Comments

બધા જ મહામૂર્ખ

એક રાજાના મનમાં એક વિચિત્ર ઈચ્છા જાગી કે મારા દરબારમાં આટલા જ્ઞાની દરબારીઓ છે, પણ એક મહામૂર્ખ દરબારમાં હોવો જોઈએ, જેની મૂર્ખાઈભરી વાતોથી દરબારમાં બધાનું મનોરંજન થાય.રાજાએ મહામૂર્ખ શોધવા એક સ્પર્ધા રાખી અને તેમાં જે વિજેતા થયો તેને ‘હું મહામૂર્ખ છું’- લખેલો ચાંદીનો મોટો તાજ પહેરાવવામાં આવ્યો અને તેને દરબારમાં સ્થાન આપવામાં આવ્યું. રાજા રોજ દરબારમાં આવતા અને મહામૂર્ખને રોજ એક સવાલ પૂછતાં અને તેના મૂર્ખતાભર્યા જવાબ સાંભળીને બધા હસતા અને તેની મજાક ઉડાડતા.

રાજા તેને રોજ એક ભેટ આપતા.ધીમે ધીમે દિવસો વીતતા હતા. હવે રાજાને તે મૂર્ખની એવી આદત પડી હતી કે તેઓ હંમેશા તેને સાથે જ રાખતા. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યાં પણ પેલો મહામૂર્ખ હંમેશા રાજાની સાથે જ રહ્યો અને તેમને આનંદ આપતો રહ્યો. એક દિવસ અચાનક રાજા બીમાર પડ્યા.પણ તેમની બીમારીનો કોઈ વૈદ પાસે ઈલાજ હતો નહિ ..બિમારી દિવસે દિવસે વધતી જતી હતી, રાજા સમજી ગયો કે હવે તે સાજો થઇ નહિ શકે. તેનું મૃત્યુ નિશ્ચિત છે.પોતાના જેટલા બચ્યા હોય તેટલા દિવસ આનંદમાં ,હસતાં હસતાં પસાર થાય તે માટે રાજાએ મૂર્ખને કહ્યું, ‘તું હવે મારી સાથે મારા કક્ષમાં જ રહેજે. રાત્રે રાજાએ તેને કહ્યું, ‘હું તને રોજ સવાલો પૂછું છું.

આજે તું મને સવાલ પૂછ.’મહામૂર્ખ વિચારમાં પડ્યો, પછી પૂછ્યું, ‘રાજા તમે મૃત્યુ પામશો પછી ક્યાં જશો?’રાજાએ કહ્યું, ‘હું તો આ જગતપાલક પરમાત્મા પાસે જઈશ.’મૂર્ખ બોલ્યો, ‘કેટલા દિવસ ત્યાં રહેશો?’રાજા હસી પડ્યો અને બોલ્યો, ‘મૃત્યુ પછી હું તો હંમેશા માટે ત્યાં જ રહીશ મારા ભગવાન પાસે.’ મૂર્ખે તરત બીજો સવાલ પૂછ્યો, ‘તો તો તમે ત્યાં રહેવા જવાની ભરપૂર તૈયારી કરી હશે નહિ?’ આ સવાલ સાંભળી રાજા હતપ્રભ થઈ ગયો.સાવ ચૂપ થઇ ગયો.કારણ ભગવાન પાસે જવાની કોઈ તૈયારી કરી જ ન હતી.

મહામૂર્ખે પોતાનો તાજ કાઢીને રાજાને પહેરાવ્યો અને કહ્યું, ‘રાજન મને માફ કરજો, પણ અત્યારે તમે મહામૂર્ખ સાબિત થયા છો.ખબર છે આ પૃથ્વી પર હંમેશ માટે રહેવાનું નથી તો અહીં રહેવાની આટલી તૈયારી.આટલું મોટું રાજ્ય,ખજાના,મહેલો.ઘણું બધું અને જયાં હંમેશા માટે જવાનું છે, જેની પાસે સદા રહેવાનું છે તે માટે કોઈ તૈયારી નહિ.’મૂરખની આ વાત કડવી હતી પણ સત્ય હતી.મૃત્યુ બધાનું થવાનું છે,ભગવાન પાસે બધાએ જવાનું છે, પણ તેની પાસે જવાની તૈયારી કોઈ કરતું નથી અને અહીં જ્યાં રહેવાનું નથી, સાથે કંઈ આવવાનું નથી તે બધું ભેગું કરવામાં જ બધા વ્યસ્ત છે. સાચે, બધા જ મહામૂર્ખ છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top