સુરત: (Surat) નવી સિવિલ (New Civil) ચાર રસ્તા પાસે આજે સવારે એક દારૂડિયાની જાહેરમાં ધોલાઈ થઈ હતી. બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં એકબીજાને માર મારતા ઇજાગ્રસ્તને 108માં લઈ જવાતા દારૂડિયો ભાઈ 108ની સામે સુઈ ગયો હતો. જાહેરમાં તમાશો કરતા પોલીસ બોલાવવી પડી હતી અને બાદમાં મામલો શાંત પાડ્યો હતો.
પોલીસ અને ટીઆરબીએ મામલો શાંત પાડી દારૂડિયાને પોલીસના હવાલે કર્યો
નવી સિવિલની બહાર ફુટપાથ પર રહેતા એક પરિવારનું પાકીટ ચોરી થવાની ઘટનાને લઈને બે ભાઈઓ સાથે જાહેરમાં ઝઘડો થયો હતો. દારૂડિયો દંડા વડે આરોપ લગાડનાર પરિવાર પર તૂટી પડ્યો હતો. જોકે સામાવાળાએ પણ દંડા વડે દારૂડિયાને જાહેરમાં ફટકાર્યો હતો. ઘટનાને પગલે નવી સિવિલ ચાર રસ્તા પાસે ઉભેલી પોલીસ અને ટીઆરબી જવાન દોડી આવ્યા હતા. ઝઘડાને પગલે દારુડિયાનો ભાઈ પણ આવેશમાં આવતા પોલીસ કર્મચારી સાથે જીભાજોડી બાદ પથ્થર લઈ મારવા દોડ્યો હતો. પોલીસ કર્મચારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માંગતા પોલીસ પીસીઆર સ્થળ પહોંચી ગઈ હતી. પોલીસે બેભાન પડેલા ભાઈને દારૂડિયા ભાઈથી બચાવ્યો હતો. 108 માં ઇજાગ્રસ્તને સ્ટ્રેચર પરથી ફેંકી ઓક્સિજન બોટલ વડે મારવાનો પ્રયાસ કર્યો હતો. તથા 108 એમ્બ્યુલન્સની સામે સૂઈને મારી લાશ પરથી ગાડી લઈ જાઓની બૂમો પાડી હતી. પોલીસે તેને પકડીને પીસીઆરમાં બેસાડી લઈ ગઈ હતી. અને મામલો થાળે પાડ્યો હતો.