આણંદ : આણંદના વિદ્યાનગર સ્થિત જીઆઈડીસીમાં કામદારોનું શોષણ થતું અટકે અને તેમને યોગ્ય ન્યાય મળે તે માટે જિલ્લા ક્ષત્રિય સેના આણંદ, તાલુકા ક્ષત્રિય સેના તથા સર્વ સમાજ, ગુજરાત દ્વારા આવેદન પત્ર જીઆઈડીસીના હેડને આપવામાં આવ્યું હતું. આથી, કામદારોની માંગ પુરી ન થતા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આણંદ જિલ્લા ક્ષત્રિય સેના, આણંદ તાલુકા ક્ષત્રિય સેના તથા સર્વ સમાજ સેના, ગુજરાત તરફથી વલ્લભ વિદ્યાનગર જીઆઈડીસીમા કામ કરતા કામદારો, નોકરીયાત વર્ગ, છુટક મજુરી કરનાર ભાઈઓ તથા જે પણ લોકો કામ કરે છે તે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવામાં આવ્યું હતું કે, કામદારોનું શોષણ થતું અટકે અને તેમને યોગ્ય ન્યાય મળે તે માટેની લડત છે. અમારો હેતુ કામદારો અને કંપનીઓ વચ્ચે સમન્વય બને અને કામદારો તેમનો હક મળે સામે તેમની જે ફરજો હોય તેઓ તેનું ચુસ્તપણે પાલન કરે તથા જે તે કંપની હોય તેનો પણ વિકાસ થાય નફો કરે અને લોકોને નવી રોજગારી ઊભી કરી ભારત દેશના વિકાસમાં ભાગીદાર બને તેવી ભાવના છે. સાથે સાથે કામદારોની અમુક શરતો મજુર કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
આણંદ જિલ્લા ક્ષત્રિય સેના, તાલુકા ક્ષત્રિય સેના તથા સર્વ સમાજ, ગુજરાત દ્વારા જે પણ માગણી અને વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન સામે કરવામાં આવી છે, તે પાલન કરવામાં આવે અને કામદારોનું શોષણ ન થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવે જો માગણીઓની નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું. જેની જવાબદારી વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઈડીસી અને ગુજરાત સરકારની રહેશે. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના ક્ષત્રિય સેનાના ઉપપ્રમુખ સંદીપસિંહ ડાભી, સર્વ સમાજ સેના ગુજરાતના ઉપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચાવડા, આણંદ તાલુકા ક્ષત્રિયસેના પ્રમુખ સુનીલ સિંહ સોલંકી વિગેરે હાજર રહ્યાં હતાં.
કયા કયા મુદ્દે રજુઆત કરવામાં આવી છે ?
- – સરકાર દ્વારા નિયત કરાયેલા પગાર અને ભથ્થા જીઆઈડીસીમાં જે કંપનીઓ આવેલી છે, તેમા ઘણી બધી કંપનીઓ મીનીમમ વેતન ચુકવતી નથી. આ કામના કલાકો પણ વધારે રાખી કામ કરાવવામાં આવે છે.
- – જીઆઈડીસીમા જે કામદારો કામ કરે છે તેમને લઘુતમ વેતન 340 રૂપિયા અને 8 કલાક કામના સરકારી ધારાધોરણ મુજબ બધા કામદારોને પગાર મળવો જોઈએ. આ પગાર બેન્ક એકાઉન્ટમા જમા કરાવવામાં આવે.
- – કામદારોને મીનીમમ પગાર સાથે તેમને બોનસ, એનાલીસીશ અને બીજા મળવાપાત્ર અન્ય ભથ્થા સરકારી ધારાધોરણ મુજબ મળવા જોઈએ.
- – કામદારોની સુરક્ષા માટે મેડીકલ ઈન્સ્યોરન્સ, હેન્ડ ગ્લોવ્ઝ, વેલ્ડીંગ ગ્લાસ, જરૂરત મુજબના કપડા, બુટ-મોજા, હેલ્મેટ અને તેમની સુરક્ષામાં જે પણ ઉપકરણોની જરૂર હોય તે કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા સુવિધા પૂરી પાડવામાં આવે અને તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવે.
- – અમુક કંપનીઓ અને કોન્ટ્રાકટરો દ્વારા જે રીતે કામદારો સાથે ભેદભાવ ભર્યુ વર્તન કરવામાં આવે છે. તે કંપનીના મેનેજમેન્ટ દ્વારા ધ્યાન આપવામાં આવે અને યોગ્ય પગલા લેવામાં આવે.
- – કોઈપણ જાતના ભેદ વગર સમાન ધોરણે પગાર સુવિધા અને મહિલાઓને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. સાથે મહિલાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા પણ કરવી જોઈએ અને મહિલા સુરક્ષા માટે સરકારના ધારા ધોરણ મુજબ તેમની સેફટી માટે પગલાં લેવાય.