SURAT

મોટી સંખ્યામાં પેસેન્જર મળતા હોવા છતાં સુરત એરપોર્ટ પરથી એરઈન્ડિયાએ આ ફ્લાઈટ બંધ કરી

સુરત : સુરત એરપોર્ટથી (Surat Airport) ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે ફ્લાઈટની (Flight) સંખ્યા સતત ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ (Air India) અચાનક સુરત-કોલકાતા ફ્લાઈટ 25 ડિસેમ્બરથી બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ રૂટ પર મોટી સંખ્યામાં પેસેન્જર મળતાં હોવા છતાં એરલાઈન્સે નફો કરતી ફ્લાઈટ બંધ કરવાનો આ નિર્ણય કેમ લીધો એને લઈને ચર્ચા ચાલી રહી છે. જો કે એરલાઈન્સ કંપનીએ એર ઇન્ડિયા, એર વિસ્તારા (Air Vistara), એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express) અને એર એશિયાનાં (Air Asia) મર્જરની પ્રક્રિયાને લીધે ફલાઇટ હાલ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એરલાઈન્સે નવા શિડ્યુલમાં ફરી નવા સ્લોટ સાથે આવવાની ખાતરી આપી છે. તાતા (Tata) ગ્રુપે એર ઇન્ડિયા અને એર વિસ્તારાને ફૂલ ફ્લેજ પ્રીમિયમ સર્વિસની એરલાઈન્સ કેટેગરી જાહેર કરી છે. જ્યારે એર એશિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસને લોકોસ્ટ એરલાઇન્સ તરીકે ચલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રક્રિયામાં સુરત -કોલકાતાની ફલાઈટ ખેંચી લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નવાઈની વાત એ છે કે સિઝનમાં (ચોમાસું સિવાય) આ નોનસ્ટોપ ફ્લાઈટ પેક જતી હતી. જ્યારે ઓફ સિઝનમાં 70 થી 80% પેસેન્જર લોડ મળતો હોવા છતાં એરલાઈન્સે આ નિર્ણય લીધો છે. સુરત એરપોર્ટ પર હવે 11 ફ્લાઈટની સંખ્યા ઘટીને 10 થશે. એક સમયે સુરત એરપોર્ટથી 26 ફલાઇટ ઉપડતી હતી.

હવે સુરતથી કોલકાતા જવા એકમાત્ર વન સ્ટોપ ફ્લાઈટ બચી
અગાઉ સુરત- કોલકાતા રૂટ પર સ્પાઇસ જેટ અને ઇન્ડિગોની નોન સ્ટોપ ફ્લાઈટ ચાલતી હતી. જે કેટલાક મહિના પહેલા બંધ થઈ હતી. હવે એર ઇન્ડિયા એ સુરત-કોલકાતાની હવે કોલકાતા માટે એક માત્ર ઇન્ડિગોની સુરત-જયપુર-કોલકાતા વન સ્ટોપ ફ્લાઈટ બચી, અગાઉ સ્પાઇસજેટ એરલાઇન્સે પણ સુરત-કોલકાતાની ફલાઇટ બંધ કરી હતી. ઇન્ડિગોએ પણ કોલકાતા-સુરતની સીધી ફ્લાઈટ 3 – 4 મહિના પહેલા બંધ કરી હતી. જોકે કોલકાતા-જયપુર ફ્લાઇટને સુરત સુધી લંબાવી, કોલકાતા જવા માટે સુરત-જયપુર-કોલકાતા ફ્લાઈટ યથાવત રાખી છે. કોલકાતા જવા માટે હવે એકમાત્ર આ ફ્લાઈટ બચી છે.

એરપોર્ટ પર પાર્કિંગ બેયસનું ફેઝ-2નું કામ શરૂ થયું
સુરત એરપોર્ટનાં 353 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ મંગાવવામાં આવ્યા પછી ઓગસ્ટ -2023ની નવી ડેટલાઈન સાથે એપ્રન અને પેરેલલ ટેક્સિ ટ્રેકના કામો ધીમી ગતિએ શરૂ થયાં છે. પાર્કિંગ બેયસનું ફેઝ-2 નું કામ હવે શરૂ થયું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ સુરતનાં સાંસદો અને ચોર્યાસીના નવનિયુક્ત ધારાસભ્ય ટૂંક સમયમાં એરપોર્ટ મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં તંત્ર પાસે કેટલું કામ થયું એની વિગતો માંગશે. અને સાથે સાથે સાંસદો એરલાઈન્સ કંપનીઓના મુખ્ય અધિકારીઓ સાથે પણ બેઠકો યોજશે.

Most Popular

To Top