રાજ્ય સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણની ચાલતી ચર્ચા વચ્ચે મોટું અપડેટ આવ્યું છે. આજે ગુરુવારે તા. 16 ઓક્ટોબરની બપોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને એક મહત્ત્વની બેઠક મળી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપ્યા હતા. હવે આવતીકાલે તા. 17 ઓક્ટોબરની સવારે 11.30 કલાકે નવા મંત્રી મંડળનો શપથવિધિ સમારોહ યોજાશે.
CM સાંજે નવા મંત્રીમંડળનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે અને આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.

ચર્ચાઃ સૌરાષ્ટ્ર, દ.ગુજરાતને મળશે ડેપ્યુટી સીએમ
દરમિયાન જ્યારથી મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા ચાલી છે ત્યારથી એવી અટકળો તેજ થઈ છે કે આ વખતે ડેપ્યુટી સીએમનું પદ દક્ષિણ ગુજરાત અથવા સૌરાષ્ટ્રને મળશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી બહાર આવી નથી.
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવશે
સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત ફર્યા છે.
સંઘવી-પાનશેરિયાને સરકારમાં પ્રમોશન મળે તેવી ચર્ચા
દરમિયાન સુરતના મજૂરાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા કામરેજના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મંત્રી મંડળના વિસ્તારમાં પ્રમોશન મળે તેવી ચર્ચા છે. બંનેને કેબિનેટ મંત્રી બનાવાય તેવી અટકળો ચાલી રહી છે. બંનેની કામગીરીને જોતા તેમને કયા વિભાગો આપે છે તે અંગે અનેક અટકળો લાગી રહી છે.
મંત્રી મંડળનું કદ વધશે, 16ના બદલે 21 થશે તેવી ચર્ચા
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા અનુસાર મંત્રીમંડળનું કદ વધી શકે છે. 14થી વધુ નવા ચહેરા ઉમેરાશે, જેમાં 4 લેઉવા અને 2 કડવા પટેલને મળી શકે છે સ્થાન. બે એસટી, બે એસસી ચહેરાનો સમાવેશ થઈ શકે છે. 4 ઠાકોર-કોળી અને 1 બ્રાહ્મણને સમાવાશે. 2 ક્ષત્રિયોને પણ મળશે સ્થાન. અમદાવાદ અને ઉ.ગુજરાતમાંથી સીએમ અને 1 કેબિનેટ 2 રાજ્યમંત્રી બની શકે છે. દક્ષિણ ગુજરાતમાં 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે. સ્વર્ણિમ સંકુલ 1-2માં 12 ચેમ્બરો ખાલી કરાવાઈ છે.