યા હતા અને સપ્લાય સિસ્ટમમાંથી 60 લાખ નકલી સામાન દૂર કરવામાં આવ્યા હતા અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

એમેઝોન દ્વારા કહેવામાં આવ્યું છે કે એમેઝોનના કાઉન્ટરફીટ ક્રાઈમ યુનિટે 2022માં યુએસ, યુકે, ઈયુ અને ચીનમાં 1,300 થી વધુ અપરાધીઓની તપાસ કરી હતી અથવા આગળની કાર્યવાહી માટે તેનો સંદર્ભ આપ્યો હતો. જ્યાં એક તરફ કંપની રોકાણ કરવા માટે સંમત થતી જોવા મળી રહી છે તો બીજી તરફ લોકો કંપનીમાંથી સતત નોકરી ગુમાવી રહ્યા છે. એમેઝોને અત્યાર સુધીમાં 27,000 લોકોને છૂટા કર્યા છે. કંપનીએ બે રાઉન્ડમાં આ કામ કર્યું હતું, પહેલા 18 હજાર અને પછી 9 હજાર લોકોને છૂટા કર્યા હતા.

Most Popular

To Top