Entertainment

અમાયરા દસ્તૂર, હજુ સકસેસથી દૂર

અમાયરાનો અર્થ થાય છે રાજકુમારી. અમાયરા દસ્તૂરને જુઓ તો એ અર્થ પ્રમાણે લાગે ય છે પણ ફિલ્મોના રાજકુમારી થવા તો ઘણું કરવું પડે. બ્યુટીથી થોડુંક  જ થાય પછી ઘણું કરો ત્યારે થોડું થાય. અત્યારે આલિયા, દિપીકા, કંગના, તાપસી, કિયારા સારી પોઝીશન પર છે. અમાયરા હજુ પોતાની પોઝીશન શોધી રહી છે. અમાયરા મોડલીંગમાંથી અભિનયક્ષેત્રમાં આવી છે. પ્રતિક બબ્બર સાથેની ‘ઇશાક’માં તે પ્રથમવારઆવી હતી.

પરંતુ ત્યારે જ તેણે તમિલ, તેલુગુ, ઇંગ્લિશ ફિલ્મોમાં પણ કામ શરૂ કરેલું. ‘ફુંગ ફૂ યોગા’ જેવી ત્રણ ભાષાની ફિલ્મમાં તે જેકી ચેન સાથે આવી હતી પણ આખર તે હિન્દી ફિલ્મોમાં જ સેટ થઇ છે. સૈફી અલી ખાન સાથેની ‘કાલાકાંડી’ પછી તે વધારે નિયમિત બની છે. રિશીકપૂર માટેની ‘રાજમા ચાવલ’માં પણ તે હતી પરંતુ મોટી ફિલ્મો તેને કયારેક જ મળે છે અથવા એમ કહી શકો કે મોટી ભૂમિકા માટે હજુ તેને ગણવાની શરૂઆત થઇ છે. બાકી, ઘણા બધા સ્ટાર્સ સાથેની ફિલ્મમાં કામ કરો તો પ્રેક્ષકોને એ ફિલ્મ મોટી લાગે પણ અમાયરા જેવા માટે તો નાની જ હોય.

‘જજમેન્ટલ હે કયા’ કંગનાની ફિલ્મ હતી ને ‘પ્રસ્થાનમ’માં તો સંજય દત્ત, અલી ફઝલ, જેકી શ્રોફ વગેરે હતા એટલે ટાઇટલમાં તેનું નામ પણ ૫-૬ કળાકારો પછી આવતું.પણ હવે તેની સ્થિતિ થોડી થોડી બદલાય રહી છે. ‘કોઇ જાનેના’ માં તે કુણાલ કપૂર સાથે આવી રહી છે જે એક થ્રીલર છ. વર્ધન કેતકરની ફિલ્મમાં તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે આવશે. તે સુપરહીટ રહેલી ‘થડમ’ની રિમેક છે પણ હા, ફિલ્મમાં અમાયરા ઉપરાંત મૃણાલ ઠાકુર પણ છે. મતલબ કે હજુ લાંબી મજલ છે. તે પોતે પણ આ જાણે છે એટલે વેબ સિરીઝમાં ય કામ કરી લે છે. હમણાં તે ‘તાંડવ’માં અદા મીર તરીકે આવી હતી અને હવે ‘ડોંગરી ટુ દૂબઇ’ નામની વેબસિરીઝમાં તે ઘણા બધા વચ્ચે આવી રહી છે. તેની પાસે પ્રભુદેવા સાથેની ‘બધીરા’ પણ છે પરંતુ તે તેલુગુ ફિલ્મ છે.

અમાયરા દક્ષિણની ફિલ્મોમાં કામ કરવું તરત પસંદ નથી કરતી. મોટું બેનર હોય તો ના નહિ પાડે બાકી તેણે હિન્દીમાં જ વધુ ફિલ્મો કરવી છે. ‘કોઇ જાને ના’ વિડીયો ફિલ્મ છે એટલે અેમેઝોન પ્રાઇવ વિડીયો પર દર્શાવાશે. મતલબ કે થિયેટરમાં રજૂ થઇ જશે એવી કોઇ જાનદાર ફિલ્મ તેની પાસે નથી. આ બાબતે તે ચૂપ રહે છે. કારણકે કયા સ્ટાર્સ કોની સાથે આવવા માંગે છે તે નકકી કરવું મુશ્કેલ છે. અમાયરા બાકી પોતાને રાજકુમારી માની શકે. બસ પ્રેક્ષકો પાસે આશા નહિ રાખવી.

Most Popular

To Top