સુરત: (Surat) અમેરિકાએ (America) યુક્રેન (UkraineWar) પર યુદ્ધ થોપવાને મામલે રશિયાની (Russia) ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા (Alrosa) પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાના બિઝનેસ એન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટે ભારતના હીરા અને જ્વેલરી એક્સપોર્ટરોને (Exporters) સ્પષ્ટ ચેતવણી આપી છે કે, અલરોસાના તૈયાર હીરા કે હીરાજડિત જ્વેલરી અમેરિકા મોકલી શકાશે નહીં. જો ઉદ્યોગકારો બોગસ સર્ટિફિકેટથી છેતરપિંડી કરશે તો એના વેપાર પર વિપરીત પરિણામ આવશે. આ ગંભીર મુદ્દા પર છેલ્લા બે દિવસથી મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં સુરત-મુંબઈના એક્સપોર્ટરોની બેઠકમાં કોઈ સ્પષ્ટ નિર્ણય લઇ શકાયો નથી.
- અલરોસાના હીરા પર અમેરિકાના પ્રતિબંધ પછી હીરા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા
- રફનો મોટો સ્ટોક કરીને બેસેલું એક ગ્રુપ એક મહિનો રફ સપ્લાય બંધ રાખવા માંગ કરી રહ્યું છે
- તો બીજું ગ્રુપ વિરોધ નોંધાવી રહ્યું છે: કેન્દ્ર સરકારની હાલત કફોડી બની
રફનો મોટો સ્ટોક કરીને બેસેલું એક ગ્રુપ એક મહિનો અલરોસા રફ સપ્લાય બંધ કરે એવી લેખિત માંગ કરી રહ્યું છે. તો બીજું ગ્રુપ રફ સપ્લાય બંધ કરવાની માંગ સામે વિરોધ નોંધાવી રહ્યું છે. જેને લઈ કેન્દ્ર સરકારની હાલત કફોડી થઈ છે. કારણ કે, ભારતનું વલણ રશિયા તરફી છે અને વર્ષે 4 બિલિયનની રફ વાયા દુબઇ અને બીજી ચેનલોથી સુરત અને મુંબઇ આવે છે. આ રફને તૈયાર હીરામાં બદલી માત્ર અમેરિકા મોકલવામાં આવતા નથી. બીજા દેશોમાં પણ તૈયાર હીરા અને એમાંથી બનેલી જ્વેલરી એક્સપોર્ટ થાય છે.
હીરા ઉદ્યોગનું એક જૂથ 1 મહિનો સપ્લાય બંધ કરી ઊંચી કિંમતે રફ વેચવા માંગે છે. અને રફની કૃત્રિમ અછત ઊભી કરી મોટો લાભ લેવા માંગે છે, એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડાયમંડ મેન્યુફેક્ચરર્સ રફ કઈ રીતે મળશે એનો વિકલ્પ માંગી રહ્યા છે એમ જીજેઈપીસીના રિજયોનલ પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અલરોસાનું પ્રતિનિધિ મડળ બે દિવસથી મુંબઈમાં છે. તેમણે સાઇટ હોલ્ડર અને મોટા ટ્રેડરો સાથે બેઠક યોજી હતી. રશિયાના હીરા અમેરિકા અને યુરોપના દેશો નહીં ખરીદે તો ઊભી થનારી સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
સુરતના હીરા ઉદ્યોગને પાતળા હીરા અલરોસા પૂરા પાડે છે. એમાંથી જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું કામ વધુ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા અને યુદ્ધની શરૂઆતમાં રફનો સ્ટોક કરીને બેસેલા કેટલાક મોટા વેપારીઓ એક મહિનો સપ્લાય બંધ રાખવાની માંગ કરી ઊંચી કિંમતે પોતાનો માલ કાઢવા માંગે છે એમ હીરા ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું. આખો મામલો હવે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સમક્ષ ગયો છે.