કોઈ પણ ફુગ્ગામાં આપણે હવા ભર્યા કરીએ, ભર્યા કરીએ, તો છેવટે ફુગ્ગો ફૂટી જતો હોય છે. જો ફુગ્ગાને બચાવી લેવો હોય તો તેમાંથી થોડી હવા બહાર કાઢીને તેની મજબૂતાઈ વધારવી જોઈએ. છેલ્લા ત્રણ દિવસથી અદાણી જૂથના શેરોમાં જે ધોવાણ થઈ રહ્યું છે તે આ ફુગ્ગામાંથી થોડી હવા બહાર કાઢીને ફુગ્ગાને બચાવી લેવાની પ્રક્રિયાનો ભાગ છે. આ પ્રક્રિયાને કોઈ બુદ્ધિપૂર્વક નિયંત્રિત કરી રહ્યું છે. તેમનો ઇરાદો અદાણીના ફુગ્ગાને ફોડી નાખવાનો નથી પણ તેને ટકાઉપણું આપવાનો છે, માટે આ ફુગ્ગો ફૂટી નહીં જાય તે નક્કી છે.
અંબાણી અને અદાણી ભારતના અર્થતંત્રના બે ટ્વિન ટાવરો છે. ભારતના અર્થતંત્રને અર્થાત્ શેર બજારને ધ્વસ્ત કરવું હોય તો સૌથી પહેલો હુમલો ભારતના આ ટ્વિન ટાવર ઉપર કરવો પડે. અદાણી જૂથ પર નાનકડો હુમલો થયો છે. હવે અંબાણી જૂથનો વારો છે. જેમ અદાણી જૂથના શેરોમાં ચરબી વધી ગઈ છે તેમ ભારતના શેર બજારમાં પણ ચરબી જરૂર કરતાં વધી ગઈ છે, જે તેના આરોગ્ય માટે ઘાતક છે. આ ચરબી ઓછી કરવા મંદી લાવવી જરૂરી છે. આ મંદી લાવવા વિદેશી સંસ્થાઓ મહેનત કરી રહી છે.
અમેરિકાની બહુ ઓછી જાણીતી શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગ દ્વારા અદાણી જૂથ પર જે હુમલો કરવામાં આવ્યો તે જગતના અર્થતંત્રને તોડવાની એક યોજનાનો ભાગ છે. હિન્ડનબર્ગ નામની કંપનીનો ધંધો જ શોર્ટ સેલિંગ કરીને કમાણી કરવાનો છે. શેર બજારની પરિભાષામાં શોર્ટ સેલિંગનો અર્થ ‘માથે મારવું’તેવો થાય છે. તમારી પાસે જે શેરો હોય જ નહીં તે તમે વેચો તેને શેરો માથે માર્યા કહેવાય છે. હિન્ડનબર્ગ કંપનીએ અદાણી જૂથનું તથાકથિત કૌભાંડ બહાર પાડતાં પહેલાં તેના કરોડો શેર માથે માર્યા હશે. હવે તેમાં ૨૦ ટકાનો કડાકો બોલી જતાં તે બજારમાંથી સસ્તામાં શેરો ખરીદી લેશે. આ રીતે તેને અબજો ડોલરનો નફો થઈ જશે. હિન્ડનબર્ગ દ્વારા અદાણી જૂથ બાબતમાં જે ૮૮ મુદ્દાઓ બહાર પાડવામાં આવ્યા છે, તેમાંના બધા મુદ્દા ભારતમાં જાણીતા છે.
છેલ્લાં ૧૦ વર્ષમાં અદાણી જૂથની ગેરરીતિઓ બાબતમાં ભારતના મિડીયામાં ટુકડે ટુકડે સમાચારો છપાતા જ રહ્યા છે. તેની વિરુદ્ધ કોર્ટમાં કેસો થતા રહ્યા છે અને સેબીમાં ફરિયાદો પણ થતી રહી છે, પણ અદાણી જૂથને ઊની આંચ આવી નથી. તેનો ફુગ્ગો ફૂલાઈ જ રહ્યો હતો. ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું હતું અને બધા ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા ત્યારે અદાણી જૂથની કંપનીઓના શેરોના ભાવો અચંબાજનક રીતે વધી રહ્યા હતા.
જોતજોતામાં ગૌતમ અદાણી ભારતના સૌથી મોટા અને દુનિયાના ત્રીજા નંબરના ધનવાન બની ગયા હતા. હવે વિદેશની કોઈ કંપની વિદેશી મિડીયાનો સાથ લઈને અદાણી ઉપર નિયંત્રિત હુમલો કરી રહી છે. તેની અસર કેટલી મોટી છે કે અદાણી જૂથના શેરોમાં સરેરાશ ૨૦ ટકાનું ગાબડું પડી ગયું છે. ત્રણ જ દિવસમાં અદાણી જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન ૧૯ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૧૫ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. ગૌતમ અદાણીની વ્યક્તિગત સંપત્તિમાં ત્રણ દિવસમાં ૨૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે.
તમે એ વાત નોંધી હશે કે અદાણી જૂથ પર વિદેશી તાકાતો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે એવો નહોતો કે અદાણી જૂથના શેરોના ભાવો રાતોરાત શૂન્ય પર આવી જાય. જો તેવું કરવામાં આવ્યું હોય તો અદાણી જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન ૧૯ લાખ કરોડથી ઘટીને ૧૫ લાખ કરોડ પર ટકેલું ન હોય પણ ઝીરો થઈ ગયું હોય. અદાણી જૂથના શેરોના ભાવોમાં જે ઘટાડો થયો છે તે તેમાં છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલા વધારાની સરખામણીમાં બહુ ઓછો છે. તેવી જ રીતે ભારતના શેર બજારમાં જે કડાકો બોલી ગયો છે તે છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલા ઘટાડાની સરખામણીમાં બહુ ઓછો છે. જો અદાણી જૂથની શેર હોલ્ડિંગ પેટર્નનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે તેમાં ગોલમાલનો પૂરો અવકાશ છે.
અદાણી જૂથના લગભગ સરેરાશ ૭૪ ટકા શેરો તો તેના પ્રમોટરો પાસે છે. બીજા ૧૫ ટકા શેરો વિદેશી ફાઇનાન્સ કંપનીઓ પાસે છે. બાકીના ૧૧ ટકા પબ્લિક પાસે છે. વિદેશી ફાઇનાન્સ કંપનીઓ બે કે પાંચ ટકા શેરો ખરીદે તો જૂથના શેરોમાં ૨૦થી ૫૦ ટકાનો ઉછાળો આવે છે અને બે કે પાંચ ટકા શેરો વેચે તો તેમાં ૨૦થી ૫૦ ટકાનો કડાકો બોલી જાય છે. જે વિદેશી ૧૫ ટકા રોકાણ કરવામાં આવ્યું છે તે પણ ટેક્સ હેવનમાં બનાવાયેલી શેલ કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પ્રમોટરોના નાણાં લાગેલા છે. પ્રમોટરો જો પબ્લિકના ૧૧ ટકા શેરોના ભાવોમાં વધારો કરે તો તેમની પાસે રહેલા ૮૯ ટકા શેરોના ભાવો વધી જાય છે. આ મોડસ ઓપરેન્ડી ભારતમાં બધા જાણતા હતા. હિન્ડરબર્ગે તેના પર જ વધારાનો પ્રકાશ નાખ્યો છે.
અદાણી જૂથ પર જે હિન્ડરબર્ગ કંપની દ્વારા પ્રહાર કરવામાં આવ્યો છે, તે નામનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ૧૯૩૦ના દાયકામાં યુરોપમાં અને અમેરિકામાં એરોપ્લેનનો નહીં પણ એરશીપનો જમાનો હતો, જેમાં બલૂનમાં હાઇડ્રોજન ગેસ ભરીને તેને ઉડાડવામાં આવતાં હતાં. ઇ.સ. ૧૯૩૭માં અમેરિકાના આકાશમાં હિન્ડનબર્ગ નામનું બલૂન આગ લાગીને સળગી ગયું તેમાં ૪૯ મુસાફરી જોતજોતામાં બળીને ખાક થઈ ગયા હતા. આ દુર્ઘટનાનું ત્યારે કોઈકે શૂટીંગ કરી લીધું હતું, જેનો વિડીયો આજે પણ યુ-ટ્યૂબ પર જોવા મળે છે.
હિન્ડનબર્ગ દુર્ઘટનાને કારણે વિશ્વમાં એટલો હાહાકાર મચી ગયો કે દુનિયામાં એરશીપ સામે પ્રચંડ વિરોધ પેદા થયો, જેને પરિણામે એરશીપનો યુગ આથમી ગયો અને એરોપ્લેનનો જમાનો શરૂ થયો. હિન્ડનબર્ગની દુર્ઘટના મનુષ્ય દ્વારા પેદા કરવામાં આવી હતી, જેને કારણે હિન્ડનબર્ગ શબ્દ મેન મેડ ડિઝાસ્ટરનો પર્યાય બની ગયો. હિન્ડનબર્ગ નામની જે કંપની શરૂ કરવામાં આવી તે પણ આવા મનુષ્યો દ્વારા સર્જીત કૌભાંડોનો ભાંડો ફોડવા માટે જ કરવામાં આવી હતી. હિન્ડનબર્ગ કંપનીનો સ્થાપક નેથન એન્ડરસન પહેલાં મોટર મિકેનિક હતો. તેણે ૨૦૧૭માં આ કંપનીની સ્થાપના કરી હતી.
તેમાં માત્ર પાંચ જ કર્મચારીઓ છે. આ કંપનીનો ધંધો જ મોટી કંપનીઓમાં ચાલતા ગોટાળાઓ શોધી કાઢવાનું, પછી તેના શેરો માથે મારવાનું, પછી તેના કૌભાંડો બહાર પાડવાનું અને પછી તેમાંથી નફો કરવાનું છે. જો હિન્ડનબર્ગ કંપનીને વેસ્ટર્ન મિડીયા કે ભારતીય મિડીયા તેમ જ નાણાં સંસ્થાઓ દ્વારા આટલું બધું મહત્ત્વ ન આપવામાં આવ્યું હોત તો અદાણી જૂથના શેરોમાં આટલો કડાકો ન બોલી ગયો હોત.
થોડા સમયથી ભારતની રિઝર્વ બેન્કથી માંડીને વર્લ્ડ બેન્ક દ્વારા સતત આગાહી કરવામાં આવી રહી છે કે આવતા જૂન મહિના સુધીમાં જગતમાં મોટી મંદી આવી રહી છે. આ મંદી આવી નથી રહી પણ પદ્ધતિસર રીતે લાવવામાં આવી રહી છે. ભારતના પડોશમાં આવેલા શ્રીલંકામાં અને પાકિસ્તાનમાં જે કટોકટી પેદા કરવામાં આવી છે તે પણ આ બૃહદ્ યોજનાનો ભાગ છે. ભારતના અનાજના ભંડારો ખાલી કરવામાં આવી રહ્યા છે તે પણ આ યોજનાનો ભાગ છે. દેશમાં ઠેકઠેકાણે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને પાક બગડી રહ્યો છે તે પણ આ યોજનાનો ભાગ છે. કોરોના મહામારી પણ આ યોજનાનો ભાગ છે. મંદી, મહામારી, દુકાળ, મોંઘવારી, ફુગાવો, ભૂખમરો, રમખાણો વગેરે દ્વારા તેઓ દુનિયામાં અંધાધૂંધી પેદા કરીને જૂની સિસ્ટમો ખતમ કરવા માગે છે. જૂની સિસ્ટમો ખતમ થાય તે પછી તેઓ તેમની ઇચ્છા મુજબનો ‘ન્યુ વર્લ્ડ ઓર્ડર’લાવવા માગે છે.