અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાએ સંસદની જાહેર હિસાબ સમિતિ (પબ્લિક હિસાબ સમિતિ – PAC) ને પોતાનો જવાબ સુપરત કર્યો છે. કંપનીએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનરનો બચાવ કરતા કહ્યું કે તે સૌથી સુરક્ષિત વિમાનોમાંનું એક છે.
સંસદીય સમિતિએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, એરલાઇન અને એરપોર્ટ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન ઘણા સાંસદોએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે પ્રશ્નો પૂછ્યા અને પૂછ્યું કે તેના પર રિપોર્ટ ક્યારે તૈયાર થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી શ્રીનગરના હવાઈ ભાડામાં અચાનક વધારા અંગે પણ સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી.
સંસદીય સમિતિના કેટલાક સભ્યોએ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) પાસેથી ઓડિટની પણ માંગ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલની આગેવાની હેઠળની જાહેર હિસાબ સમિતિ (PAC) એ એર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર (MD) કેમ્પબેલ વિલ્સન સહિત એરલાઇનના ટોચના પ્રતિનિધિઓને મળ્યા હતા.
સંસદીય સમિતિના ઘણા સભ્યોએ 12 જૂનના રોજ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો અને એક સભ્યએ મંત્રાલયના અધિકારીઓ પાસેથી વિમાનના બ્લેક બોક્સનું વિશ્લેષણ પૂર્ણ કરવા માટે સમયમર્યાદા વિશે જાણવા માંગ્યું.
દરમિયાન અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને તેનો પ્રારંભિક તપાસ અહેવાલ સુપરત કર્યો. લંડન ગેટવિક જતું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ અમદાવાદમાં ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 241 લોકો અને જમીન પર રહેલા 29 લોકો માર્યા ગયા હતા.
AI171 ના CVR અને FDR બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. આમાંથી પહેલું 13 જૂન 2025 ના રોજ અકસ્માત સ્થળ પર ઇમારતની છત પરથી અને બીજું 16 જૂન, 2025 ના રોજ કાટમાળમાંથી મળી આવ્યું હતું.