Editorial

તમામ પુખ્તોને કોવિડ રસીના બુસ્ટર ડોઝ મૂકવાનો આરંભ: આ રસીકરણ ક્યાં સુધી ચાલુ રહેશે?

દુનિયાભરમાં હાહાકાર મચાવતો કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ૨૦૨૦ના વર્ષની શરૂઆતમાં શરૂ થયો, તે આખું વર્ષ તો દુનિયાભરમાં લૉકડાઉન જેવા અનેક નિયંત્રણોનું રહ્યું. તે વર્ષ દરમ્યાન જ કોવિડ રસીઓ પર જોર શોરથી  સંશોધનો ચાલ્યા અને તેમાં રાજકીય દબાણો પણ ઉમેરાયા. તે વર્ષના અંતભાગે તો અમેરિકામાં તે સમયના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રસીકરણ શરૂ પણ કરાવી દીધું. ભારતમાં ૨૦૨૧ના જાન્યુઆરીના મધ્યભાગથી કોવિડ રસીકરણ  શરૂ થયું. વિશ્વના બીજા દેશોમાં પણ રસીકરણ શરૂ થયું. આ રસીકરણ અને રસીઓ અંગે પણ વિશ્વમાં અને ભારતમાં પણ જાત જાતના વિવાદો થયા અને છેવટે રસીકરણની ગાડી કંઇક પાટે ચડવા માંડી ખરી. ભારતની ઘણી  મોટી વસ્તીનું રસીકરણ થઇ ગયું છે. દુનિયાના ઘણા દેશોમાં વ્યાપક રસીકરણ થઇ ગયા બાદ બુસ્ટર ડોઝનો સિલસિલો હવે શરૂ થયો છે. ભારતમાં પણ આરોગ્ય કર્મીઓ, વયોવૃદ્ધો વગેરે માટે બુસ્ટર ડોઝની શરૂઆત તો કેટલાક  સમયથી થઇ જ ગઇ હતી, હવે તમામ પુખ્ત વયના લોકો માટે બુસ્ટર ડોઝની શરૂઆત દસ એપ્રિલથી થઇ છે.

કોવિડ-૧૯ની રસીઓના પ્રિકોશન ડોઝ ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે ૧૦ એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી અને ભારતમાં તમામ પુખ્ત વયના લોકો  માટે નાણા ખર્ચીને રસીના બુસ્ટર ડોઝ મૂકાવવા માટેના દરવાજા મોકળા થઇ ગયા. જેમની વય ૧૮ વર્ષ કરતા વધારે છે તેવા તમામ લોકોમાંથી જેમણે બીજો ડોઝ મૂકાયાના નવ મહિના પુરા કર્યા છે તેઓ પ્રિકોશન ડોઝ માટે  લાયક ગણાશે એમ જણાવાયું છે. એવો નિર્ણય કરાયો છે કે કોવિડ રસીઓ ૧૮થી વધુના વયજૂથ માટે ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવાશે. ભારતે રવિવારે ૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને કોવિડ-૧૯ રસીના  બુસ્ટર ડોઝ મૂકવાનો આરંભ કર્યો છે, જે બુસ્ટર ડોઝને ભારતમાં સત્તાવાર રીતે પ્રિકોશન ડોઝ નામ આપવામાં આવ્યું છે. ખાનગી રસીકરણ કેન્દ્રો પર આ પ્રિકોશન ડોઝ કિંમત ચૂકવીને મૂકાવી શકાય છે. જેમને બીજો ડોઝ મૂકાયો  હોય તેને નવ મહિના થઇ ગયા હોય તેઓ આ બુસ્ટર ડોઝ મૂકાવી શકે છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે જણાવ્યું છે કે પ્રિકોશન ડોઝ માટે કોઇ નોંધણીની જરૂરિયાત નથી કારણ કે તમામ લાયક લાભાર્થીઓ કોવિન પોર્ટલ પર અગાઉ  બે ડોઝને કારણે નોંધાઇ જ ચુક્યા છે. જે પણ રસીકરણ થાય તે તમામનું કોવિન પોર્ટલ પર નોંધણી કરાવવાનું ફરજિયાત છે અને પ્રિકોશન ડોઝ માટે પણ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અને સ્થળ પર જઇને નોંધણી કરાવવાના –  એમ બંને વિકલ્પો ખુલ્લા રહેશે.  ખાનગી રસીકરણ કેન્દ્રો રસીકરણ માટે રસીની કિંમત ઉપરાંત વધુમાં વધુ રૂ. ૧૫૦ સર્વિસ ચાર્જ લઇ શકશે. હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન એ બંને રસીઓના એક ડોઝની કિંમત ખાનગી  હોસ્પિટલો માટે રૂ. ૨૨૫ રાખવામાં આવી છે એટલે તેમાં સર્વિસ ચાર્જ ઉમેરતા રસીના એક ડોઝની કિંમત રૂ. ૩૭પ જેટલી થઇ શકે છે. બે ડોઝ જે રસીના મૂકાવ્યા હોય તેનો જ ડોઝ પ્રિકોશન ડોઝ તરીકે લેવાનો રહેશે એમ  જણાવવામાં આવ્યું છે. ટૂંકમાં, દેશની મોટા ભાગની વસ્તીએ મફતમાં કોવિડ રસીના એક કે બે ડોઝ મૂકાવી લીધા છે ત્યારે હવે બુસ્ટર ડોઝીસ મૂકાવાનો આરંભ દેશમાં થઇ ગયો છે અને આ ડોઝ મફતમાં મળવાના નથી એટલું  બધાએ ધ્યાન રાખવાનું છે.

હાલમાં દેશમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન કર્મચારીઓ અને ૬૦ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા હતા, હવે ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે પ્રિકોશન ડોઝ શરૂ કરવામાં  આવ્યા છે, જો કે આ ડોઝ મફત રહેશે નહીં, પણ નાણા ચુકવીને મૂકાવવાના રહેશે.  દસમી એપ્રિલે, રવિવારે પહેલા દિવસે બુસ્ટર ડોઝ મૂકાવાની શરૂઆત ધીમી થઇ હોવાના અહેવાલ મળ્યા હતા. આમ પણ આ ડોઝ નાણા  ચુકવીને મૂકાવવાના છે એટલે તેમાં લોકોનો ધસારો ઓછો જ રહેશે એવી શક્યતાઓ પુરે પુરી છે. જેમને વિદેશ પ્રવાસ જેવા હેતુસર બુસ્ટર ડોઝ મૂકાવવાની જરૂર હોય તેઓ આ ડોઝ મૂકાવશે એમ માનવામાં આવે છે. બુસ્ટર ડોઝ  મૂકવાની પણ શરૂઆત તો થઇ ગઇ, હવે પ્રશ્ન એ છે કે લોકોએ ક્યાં સુધી કોવિડ રસીઓના ડોઝ મૂકાવતા રહેવું પડશે? કદાચ એવું બની શકે કે મરજિયાત રીતે નાણા ચુકવીને બુસ્ટર રસીના ડોઝ મૂકવાનું કાયમ માટે નહીં તોયે  વર્ષો સુધી ચાલુ રહે.

Most Popular

To Top