National

ચંદ્ર પર સવાર પડી પણ વિક્રમ અને પ્રજ્ઞાન જાગ્યા નહીં, ઈસરોના વૈજ્ઞાનિકે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: ચંદ્રયાન 3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આજે એટલે કે 22 સપ્ટેમ્બરે જાગ્યા નથી. તેઓ હાલમાં નિંદ્રાધીન જ રહેશે. અમદાવાદ સ્થિત ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે ઈસરો ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરને આવતીકાલે તા. 23 સપ્ટેમ્બરના રોજ જગાડવાનો પ્રયાસ કરશે. હાલમાં લેંડર અને રોવર બંને નિષ્ક્રિય છે.
ચંદ્ર પર સવાર પડી ગઈ છે. પ્રકાશ સંપૂર્ણપણે ફેલાયેલો છે. પરંતુ ચંદ્રયાન3ના લેંડર અને રોવરને હજુ સુધી પૂરતી એનર્જી મળી નથી. ચંદ્રયાન3 તરફથી વૈજ્ઞાનિકોને કેટલાંક ઈનપુટ મળ્યા છે. જે તમામનો અભ્યાસ ઈસરોના વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. પાછલા દસ દિવસના ડેટાનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન પ્રજ્ઞાન રોવરે 105 મીટરનું હલનચલન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અગાઉ ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગના થોડા દિવસો બાદ ચંદ્રયાન -3 ના લૈંડરને 4 સપ્ટેમ્બરની સવારે લગભગ 8 વાગ્યે સ્લીપ મોડમાં મુકી તેના પેલોડ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. જો કે તે દરમિયાન તેના રિસીવર ચાલુ રહ્યા હતા. ચંદ્ર પર સવાર પડે ત્યાર બાદ ભારતીય અંતરિક્ષ એજન્સી (ISRO) આજે શુક્રવારે તા. 22 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન – 3 (Chandrayaan3) ના વિક્રમ લેંડર (VikramLander) અને પ્રજ્ઞાન રોવરને (PragyanRover) ફરીથી કાર્યરત કરવાનો પ્રયાસ કરવાના હતા. જેનાથી તે પોતાના વૈજ્ઞાનિક પ્રયોગો ચાલુ રાખી શકે.

23 સપ્ટેમ્બરે લેન્ડર અને રોવરને રિબુટ કરવા પ્રયાસ કરાશે
ઈસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મોડ્યુલને ફરીથી રિબુટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. કેમકે સૂર્યપ્રકાશમાં બંનેની બેટરી ફૂલ ચાર્જ છે. તેથી ઇસરોને એ વાતની આશા છે કે, આવનારા 15 દિવસો સુધી રોવર અને વિક્રમ ફરી ચંદ્ર સાથે જોડાયેલી જાણકારીઓ આપશે. ચંદ્ર પર લેન્ડિંગ પછી લગભગ 15 દિવસો સુધી રોવર એ સલ્ફર સહીત ઘણા મહત્વપૂર્ણ તત્વોની શોધ કરી હતી. તેના સિવાય ચંદ્રના દક્ષિણી ધ્રુવની તસવીરો પણ મોકલી હતી. હવે ઇસરોએ લૈંડરના એ સ્લીપ મોડને હટાવવાની જાહેરાત કરી છે.

વિક્રમ અને પ્રજ્ઞાન ફરી કાર્યરત થશે: ઈસરોનો દાવો
સફળ લેન્ડિંગ પછી વિક્રમ લૈંડરએ 4 સપ્ટેમ્બરએ બીજીવાર ચંદ્રની સપાટી પર ટચડાઉન કર્યું હતું. લૈંડરએ એક “હોપ પ્રયોગ” પૂરો કર્યો હતો, જેમાં લૈંડરએ કમાન્ડ પર પોતાના એન્જીન ચાલુ કર્યા અને જમીનથી 40 સેન્ટીમીટર ઉપર થયું. ઇસરોને જેવી આશા હતી તેમ તે ફરી પોતાની જગ્યાથી 30 થી 40 સેન્ટીમીટર દૂર સુરક્ષિત રીતે પાછું લેન્ડ થઇ ગયું. ઇસરોએ દાવો કર્યો છે કે, વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવર ફરીથી કાર્યરત થશે અને પોતાના યાત્રીઓને ચંદ્રની સપાટી પર લઇ જશે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન મોકલનાર ભારત પહેલો દેશ
ઇસરોના આ મહાત્વાકાંશી મિશન ચંદ્રયાન- 3 એ ભારતને આ ઉપલબ્ધી હાંસલ કરવાવાળો ચોથો દેશ અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાવાળો પહેલો દેશ બનાવી દીધો છે. જે જગ્યા પર ચંદ્રયાન -3 ના વિક્રમ લૈંડરએ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું તેને “શિવ શક્તિ પોઇન્ટ ” નામ આપવામાં આવ્યું અને જે જગ્યા પર 2019 માં ચંદ્રયાન -2 નું લૈંડર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું તેને “તિરંગા પોઇન્ટ” નામ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top