નડિયાદ: નડિયાદમાં નગરપાલિકાના સત્તાધીશોએ પોતાના લાભ માટે મળતિયા કોન્ટ્રાક્ટરો સાથે સાંઠ-ગાંઠ કરી ગ્રાન્ટોનો દૂર ઉપયોગ કર્યાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં નડિયાદ નગરપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ થયેલા દરેક કામોની ઉચ્ચ કક્ષાની તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવવા તેમજ પાલિકામાં ચાલતા ગેર વહીવટ સામે પગલા લેવા માંગણી કરી છે.
નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટે ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નગરપાલિકા દ્વારા વૈશાલી રોડ ઇન્દિરાનગરી તળાવ પર લાખો રૂપિયાના ખર્ચે પાર્કિંગની સુવિધાના કામનો સમાવેશ કર્યો છે. આ વિકાસ કામને લઈએ શહેરના પ્રબુદ્ઘોમાં અનેક પ્રશ્નોઉભા થયા છે. એકતરફ આ વિસ્તારમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. ત્યાં પાર્કિંગની કોઈ ગંભીર સમસ્યા નથી, ત્યારે પાર્કિંગની સુવિધા નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવાની કોઈ જરૂર જણાતી ન હોય, અહીંયા 42 લાખની માતબર રકમ કેમ ફાળવાઈ ? તે અંગે સવાલ ઉઠાવ્યો છે.
નગરપાલિકા દ્વારા અગાઉ ખાતમુહૂર્ત થયેલા વિકાસ કામોની તપાસ કરવામાં આવે તો કેન્દ્ર રાજ્યની લાખો કરોડની ગ્રાન્ટનો નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓએ મળતિયા કોન્ટ્રાક્ટરોને સાંઠ-ગાંઠ કરી શહેરના વિકાસ માટે નહીં પણ પોતાના આર્થિક રાજકીય લાભ માટે દૂર ઉપયોગ કર્યાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે કર્યો છે. ત્યારે નગરજનોના હિતમાં સરકારી નાણાંનો દૂર ઉપયોગ અટકાવવી ચીફ ઓફીસર પોતાની સત્તાનો ઉપયોગ કરી આ અંગે તપાસ કરાવે અને કયા વિકાસ કામ કેટલી પ્રગતિમાં છે? તે અંગે પણ દેખરેખ રાખે તેવી માગ કરી છે.