નવી દિલ્હી: જિયોએ (Jio) ભારતીય મોબાઈલ કોંગ્રેસ 2023માં તેની નવી સેવાની જાહેરાત કરી છે. કંપનીએ Jio Space Fiber રજૂ કર્યું છે, જે દેશના અંતરિયાળ વિસ્તારોને કનેક્ટ રાખવામાં મદદ કરશે. આ સેટેલાઈટ આધારિત ગીગા ફાઈબર ટેક્નોલોજી છે, જેની મદદથી દૂરના સ્થળોએ ઈન્ટરનેટ સેવા આપી શકાય છે. કંપનીનો દાવો છે કે આ સેવા દેશભરમાં સસ્તી કિંમતે ઉપલબ્ધ થશે.
તમને જણાવી દઈએ કે Jio પહેલાથી જ Jio Fiber બ્રોડબેન્ડ અને Jio AirFiber સર્વિસ ઓફર કરે છે. બંનેનું કામ લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનું છે. કંપનીએ IMC 2023માં આ સેવાની જાહેરાત કરી છે, જે 27 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી ચાલશે. જિયો સ્પેસ ફાઈબર દ્વારા ભારતમાં ચાર સ્થળોને જોડવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનું ગીર નેશનલ પાર્ક, છત્તીસગઢનું કોરબા, ઓરિસ્સાનું નબરંગપુર અને આસામનું ONGC-જોરહાટનો સમાવેશ થાય છે. રિલાયન્સ જિયોના કનેક્ટિવિટી પોર્ટફોલિયોમાં Jio Fiber અને Jio Air Fiber પછી આ ત્રીજી મોટી ટેક્નોલોજી છે.
જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી શું છે?
SIS કંપનીના સેટેલાઇટનો ઉપયોગ Jio Space Fiberની મદદથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવા માટે કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, Jio Space Fiber હવે ગમે ત્યાં અને ગમે ત્યારે મલ્ટિ-ગીગાબીટ કનેક્ટિવિટી પ્રદાન કરશે. ‘જીઓ સ્પેસ ફાઇબર’ દૂરના વિસ્તારોમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે નવીન અને અદ્યતન NGSO ટેક્નોલોજીનો ઉપયોગ કરશે.
આકાશ અંબાણીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સર્વિસનો ડેમો પણ બતાવ્યો હતો. આ સેવા એલોન મસ્કની સ્ટારલિંક જેવી જ છે, જે તમને સેટેલાઇટની મદદથી ઇન્ટરનેટ સેવા પ્રોવાઈડ કરશે. આ સાથે, જ્યાં બ્રોડબેન્ડ અથવા એર ફાઇબર ઉપલબ્ધ નથી ત્યાં પણ ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે.
કેટલો ખર્ચ થશે?
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘જિયોએ ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને પ્હેલીવાર વખત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો અનુભવ કરાવ્યો છે. Jio Space Fiber સાથે અમે લાખો અનકનેક્ટેડ લોકોને આવરી લઈશું. ઓનલાઈન સરકારી, શિક્ષણ, આરોગ્ય અને મનોરંજન સેવાઓથી લઈને, Jio Space Fiber દરેકને, દરેક જગ્યાએ જોડવામાં સક્ષમ હશે. આ સેવા સામાન્ય લોકો માટે ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી. તેની કિંમત શું હશે તે અંગે કંપનીએ કોઈ ચોક્કસ માહિતી આપી નથી. જોકે, બ્રાન્ડે કહ્યું છે કે યુઝર્સને સસ્તી કિંમતે ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળશે.