Columns

આજથી

હિમાલયની કંદરાઓમાં એક સાધુ એક નાનકડા તળાવ પાસે એક નાનકડી ઝૂંપડી બાંધીને રહે અને વાતાવરણ કોઈ પણ હોય, શિયાળામાં વરસતો બરફ કે ઉનાળામાં પર્યટકોનાં ટોળાં સાધુ ત્યાં જ રહે પોતાની મસ્તીમાં રત….શિયાળામાં પહાડો બરફની ચાદર ઓઢી જાણે પોઢી જાય મહિનાઓ સુધી કોઈ આવનજાવન ન હોય ત્યારે પણ સાધુ પોતાનો એક કંબલનો ડગલો પહેરી ત્યાં રહે અને ઉનાળામાં ઠંડી ઓછી થાય, થોડો થોડો બરફ પીગળે …સૂર્યના પ્રકાશમાં થોડો થોડો બરફ સુંદર દૃશ્યો સર્જે અને અનેક લોકો આ મનોરમ્ય દૃશ્ય અને વાતાવરણને માણવા ત્યાં ફરવા આવે ત્યારે પણ સાધુ ત્યાં જ રહે. સાધુ એટલે અનન્ય સરળતા અને અજબ ધૂનનો સમન્વય….ઉનાળો શરૂ થયો અને એક દિવસ આ સાધુ મહારાજની ઝૂંપડી પાસેથી એક પર્યટક યુવાનોનું ટોળું પસાર થયું.

સાધુને જોઇને તેમની પાસે આવ્યું.સાધુ મહારાજે પણ તેમને પ્રેમથી સ્મિત આપ્યું.જાતે ચા બનાવી પીવડાવી.એકદમ સરળતાથી તેમની સાથે સેલ્ફી પણ પડાવી.સરસ હિમાલયની કંદરાઓની વાતો કરી.યુવાનોને મજા આવી ગઈ. અચાનક એક યુવાને સાધુ મહારાજને પૂછ્યું, ‘મહારાજ, તમે અહીંના જાણકાર લાગો છો.આ ઝૂંપડી બાંધી હિમાલયની ગોદમાં ક્યારથી રહો છો?’બધાને હતું સાધુ મહારાજ અમુક વર્ષોનો હિસાબ આપશે, પણ બધાના આશ્ચર્ય વચ્ચે સાધુ મહારાજ જવાબમાં એક જ શબ્દ બોલ્યા, ‘આજથી.’અને પછી અચાનક ત્યાંથી ઊભા થઈ ગયા અને હિમાલયની કંદરાઓમાં ફરવા નીકળી ગયા.યુવાનો તેમના આવા વિચિત્ર જવાબ અને વર્તનથી અવાચક થઈ ગયા.

તેમને થયું હમણાં સાથે બેસી વાતો કરતા.ચા બનાવતા અને સેલ્ફી પડાવતા સાધુ કેટલા સરળ લાગતા હતા અને આવો વિચિત્ર જવાબ આપી પોતાની ધૂનમાં નીકળી ગયા. સાધુના જવાબ વિષે વિચાર કરીએ તો કેટલો ગહન અને જીવનની અઘરી સમજ ઊંડાણપૂર્વક આપતો જવાબ છે.સતત આ જવાબ પર ચિંતન કરતાં સમજાય છે કે તમારું જીવન એટલે માત્ર આજ છે.આવતી કાલની ખબર નથી અને ગઈ કાલ પાછી લાવી શકાતી નથી.માત્ર આજ આપણા હાથમાં છે.આજમાં જીવવું એટલે વીતેલી બધી જ ગઈ કાલોનો ભાર મન અને મગજમાં ન રાખવો અને આવતી કાલ જેવું કંઈ હોય તે વિચારવું જ નહિ.આજમાં જીવો અને આજનો આનંદ માણી લો. કંઈ પણ નવું શરૂ કરવું હોય તો આજથી કરો અને જે કરો અને જયાં રહો, આજમાં રહો.ન વીતેલાં વર્ષોની મમત,યાદ અને મોહ રાખો અને ન આવનારી કાલનો ઇન્તેઝાર, વિચાર કે ડર બસ જીવો આજથી.માનો આજને.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top