બ્રિટીશ કાળમાં બનેલો મોરબીનો ઝૂલતો પુલ સો કરતાં વધુ વર્ષો સુધી અડીખમ રહ્યો, પણ ગુજરાત સરકાર,મોરબી મહાનગરપાલિકા તેમ જ ખાનગી ટ્રસ્ટના પાપે ૧૪૧ મોત નોંધાયાં છે અને આંકડો સતત વધી રહ્યો છે. ભારતમાં વસતિ એટલી બધી વધી ગઈ છે કે કોઈ હોનારતમાં સેંકડો લોકો હોમાઈ જાય તો પણ ગેંડાની ચામડી ધરાવતા શાસકોનાં પેટનું પાણી પણ હલવાનું નથી.
રવિવારે સાંજે મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ કડડભૂસ કરતો તૂટી પડ્યો અને આશરે ૫૦૦ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયાં તે કોઈ કુદરતી આપત્તિ નહોતી પણ માનવીય ગુનાઇત બેદરકારીનો પરિપાક હતો. આ પુલ તૂટી પડ્યો તેના માટે જેટલા પણ નેતાઓ, મ્યુનિસિપલ અધિકારીઓ, કોન્ટ્રેક્ટરો અને પોલીસ તંત્ર જવાબદાર હોય તે બધા સામે ઇન્ડિયન પિનલ કોડની ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ કલમો હેઠળ કેસ દાખલ થવો જોઈએ અને તેમને બધાને તાત્કાલિક જેલમાં ધકેલી દેવા જોઈએ. મળતા સમાચારો મુજબ આ દુર્ઘટના માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે, પણ તેમાં એક પણ આરોપીનું નામ લખવામાં આવ્યું નથી. શું ગુજરાતની પોલીસ આપણને એમ કહેવા માગે છે કે ૧૪૧ નાગરિકોની હત્યા થઈ છે, પણ તેના માટે કોઈ માણસ જવાબદાર નથી.
ઇન્ડિયન પિનલ કોડની ૩૦૮ મી કલમ સદોષ મનુષ્ય વધની છે, જેને હત્યાની સમકક્ષ ગુનો ગણવામાં આવતો નથી. જો કોઈ વ્યક્તિ કોઈનું મરણ નિપજાવવાના ઇરાદા સાથે મરણ નિપજાવે તો તેને માટે ૩૦૨મી કલમ લગાવવામાં આવે છે. અહીં મનુષ્યનું મરણ નિપજાવવામાં આવ્યું છે, પણ તેમ કરનારનો ઇરાદો હત્યા કરવાનો નહોતો, માટે ૩૦૮મી કલમ લગાડવામાં આવી છે. વળી ૩૦૪મી કલમ ગુનાઇત બેદરકારીથી કોઈનું મરણ નિપજાવવા માટેની છે. કોઈ પણ માનવીય ભૂલને કારણે દુર્ઘટના થાય અને કોઈનો જીવ જાય ત્યારે આ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવતો હોય છે. ૧૧૪મી કલમ કોઈ પણ ગુનાના સ્થળ પર હાજર રહીને ગુનામાં સાથ આપવા માટેની છે.
મોરબીની દુર્ઘટનામાં ૧૪૧ લોકોના જીવ ગયા છે, ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી, તે શું સૂચવે છે? તે એમ સૂચવે છે કે આ દુર્ઘટના માટે જવાબદાર કેટલાક શક્તિશાળી લોકોની ચામડી બચાવવા માટેના રસ્તાઓ શોધવા માટે આ ઢીલ કરાઈ રહી છે. આ માટે કોણ કોણ લોકો જવાબદાર છે? તેની સંભાવના ચકાસીએ.
મળતી માહિતી મુજબ ઝૂલતા પુલનું સમારકામ કરવાનો કોન્ટ્રેક્ટ વિશ્વપ્રસિદ્ધ અજંતા ઘડિયાળોનું ઉત્પાદન કરતી કંપનીના માલિકો દ્વારા સંચાલિત ‘ઓરેવા’ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો. સરકારના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ મુજબ સમારકામ થયા પછી ઝૂલતા પુલની સારસંભાળ રાખવાનો કોન્ટ્રેક્ટ પણ ‘ઓરેવા’ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.
કોન્ટ્રેક્ટની શરત મુજબ ઓરેવા ટ્રસ્ટે બે કરોડ રૂપિયાના ખર્ચે ઝૂલતા પુલનું સમારકામ કરાવ્યું હતું. આ કોન્ટ્રેક્ટ ૧૫ વર્ષ માટે કરવામાં આવ્યો હતો. ઝૂલતા પુલનું સમારકામ શરૂ કરાવ્યા પછી તેને ૮થી ૧૨ મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હતો. તેને બદલે સમારકામ સાત જ મહિનામાં આટોપીને બ્રિજને ઉતાવળે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
ઝૂલતા પુલને ઉતાવળે ખુલ્લો મૂકવા પાછળ એક કારણ એવું હતું કે દિવાળીની રજાઓ દરમિયાન હજારો પર્યટકો આ પુલની મુલાકાત લેવાના હતા.
પુલની મુલાકાત માટે બાળકો માટે ૧૨ રૂપિયા અને પુખ્ત વયના લોકો માટે ૧૭ રૂપિયા ટિકિટ રાખવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ બ્રિજ નવા વર્ષે ખુલ્લો રાખવામાં આવ્યો ત્યારથી તા. ૩૦ સુધીના પાંચ દિવસમાં આશરે ૧૦,૦૦૦ લોકો બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા હતા. જો એક ટિકિટના સરેરાશ ૧૫ રૂપિયા ગણીએ તો પણ પાંચ દિવસમાં ઓરેવા ટ્રસ્ટને આશરે દોઢ લાખ રૂપિયાની કમાણી થઈ ચૂકી હતી. શું આ કમાણીના લોભમાં બ્રિજ વહેલો ખુલ્લો મૂકીને લોકોની જિંદગી સાથે રમત રમવામાં આવી હતી?
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના કહેવા મુજબ ‘‘ઓરેવા ટ્રસ્ટે સંબંધિત સરકારી તંત્ર પાસેથી બ્રિજનું ફીટનેસ સર્ટિફિકેટ લીધા વિના જ ઉતાવળે બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો. ઓરેવા ટ્રસ્ટે બ્રિજ ચાલુ કરતાં પહેલાં સરકારમાં સમારકામની વિગતો આપવી જરૂરી હતી અને ગુણવત્તાની ચકાસણી પણ કરાવવી જરૂરી હતી. પરંતુ તેમણે તેમાંની કોઈ પણ વિધિ કર્યા વિના બ્રિજ તા. ૨૬ ઓક્ટોબરે ખુલ્લો મૂકી દીધો હતો.’’જો આ વાત સાચી હોય તો જવાબદાર ઓરેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને જેલમાં ધકેલી દેવા જોઈએ.
ઓરેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કદાચ કહેશે કે તેમના કર્મચારીઓ દ્વારા તેમની જાણ બહાર ઝૂલતો પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, પણ તેઓ તેમ કહેવાની સ્થિતિમાં નથી, કારણ કે તા. ૨૬ ઓક્ટોબરે આ પુલનું ઉદ્ઘાટન ઓરેવા જૂથના ચેરમેન જયસુખભાઈ પટેલના હાથે જ કરવામાં આવ્યું હતું. સ્વાભાવિક છે કે જયસુખભાઈ પટેલ મોટા ઉદ્યોગપતિ હોવાથી રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવતા હશે. આ રાજકારણીઓ તેમને બચાવી લેવાના પ્રયત્નોમાં લાગી ગયા હશે. આ કારણે જ ફરિયાદ દાખલ થવા છતાં તેમાં આરોપી તરીકે કોઈનું નામ મૂકવામાં આવ્યું નથી. કદાચ તપાસ આગળ વધશે ત્યારે ઓરેવા ગ્રુપના અધ્યક્ષને બદલે કોઈ કર્મચારીનું નામ આપી દેવામાં આવશે અને તેની ધરપકડ કરીને મોટા ઉદ્યોગપતિને બચાવી લેવાની કોશિશ કરવામાં આવશે.
ઝૂલતો પુલ તૂટી પડ્યો તે માટે પહેલી જવાબદારી બ્રિજનું સમારકામ કરીને તેને ફિટનેસ સર્ટિફિકેટ વગર ઉતાવળે ખુલ્લો મૂકી દેનારા ટ્રસ્ટના સંચાલકોની આવે છે, તેમ બીજી મોટી જવાબદારી મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની આવે છે. તેમના કહેવા મુજબ ઓરેવા ગ્રુપે ફિટનેસનું સર્ટિફિકેટ લીધા વિના બ્રિજ ખુલ્લો મૂકી દીધો તેની તેમને જાણ જ નહોતી. આ હડહડતું જૂઠાણું છે. ઝૂલતો પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો, તેની તસવીરો અને સમાચાર દરેક સ્થાનિક અખબારોમાં ચમક્યા હતા. પહેલાં પાંચ દિવસમાં આશરે ૧૦,૦૦૦ લોકો તેની મુલાકાત લઈ ચૂક્યા હતા. ઝૂલતા પુલ પર એક સાથે વધુમાં વધુ ૫૦થી ૧૦૦ લોકોને જ જવાની પરવાનગી આપવાની હતી.
તેને બદલે ઓરેવા ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા ૫૦૦ લોકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. શું આ બધી વાતથી સંદીપસિંહ ઝાલા અજાણ હતા? શું ફિટનેસ સર્ટિફિકેટ વિના બ્રિજ ચાલુ થઈ ગયો હોય તો તેને રોકવાની તેમની કોઈ જવાબદારી નહોતી? શું સંદીપસિંહ ઝાલાની જવાબદારી નક્કી કરીને તેમને ગુનાઇત બેદરકારી બદલ જેલમાં ન ધકેલી દેવા જોઈએ? પરંતુ આવી દુર્ઘટનામાં કાયમ બને છે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ કર્મચારીનું નામ આપી દેવાશે. મોરબી દુર્ઘટના માટે જવાબદાર શહેરની પોલીસ પણ છે.
તા. ૩૦ ઓક્ટોબરે ઝૂલતાં પુલ પર ૫૦૦ જેટલાં લોકો પહોંચી ગયાં ત્યારે ત્યાં ફરજ પરના પોલીસ અધિકારીઓ શું ઊંઘતા હતા? શા માટે તેમણે લોકોને ત્યાં જતાં રોક્યાં નહોતાં? આ માટે મોરબીના પોલીસ અધિક્ષક સામે પણ કેસ થવો જોઈએ. ભૂતકાળમાં પ્રધાનો આવી દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપતા હતા, પણ તેવી અપેક્ષા આજના પ્રધાનો અને રાજકારણીઓ પાસે રાખી શકાય તેમ નથી.