કેરળ: કેરળમાં (Kerala) એક હેલિકોપ્ટર (Helicopter) દુર્ઘટનાનો (Accident) વીડિયો (Video) સામે આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડનું ALH ધ્રુવ માર્ક III હેલિકોપ્ટર આજે કોચી એરપોર્ટના (Cochi Airport) મુખ્ય રનવે નજીક ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે, તમામ ક્રૂ સુરક્ષિત છે. એરક્રાફ્ટના રોટર અને એરફ્રેમને નુકસાન થયું છે. ICGએ અકસ્માતના કારણની તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ, રવિવારે કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) થી ઉડાન ભર્યા પછી તરત જ કોસ્ટ ગાર્ડનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. સૂત્રોએ જણાવ્યું કે હેલિકોપ્ટર ટ્રેનિંગ માટે ઊપડ્યું હતું અને હેલિપેડ પરથી ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર થયું છે. ‘કોસ્ટ ગાર્ડ એન્ક્લેવ’ CIAL કેમ્પસમાં આવેલું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અથવા ALH-DHRUV માર્ક 3 હેલિકોપ્ટરે રવિવારે કેરળના કોચીમાં તાત્કાલિક લેન્ડિંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં ત્રણ પાયલોટ હતા અને તેમાંથી એકને સામાન્ય ઈજા થઈ હતી. હેલિકોપ્ટર ટ્રેનિંગ ફ્લાઇટ પર હતું. જ્યારે પાઇલોટ્સ હેલિકોપ્ટરનું પરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેને તાત્કાલિક જ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર લગભગ 25 ફૂટની ઊંચાઈએ હતું ત્યારે તેને બળજબરીથી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ICG ALH ધ્રુવ ફ્લીટ ઓપરેશનને પુનઃપ્રારંભ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે “કોચી સ્થિત ALH Mk III, CG 855, વિમાનમાં કંટ્રોલ સળિયા રોકાયા બાદ ફ્લાઈટ ચેકિંગ માટે લગભગ 1225 કલાકે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ઇનફ્લાઇટ તપાસ પહેલા, HAL અને ICG ટીમે 26 માર્ચ 2023ના રોજ વ્યાપક અને સંતોષકારક ગ્રાઉન્ડ ટેસ્ટ હાથ ધર્યો હતો.”
કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે ટેક-ઓફ પછી તરત જ, જ્યારે CG 855 જમીનથી આશરે 30-40 ફૂટ ઉપર હતું, ત્યારે ચક્રીય નિયંત્રણો (જે વિમાનની રેખાંશ અને બાજુની હિલચાલને નિયંત્રિત કરે છે) એ પ્રતિસાદ આપ્યો ન હતો. અનુકરણીય વ્યાવસાયિકતા અને મનની હાજરી દર્શાવતા, પાઇલટ ન્યૂનતમ નિયંત્રણ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રનવે બ્લોક ન થાય તે માટે એરક્રાફ્ટને મુખ્ય રનવેથી દૂર વાળ્યું હતું .
ત્યાર બાદ પાયલોટે વિમાનને શક્ય તેટલું જોર આપી લેન્ડિંગ કરાવાના પ્રયાસો કર્યો હતા, ત્યારે એરક્રાફ્ટ ડાબી તરફ વળ્યું અને મુખ્ય રનવેની ડાબી બાજુએ ક્રેશ થયું હતું. આ ઘટનામાં તમામ ક્રૂ સુરક્ષિત છે. એરક્રાફ્ટના રોટર અને એરફ્રેમને નુકસાન થયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડે અકસ્માતના કારણની તપાસ કરવા માટે તપાસના આદેશ આપ્યા છે.