Columns

બધાં બાળકો ખુશ ખુશ

એક બર્થ ડે પાર્ટી હતી. માતા પિતાએ બધી જ વ્યવસ્થા સુંદર રીતે કરી પોતાના દસ વર્ષના દીકરા અયાનનો બર્થ ડે ધામધૂમથી ઉજવ્યો. ખૂબ જ ભવ્ય બર્થ ડે પાર્ટી બધી જ વ્યવસ્થા સુંદર બલૂન ડેકોરેશન અયાનને ગમતા છોટાભીમની કેક, ગેમ્સ, મેજિક શો, બાળકોને મનભાવતાં ભોજન બર્થડે પાર્ટીમાં કેક કટીંગ બાદ મસ્ત મજાનો માહોલ શરૂ થયો.  ઘણી બધી ગેમ રમાઈ ગઈ, નાચ ગાન પણ થયાં. હવે છેલ્લે એક ગેમ રમવાની હતી. અયાનની મમ્મીએ બધાને કહ્યું, ‘‘હજી એક ગેમ રમવાની બાકી છે.’’પછી તેણે બધાં બાળકોને કુંડાળામાં ગોળ આકારે ગોઠવી સંગીત શરૂ કર્યું અને વર્ષોથી રમાતી આવતી ગેમ શરૂ કરી ‘પાસીંગ ધ પાર્સલ.’  આ ગેમ બધાં રમ્યાં જ હશે, સંગીત શરૂ થાય એટલે આપણા હાથનું પાર્સલ બાજુમાં આપવાનું, જલ્દી જલ્દી આપવાનું. સંગીત અટકે ત્યારે જેના હાથમાં પાર્સલ રહી જાય તે આઉટ અને તેને મળે પનિશમેન્ટ. ‘પાસીંગ ધ પીલો’નામ જુદાં જુદાં હોય પણ ગેમ તો એ જ.

 આ પાર્ટીમાં ‘પાસીંગ ધ પાર્સલ’ગેમ જરાક જુદી હતી. ગેમ રમાતી હતી. સંગીત વાગતું હતું. એક સુંદર ગિફ્ટ બોક્સ પાર્સલ બનીને એક બાળક પાસેથી બીજા બાળક પાસે ફરતું હતું. સંગીત અટકે ત્યારે ગિફ્ટ બોક્સ જે બાળકના હાથમાં હોય તે બાળકનું થઈ જતું હતું. સંગીત અટકે એટલે આઉટ અને પનિશમેન્ટના દુઃખના સ્થાને સંગીત અટકે એટલે આ ગિફ્ટ બોક્સ મારો નો આનંદ દરેક બાળકને મળતો હતો અને તે ગેમમાંથી આઉટ થવાનો તેને કોઈ ગમ જ રહેતો ન હતો.  બધાં બાળકો આઉટ ખુશી ખુશી થતાં હતાં અને ગિફ્ટ બોક્સ લઈને નીકળી જતાં હતાં અને નવા ગિફ્ટ બોક્સ સાથે ગેમ ફરી શરૂ થતી. બધાને આનંદ આપવાની, બધાં બાળકોને ખુશ રાખવાની આ જૂની ગેમ નવી રીતને કારણે વધુ અનોખી લાગી. અયાનની મમ્મી રીમાને એક બહેનપણીએ કહ્યું, ‘‘આઈડિયા સરસ છે. ગેમ પણ રમાઈ ગઈ ને બધાં બાળકોને રિટર્ન ગિફ્ટ પણ અપાઈ ગઈ અને સમય પણ સરસ રીતે પસાર થયો.’’ રીમાએ કહ્યું, ‘‘મને તો બધાં બાળકો ખુશ ખુશ થઈ જાય. કોઈ નારાજ ન થાય એમ કરવું હતું અને આ ગેમમાં બધાને આનંદ અને ખુશી મળ્યાં. બાળકો ખુશ એટલે હું પણ ખુશ.’’  આમ અવનવી રીતે ખુશી વહેંચતાં રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top