National

ઝીકા વાઇરસના વધુ કેસ પોઝિટીવ આવતા કેરળમાં એલર્ટ

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાની ( CORONA) બીજી લહેર ( SECOND WAVE) ચાલુ જ છે તેની વચ્ચે કેરળમાં ઝીકા વાઇરસ ( ZIKA VIRUS) ના વધુ 13 નવા કેસ સપાટી પર આવતા કેન્દ્ર સરકારે આ રાજ્ય માટે એલર્ટ જારી કરી છે. કેન્દ્ર સરકારે પરિસ્થિતીની સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની એક ટીમને કેરળ રવાના કરી છે.

નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીએ કેરળના વધુ 13 સેમ્પલને ઝીકા વાઇરસ માટે પોઝિટીવ ગણાવતા રાજ્યમાં ઝીકા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 14 થઇ ગઇ છે. ગઇકાલે 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીકા વાઇરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો.

મચ્છર દ્વારા આ વાઇરસ એકના શરીરમાંથી બીજી વ્યકિતના શરીરમાં પ્રવેશ કરે છે. કેરળ સરકારના જણાવ્યા અનુસાર કુલ 19 સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીને મોકલવામાં આવી હતી. 19માંથી 13 સેમ્પલ ઝીકા વાઇરસ પોઝિટીવ આવ્યા હતાં. આ રોગના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ છે. ઝીકા વાઇરસથી પીડિત વ્યકિતને તાવ અને સાંધામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે.

સંક્રમિત મહિલાએ બે દિવસ પહેલાં જ એક બાળકને જન્મ આપ્યો હતો
જ્યોર્જે જણાવ્યું હતું હતું કે ગુરુવારે 24 વર્ષીય સગર્ભા સ્ત્રીમાં આ વાયરસના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો હતો. એક અઠવાડિયા પહેલાં તેની માતામાં પણ વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. સંક્રમિત મહિલા તિરુવનંતપુરમના પરાસલેનની રહેવાસી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. તેણે 7 જુલાઈએ એક બાળકને જન્મ આપ્યો હતો.

મહિલાને તાવ, માથાનો દુખાવો અને તેના શરીર પર લાલ નિશાન હોવાને કારણે 28 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલની તપાસમાં ઝીકાનાં શંકાસ્પદ લક્ષણો સામે આવ્યાં હતાં. આ પછી તેનાં સેમ્પલ પુણેની NIVમાં મોકલાયાં હતાં, જોકે મહિલાની હાલત હવે સામાન્ય છે.

ઝીકા વાયરસના કારણે કેટલાક જૂજ ગંભીર પરિણામો આવ્યા છે. જે ભયનો માહોલ ઉભો કરે છે. આ વાયરસ કેટલાક કિસ્સાઓમાં ગિલેઇન-બેરી સિન્ડ્રોમનું કારણ બને છે. જે નર્વ સિસ્ટમને નબળી પાડતી લાંબી બિમારી છે. જેમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ તેના પોતાના જ ચેતા કોષોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. જેનાથી લકવો પણ થઈ શકે છે.

Most Popular

To Top