કાશ્મીર અંગેની સર્વપક્ષીય બેઠક – Gujaratmitra Daily Newspaper

Charchapatra

કાશ્મીર અંગેની સર્વપક્ષીય બેઠક

૩૭૦ મી કલમ રદ કરાયાના બે વર્ષ બાદ ૨૪ મી જૂને વડા પ્રધાનના નેતૃત્વમાં પહેલી વાર જમ્મુ-કાશ્મીરના ૮ પાર્ટીના ૧૪ રાજકીય નેતાઓ સાથે નરેન્દ્ર મોદીએ સીધો સંવાદ કર્યો હતો. આ રીતે સર્વપક્ષીય બેઠક યોજીને દરેકનો અભિપ્રાય જાણવાનો અભિગમ સરકારે અપનાવીને ખૂબ સ્તુત્ય પગલું ભર્યું છે. સદ્‌ભાગ્યે આ બેઠકનું વાતાવરણ એખલાસભર્યું રહ્યું. કાશ્મીરના ચાર ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ફા. અબ્દુલ્લા, ગુ. ન. આઝાદ, ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુફતીની હાજરી વિશેષ નોંધનીય હતી. જો કે મહેબાબાનું મીટીંગ પહેલાનું નિવેદન ‘આજની સર્વપક્ષીય બેઠક માટે પાકિસ્તાનનો પણ સંપર્ક કરવો જોઇએ’ તે અત્યંત દુ:ખદ હતું. આ બેઠક ૩-૧/૨ કલાક ચાલી. ચર્ચામાં જમ્મુ કાશ્મીરમાં ડિલિમિટેશનની પ્રક્રિયા, જમ્મુ – કાશ્મીરને સંપૂર્ણ રાજયનો દરજજો, વિધાનસભાની ચૂંટણીઓ તથા કાશ્મીર પંડિતોનું સત્વરે પુનર્વસન મુખ્ય મુદ્દા હતા.

બધા જ આ વાતે સંમત થયા એ જ બેઠકની સફળતા હતી. નરેન્દ્ર મોદીના વકતવ્યમાં ભારોભાર સંવેદના હતી. તેમણે કહ્યું કે (૧) જમ્મુ-કાશ્મીરને રાજયનો દરજજો આપવા સરકાર પ્રતિબધ્ધ છે. (૨) કાશ્મીરમાં થતું એક પણ મોત અત્યંત પીડાદાયક છે. (૩) જમ્મુ કાશ્મીરની જનતાના વિકાસ માટે સાથે મળીને કામ કરીએ. (૪) વિધાનસભાની ચૂંટણી અમારી પ્રાથમિકતા છે. (૫) જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયા મજબૂત કરવાનું અમારું મુખ્ય લક્ષ્ય છે. (૬) જમ્મુ કાશ્મીરના વિકાસ માટે અમે પ્રતિબધ્ધ છીએ. (૭) જમ્મુ – કાશ્મીરમાંથી દિલ્હી અને દિલની વચ્ચેનું અંતર હું દૂર કરવા માંગુ છું. પ્રા. મિ. મોદીની જ.કા. ના નેતાઓ સાથેની બેઠક પહેલાં ચૂંટણી પંચની બેઠક પણ યોજાઇ હતી. જેમાં તમામ કમિશ્નરો હાજર રહ્યા હતા. દેશના ભાગલા પડયા ત્યારથી કાશ્મીર આપણા દેશનો એક સળગતો પ્રશ્ન છે. જો કાશ્મીરમાં શાંતિ સ્થપાશે તો કાશ્મીરનો ચોકકસ જ વિકાસ થશે. દેશના બધા વિરોધ પક્ષોએ ન. મોદીના આ પ્રયાસોને સાથ-સહકાર આપવો જરૂરી છે. આપણા દેશના ચીન-પાકિસ્તાન – કોવિડ મહામારી વગેરે દુશ્મનો સામે વિરોધ પક્ષો સરકારની પડખે ઊભા રહેશે તેમાં જ તેમની ગરિમા જળવાશે! શું દિલ્હી અને દિલની વચ્ચેનું અંતર દૂર કરવાનું વડા પ્રધાનનું સ્વપ્ન સાકાર થશે?

યુ.એસ.એ- ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top