દુબઇ : ભારતીય ફાસ્ટ બોલર (Fast Bowler) અવેશ ખાન એશિયા કપ 2022માંથી બહાર (Out) થઈ ગયો છે. હવે ટીમ ઈન્ડિયામાં (Team Indian) તેના સ્થાને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દીપક ચહર એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયા સાથે સ્ટેન્ડ-બાય પ્લેયર તરીકે ગયો હતો. હવે તે મુખ્ય ટીમમાં આવી ગયો છે. એશિયા કપની બે મેચમાં અવેશ ખાનનું પ્રદર્શન બહુ સારું નહોતું અને તે પાકિસ્તાન સામેની સુપર ફોરની મેચમાં રમ્યો નહોતો. અવેશ ખાનને તાવ હતો અને તેના કારણે તેને પાકિસ્તાન સામેની સુપર ફોર મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. આ મેચમાં ભારતીય ટીમનો 5 વિકેટે પરાજય થયો હતો.
રોહિત શર્માએ એશિયા કપમાં સર્વાધિક છગ્ગાનો શાહિદ આફ્રિદીનો રેકોર્ડ
દુબઇ, તા. 06 : એશિયા કપમાં આજે મંગળવારે શ્રીલંકા સામેની કરો યા મરો મેચમાં 41 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 72 રનની ઇનિંગ રમનારા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં સર્વાઘિક છગ્ગા ફટકારવાનો પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. શાહિદ આફ્રિદીએ એશિયા કપમાં કુલ 26 સિક્સર ફટકારી હતી, પરંતુ હવે રોહિત શર્માના નામે 29 સિક્સર છે અને તે નંબર વન પર પહોંચી ગયો છે. એશિયા કપમાં સનથ જયસૂર્યા 23 છગ્ગા સાથે ત્રીજા નંબર પર છે, જ્યારે સુરેશ રૈના 18 છગ્ગા સાથે ચોથા અને એમએસ ધોની 16 છગ્ગા સાથે પાંચમા નંબરે છે. આ સાથે જ રોહિત શર્મા એશિયા કપ (વન ડેઅને ટી-20 સહિત)માં 1000થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેના પહેલા શ્રીલંકાનો સનથ જયસૂર્યા અને કુમાર સંગાકારા આ આંકડે પહોંચી ચૂક્યા છે.