National

એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટે દેવાળું ફૂંક્યું, બધી ફ્લાઈટ કેન્સલ કરી

નવી દિલ્હી: ખાનગી એરલાઈન્સ (Airlines) કંપની ગો ફર્સ્ટ (Go First) એ નાદારી (Bankruptcy) નોંધાવી છે. કંપનીએ તા. 3 અને 4 મેના રોજની તમામ ફ્લાઈટ (Flight) કેન્સલ (Cancelled) કરી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને આ અંગે જાણ કરી દીધી છે. કંપની લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ એવિએશને ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ રદ થઈ હોવાની જાહેરાત કરતા આ મામલો બહાર આવ્યો છે.

વાડિયા ગ્રુપની માલિકીની ગો ફર્સ્ટ એરલાઈન્સે આર્થિક તંગીના પગલે નાદારી નોંધાવી છે. ઓઈલ કંપનીઓને બાકી લેણાં નહીં ચૂકવવાના લીધે કંપનીએ તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એરલાઈન્સને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કંપની પાસે પોતાના એરબસ એ 3 નિયો એરક્રાફ્ટ માટે ઉપયોગમાં લેવાતા પ્રેટ એન્ડ વ્હિટની એન્જિનનો પુરવઠો પણ નથી. ગો ફર્સ્ટ એરલાઈન્સે અમેરિકી કોર્ટમાં એન્જિન બનાવતી કંપની પ્રેટ એન્ડ વ્હિટની સામે એક ઈમરજન્સી અરજી ફાઈલ કરી હતી, જેમાં કહ્યું હતું કે અમને કંપની તરફથી વિમાનના એન્જિન નથી મળ્યા અને તે નહીં મળે તો ટૂંક સમયમાં અમારી કંપની નાદારી નોંધાવશે. 30 માર્ચે ગો ફર્સ્ટની તરફેણમાં ચુકાદો પણ આપવામાં આવ્યો હતો. 

ગો ફર્સ્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં નાદારી માટેની અરજી પણ મુકી દીધી છે. કંપનીના સીઈઓ કૌશિક ખોાએ કહ્યું કે, એરલાઈન્સે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ સ્વૈચ્છિક રીતે ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન કાર્યવાહી માટે અરજી કરી છે.

તમને જણાવી દઈએ કે 31 માર્ચ સુધી GoFirstના 30 વિમાનો જમીન પર આવી ચૂક્યા છે જે ઉડવામાં સક્ષમ નથી. આ 30 વિમાનો પૈકી 9 માટે લીઝની ચુકવણી બાકી છે. GoFirst પાસે 61 એરક્રાફ્ટ છે જેમાં 56 A320neos અને 5 A320ceos હાજર છે. ગો ફર્સ્ટ ત્યારે મુશ્કેલીમાં છે જ્યારે દેશમાં હવાઈ મુસાફરીની માંગ વધી છે અને હવાઈ ભાડું આકાશને આંબી રહ્યું છે. 

આ ઉનાળામાં એરલાઈન્સે દર અઠવાડિયે 1538 ફ્લાઈટ્સ ઉડાવવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે, જે ગયા વર્ષ કરતાં 40 ઓછો છે.  મે 2022માં ગો ફર્સ્ટનો માર્કેટ શેર 11.1 ટકા હતો, જે ઘટીને 8 ટકા થઈ ગયો છે. એરલાઈન્સમાં ઉડતા મુસાફરોની સંખ્યા 12.7 લાખથી ઘટીને 9,63,000 થઈ ગઈ છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે નાણાકીય કામગીરીને અસર થઈ છે. 

Most Popular

To Top