કહેવત છે ને કે, માણસના સાચા મિત્ર પુસ્તકો છે. ભલે આજે ઇન્ટરનેટનો યુગ હોય છતાં તમે સુરતના કોઈપણ ઘરમાં ડોકિયું કરશો તો એ ઘરમાં પુસ્તકોનું રેક જોવા મળશે અથવા કબાટનું એક ખાનું તો પુસ્તકોથી રેલમછેલ હોવાનું જ. સમગ્ર વિશ્વમાં દરવર્ષે 23 એપ્રિલને વર્લ્ડ બુક ડે તરીકે ઉજવાય છે. વિશ્વ પુસ્તક દિવસ UNESCO અને દુનિયાભરના અન્ય સંબંધિત સંગઠનો દ્વારા લેખકો, પુસ્તકોને દુનિયાભરમાં સમ્માન આપવા માટે, વાંચવાની કળાને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે. આમ તો કહેવાય છે કે, લોકોનો વાંચવા પ્રત્યેનો મોહ ઘટ્યો છે. લોકો પુસ્તકોના વાંચન પ્રત્યે નીરસ બની રહ્યાા છે. આ સ્થિતિ વચ્ચે સુરતમાં કેટલાંય એવા વ્યક્તિઓ છે જેઓ સુરતીઓમાં વાંચનની અલખ જગાડવા નોખા-અનોખા અભિયાન ચલાવી રહ્યાા છે. કોઈએ કોલેજ સ્ટુડન્ટસથી લઈને સામાન્ય વ્યક્તિઓને આંગળીના ટેરવે દુનિયાભરનું નોલેજ મળી રહે તે માટે ઇ-લાઈબ્રેરી પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો કોઈએ પુસ્તક પરબ શરૂ કરી છે. આપણે સુરતીઓમાં પુસ્તક વાંચન પ્રેમ જગાડવા થઈ રહેલા અનોખા અભિયાન વિશે જાણીએ.
ગાર્ડનમાં પુસ્તક પરબ અંતર્ગત પુસ્તકો વાંચવા અપાય છે: રાકેશ (મિત્ર) રાઠોડ
રાકેશ રાઠોડ અને તેમના મિત્રો પુસ્તક પરબ ચલાવે છે. તેઓ દર મહિનાના પહેલાં રવિવારે અડાજણમાં સ્થિત પરશુરામ ગાર્ડનમાં એક જગ્યા પર પુસ્તકોનો ગોઠવી દે છે. લોકો આવીને તેમને ગમતા પુસ્તકો વાંચવા લઈ જાય છે. આ પુસ્તક એક મહિના બાદ પરત કરવાનું હોય છે. રાકેશ (મિત્ર) રાઠોડે જણાવ્યું કે, અમદાવાદમાં માતૃભાષા અભિયાન નામની સંસ્થા છે. તેનો આ પ્રોજેક્ટ હું અને મારા મિત્રો સુરતમાં ચલાવીએ છીએ. 2020માં તેની શરૂઆત કરી હતી. જોકે, પછી કોરોનાનું લોકડાઉન આવતા આ અભિયાન બંધ રહ્યું હતું. ત્યારબાદ છેલ્લાં દોઢ વર્ષથી ફરી આ અભિયાન ચલાવી રહ્યા છીએ.કેટલાક લોકો અમને પુસ્તકોનું દાન કરે છે. અમે પરશુરામ ગાર્ડનની પાળી પર પુસ્તકો મૂકીએ છીએ. લોકો તેમનું નામ અને મોબાઈલ નમ્બર લખાવીને અમારી પાસેથી તેમને ગમતું પુસ્તક વાંચવા લઈ જાય છે.આ પુસ્તકોમાં નવલકથા, ગઝલ સંગ્રહ, વાર્તા સંગ્રહ, ભગવદ ગીતા, ધાર્મિક પુસ્તકો, આયુર્વેદના પુસ્તક ઉપરાંત અન્ય વિષયોના પુસ્તકો છે.
વિશ્વના શ્રેષ્ઠ 1000 પુસ્તકોનો સંગ્રહ ઇ-લાઈબ્રેરી રૂપે તૈયાર થયો છે: નરેશ કાપડિયા
શહેરના જાણીતા નાટ્યકાર નરેશભાઈ કાપડિયાએ દુનિયાના શ્રેષ્ઠ 1000 પુસ્તકોના લગભગ 3 લાખ પાનાનો સંગ્રહ આંગળીના ટેરવે વાંચી શકાય તે રીતે ઇ-લાઈબ્રેરી રૂપે બનાવ્યો છે.નરેશભાઈ કાપડીયાએ જણાવ્યું કે આ ઓનલાઇન લાઈબ્રેરી છે, જેના તમામ એક હજાર પુસ્તકો માત્ર અંગ્રેજીમાં જ છે.તેમાં દુનિયાભરના જાણીતા લેખકોના પુસ્તકો છે. જેમાં ભારતના મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોરનો સમાવેશ થાય છે.. આ લાઈબ્રેરી દક્ષિણ ગુજરાતની 250 જેટલી કોલેજો અને સુરતની અંગ્રેજી માધ્યમની સ્કૂલોને નિઃશુલ્ક આપવામાં આવી છે.સામાન્ય લોકો ઇ-મેલ દ્વારા પણ આ પુસ્તકો મેળવી શકે છે. આ કાર્ય તેમણે સુરતની પ્રાર્થના સંઘની મહાત્મા ગાંધી જનરલ લાઈબ્રેરી માટે કર્યું.આ પુસ્તકોમાંથી M.Phil., Ph.d. જેવા સંશોધન કાર્ય માટેનું મટિરિયલ મળી રહે છે. આ 1000 પુસ્તકોમાં કવિતાઓ, વાર્તા, નિબંધ, વિજ્ઞાન, ટેકનોલોજી, ટ્રાવેલ્સ સંબંધિત, ભૂગોળ લક્ષી પુસ્તકો છે.
ઘરના એક રૂમને લાઈબ્રેરી નામ આપ્યું છે: યામિની વ્યાસ
નર્મદ સાહિત્ય સભાના મંત્રી યામિની વ્યાસને બાળપણથી પુસ્તકો પ્રત્યે પ્રેમ છે. તેમણે જણાવ્યું કે, મારા ફાધર અમને પાંચે ભાઈ-બહેનોને બર્થડે ગિફ્ટમાં પુસ્તકો ગિફ્ટ આપતા. એ રીતે પુસ્તક વાંચન ગમવા લાગ્યું. મારી પાસે લગભગ 4000 પુસ્તકોનું કલેક્શન છે. મારા ઘરના એક રૂમને મેં લાઈબ્રેરી બનાવી છે. અને તે રૂમને લાઈબ્રેરી જ નામ આપ્યું છે. હું કોઈ કાર્યક્રમમાં જાઉં ત્યાં સ્વાગત-સમ્માનમાં જે પુસ્તકો મળે તેનો સંગ્રહ પણ હું કરું છું. હું જે લોકોને વાંચનનો ખરેખર શોખ છે તેમને પુસ્તકોની ભેટ આપું છું. જ્યાં પુસ્તકો દેખાય ત્યાં પુસ્તકો ખરીદવા મારું મન લલચાય જ છે. મારી પુસ્તકોની લાઈબ્રેરીમાં કવિતાના પુસ્તક, સાહિત્યના પુસ્તક, ગઝલ સંગ્રહ અને નાટકો સંબંધિત પુસ્તકો છે.
દર વર્ષે 10 હજાર રૂ.નું ઇન્વેસ્ટમેન્ટ પુસ્તકોમાં કરું છું: મનસુખલાલ નારિયા
સ્કૂલ પ્રિન્સીપાલનું પદ શોભાવી ચૂકેલા મનસુખલાલ નારિયા અત્યારે તો સેવા નિવૃત છે. તેઓ દર વર્ષે 8થી 10 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ પુસ્તકો પાછળ કરે છે. તેમના ઘરની લાઇબ્રેરીમાં 2500થી વધુ પુસ્તકો છે. તેમણે જણાવ્યું કે, મારો ઉછેર જામનગરના બઘેલા ગામમાં થયો હતો. મારું આ ગામ એટલું નાનું છે કે ત્યાં કોઈ છાપા ત્યારે નહીં આવતા. કોઇ વસ્તુ પેપરમાં વીંટળાયેલી આવતી તો એ પેપર હું લઈ લેતો અને આખું વાંચી જતો. હું કવિ પણ છું મારું કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ થયું છે. મને ગેસ્ટ ઓફ ઓનર તરીકે જયાં આમંત્રણ અપાતું ત્યાં મારું સમ્માન પુસ્તકો થી થતું. મહિને મને બે-ત્રણ પુસ્તકો આ રીતે ભેંટ મળે. આ પુસ્તકો ઉપરાંત હું વર્ષે 10 રૂપિયાના પુસ્તકો વસાવું છું. મારા ઘરની લાઈબ્રેરી મેં મારી શેરી અને આજુબાજુની શેરીના બાળકો માટે ખુલ્લી રાખી છે. મારી લાઇબ્રેરીમાં મોટિવેશન સંબંધિત, એજ્યુકેશન સંબંધિત, વિજ્ઞાન અને કવિતાના પુસ્તકો છે. નાના બાળકો માટે બાળવાર્તાના પુસ્તકો છે.