વડોદરા: ચોમાસુ શરુ થાય તે પહેલા શહેરના તમામ વરસાદી કાંસની સાફ સફાઈ તેમજ તેને ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અને તેના માટે અલાયદા બજેટની ફાળવણી કરવામાં આવશે. જો કે આ દર વર્ષે થતી પ્રક્રિયા છે. તેમ છતાં ચોમાસા દરમિયાન વડોદરા શહેરની હાલત સહુ કોઈ જાણે જ છે. વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે તમામ વરસાદી કાંસોને ઊંડી કરવા તેમજ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. સ્થાયી સમિતિની ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ માટે અલાયદા ફંડની ફાળવણી કરવામાં આવી છે.
અને આગામી એપ્રિલ મહિનાથી તેની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરની તમામ મોટી વરસાદી કાંસ તેમજ નાની વરસાદી કાંસોને ઊંડી કરી તેમાંથી કચરો કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં કેટલાય સ્થળોએ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી વરસાદી કાંસ ઉપર જ ઇમારતો ઉભી કરી દેવામાં આવી છે. તો કેટલાય સ્થળોએ કાંસની બાજુમાં જ ઇમારતો ઉભી કરી અને દબાણ કરવામાં આવ્યું છે ત્યારે મનપા દ્વારા આવા દબાણો દૂર કરવા જોઈએ અને જે લોકોએ દબાણ ઉભું કર્યું છે તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ.