વડોદરા : ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.સ્વરૂપ અને મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને શહેરમાં કૉવિડ વિષયક પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી.
તેમણે જણાવ્યું કે હાલની પરિસ્થિતિ ને અનુલક્ષીને શહેરના તમામ ટ્યુશન અને કોચિંગ ક્લાસિસ ને તાત્કાલિક અસર થી બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં વડોદરાના દવાખાનાઓમાં કોવિડના 2200 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે એવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે હાલમાં આપણી સારવાર ક્ષમતા અંદાજે 4500 બેડ ની છે.
વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હાલમાં 30 ટકા વેન્ટિલેટર પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મહાનગર પાલિકા વિસ્તારમાં 880 ટીમો આરોગ્ય વિષયક ઘર સર્વેક્ષણ કરી રહી છે અને 34 ધન્વંતરિ રથો આરોગ્ય સંભાળ લઈ રહ્યાં છે. તેમણે નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું કે શહેરમાં કોવિડ કેસો ઝડપ થી વધી રહ્યાં છે ત્યારે નાગરિકો જરૂરી તમામ તકેદારીઓ અને સાવચેતીઓ નું ચુસ્ત પાલન કરીને સહયોગ આપે.
ખાસ ફરજ પરના અધિકારી આવતીકાલ શુક્રવાર ના રોજ સવારના 11 વાગે ગોત્રી અને 12.15 વાગે સયાજી હોસ્પિટલ ની મુલાકાત લઈને પરિસ્થિતિ ની સમીક્ષા કરશે.તેઓશ્રી બપોરબાદ 4 વાગે સયાજી હોસ્પિટલ ના ઓડીટોરિયમ માં મુખ્ય ખાનગી હોસ્પિટલો ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે.
તે પછી સાંજના 6 વાગે સર્કિટ હાઉસમાં શહેર પોલીસ કમિશ્નર,કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નર સાથે બેઠક યોજીને કોવિડ ગાઈડ લાઈનના પાલન ને વધુ સઘન બનાવવા અંગે વિચાર વિમર્શ કરશે.