ઘેજ: (Dhej) ચીખલી પોલીસે નેશનલ હાઈવે (Highway) પરના આલીપોર પાસે ટ્રકમાંથી (Truck) 8.52 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડી એકની ધરપકડ કરી અન્ય ત્રણ જેટલાને વોન્ટેડ (Wanted) જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારે સાંજના સમયે પૂર્વ બાતમીના આધારે પી.આઈ. કે. જે. ચૌધરી, પીએસઆઈ સમીરભાઈ કડીવાલા તથા મહેન્દ્રભાઈ, વિજયભાઈ, અલ્પેશભાઈ સહિતના સ્ટાફે નેશનલ હાઈવે પર આલીપોર રેલ્વે ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી જીજે-15-એવી-790 ને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની વિસ્કી અને ટીન બીયરની નાની નોટી બોટલ નંગ 2988 નો 8,52,000 રૂપિયાનો મળી આવતા ટ્રક સાથે કુલ 18,57,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ચાલક મહમદસકિલ કલીમુદ્દીન અંસારી (ઉવ.43 રહે.ભિવંડી નવી બસ્તી નહેરુનગર કલ્યાણ રોડ મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી રાજસ્થાન જયપુરના ધીરજભાઈ તથા અન્ય બે જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઓંજલ-માછીવાડ ગામના ઘરમાંથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ
નવસારી : જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓંજલ-માછીવાડ ગામે ઘરમાંથી 27 હજારના વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે મહિલાને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જલાલપોર પોલીસે બાતમીના આધારે ઓંજલ-માછીવાડ ગામે નુતન ફળીયામાં રહેતી કીરપાબેન વસંતભાઈ ટંડેલના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને 27,640 રૂપિયાની વિદેશી દારૂની 240 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે કીરપાબેન ટંડેલને ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે ઓંજલ-માછીવાડ ગામે રહેતી ધનકીબેન ટંડેલને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
સિસોદ્રા ગામે દુકાનમાંથી 39 હજારના વિદેશી દારૂ વેચતા મહિલા સહીત 2 ઝડપાયા
નવસારી : સિસોદ્રા ગામે દુકાનમાંથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 39 હજારના વિદેશી દારૂની વેચાણ કરતી મહિલા સહીત 2ને ઝડપી પાડયા હતા. જયારે પોલીસે 1 મહિલા અને વિદેશી દારૂ આપી જનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે સિસોદ્રા ગામે વેરાઈ માતાના મંદિર પાસે વેરાઈ ફળીયામાં સીતાબેન રવિભાઈ હળપતિના ઘરની બાજુમાં આવેલી દુકાનમાં રેઇડ કરી હતી. જ્યાંથી પોલીસને 39,160 રૂપિયાનો 376 નંગ બાટલીઓ તેમજ 320 રૂપિયાનો દેશી દારૂ મળી આવ્યો હતો. સિસોદ્રા ગામે વેરાઈ ફળીયામાં રહેતા સિતુભાઈ બાબુભાઈ હળપતિ અને સીતાબેન રવિભાઈ હળપતિને પોલીસે ઝડપી પાડયા હતા. જયારે પોલીસે સુમનબેન ઉર્ફે કાવ્યા ઉર્ફે કાઉ મનોજભાઈ હળપતિ તેમજ વિદેશી દારૂ આપી જનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી દેશી અને વિદેશી દારૂ સહીત 40 હજારની મોપેડ અને દારૂ વેચાણના 17,110 રૂપિયા મળી કુલ્લે 96,590 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.